બે વર્ષ પહેલા, ઈરફાન કહે છે –
“અત્યાર સુધી હું મારી સફરમાં ધમી-ઝડપી ગતિએ ચાલી રહ્યો હતો. તેની સાથે મારી યોજનાઓ, આકાંક્ષાઓ, સપનાઓ અને લક્ષ્યાંકો હતા. હું એ જ વિચારીને આગળ વધી રહ્યો હતો અને અચાનક TC એ પાછળથી પીઠ થપથપાવીને પૂછ્યું, “તમારું સ્ટેશન આવી રહ્યું છે, પ્લીઝ ઉતરી જાઓ.”
મને સમજ ન પડી. મેં કહ્યું, “ના, ના. હજુ તો મારું સ્ટેશન આવવાને વાર છે.”
જવાબ મળ્યો, “આગળના કોઈ પણ સ્ટેશન પર તમારે ઉતરવું પડશે. તમારું સ્ટેશન આવી ગયું છે.”
અચાનક, ખબર પડી કે કેટલી બધી ભ્રમણાઓ હતી. અચાનક એવું લાગે કે કોઈ ઢાકણની જેમ એક અજાણ્યા સાગરમાં આભાસી લહેરો પર તમે વહી રહ્યાં છો.
લિટરેચરને પરદા પર બખૂબી દર્શાવનાર વ્યક્તિ માટે ગુલઝારની આ કવિતા જ ટ્રિબ્યુટ હોઈ શકે.
मौत तू एक कविता है।
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको,
डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे
ज़र्द सा चेहरा लिये जब चांद उफक तक पहुँचे
दिन अभी पानी में हो, रात किनारे के करीब
ना अंधेरा ना उजाला हो, ना अभी रात ना दिन
जिस्म जब ख़त्म हो और रूह को जब साँस आए
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको.
–गुलज़ार
ઈરફાનના મૃત્યુના સમાચાર મળ્યા બાદની એક એક ક્ષણનો ભાર કે જે આપણે સૌ બાકીની આખી જિંદગી વેંઢારશું. તેનાથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. આ ક્ષણે બીજું કંઈ જ કહેવા, સાંભળવાની ક્ષમતા નથી. બસ એક અફસોસ કાયમ રહેશે કે, એ આંખો જેના આપણે સૌ દિવાના હતા તે હંમેશા બીજું કંઈક કહેવા માટે પણ તડપતી હતી અને આપણે એ ક્યારેય પણ ના ઉકેલી શક્યા.
લવ યુ ઈરફાન!!!
***
ઈરફાન વાંચી રહ્યા છે….
જયારે પણ તે વાંચે છે ત્યારે તે મનમાં જ કાંઈક ગણગણે છે, જેમ કે તે દ્રશ્યને મનમાં જ ભજવે રહ્યા હોય. પહેલાં મન વાંચે અને પછી શરીર અનુસરે. એક અભિનેતાની આ જ તો ખૂબી હોય ને ! ઈરફાન જયારે વાંચતો હોય ત્યારે એવું લાગે કે કોઈ મધુર ગીત બિલકુલ કોમળતાથી ગણગણી રહ્યું છે, તેને યાદ રાખવા માટે નહિ પરંતુ તે ગીતને પોતાના જ વ્યક્તિત્વનો એક ભાગ બનાવવા માટે.
યુવા ક્રૂ મેમ્બર એક હાથમાં વોકી-ટોકી અને એક હાથમાં ઠંડી જલજીરાની બોટલ લઈને તડકામાં આગળનો સીન તૈયાર કરવા માટે આમતેમ દોડી રહ્યા છે.
..અને ઈરફાન વાંચી રહ્યા છે.
જયારે તેણે ‘ધી લંચબોક્સ’ ફિલ્મમાં જીવનમાં એકલતાથી છલોછલ વિધુરનું પાત્ર નિભાવ્યું હતું ત્યારે તેઓ ‘હારુકા મુરાકામી’ના પુસ્તકો વાંચતા હતા. અને અત્યારે ઈરફાન, મીઠાઈની દુકાનના માલિક ચંપકનું પાત્ર ભજવી રહ્યા છે અને આ વખતે તેઓ અન્ય કોઈ પુસ્તકમાં ખોવાયેલ છે.
..અને ઈરફાન વાંચી રહ્યા છે.
પુસ્તકોમાંથી ફિલ્મની પ્રેરણા અને ફિલ્મ જોતી વખતે એક પુસ્તક વાંચતા હોઈએ અને તેમાં જ ખોવાઈ જવાય તેવી તેમની અદાકારી. ઇતિહાસમાં જે પણ ખૂબ ઊંચે ગયા છે, લોકોના મનના સિતારાઓ બન્યા છે તેમણે ચિક્કાર લિટરેચર વાંચ્યું હશે. આજે તેઓ ખુદ એક લિટરેચર સર્જીને બીજી દુનિયામાં ચક્કરે નીકળી પડ્યા.