મનનું ઘમાસાણ: એક કુરુક્ષેત્ર! ઍથિક્સ કે ઍક્સેપ્ટન્સ?

મનનું ઘમાસાણ: એક કુરુક્ષેત્ર! ઍથિક્સ કે ઍક્સેપ્ટન્સ?

ટોક્સિક વ્યસ્તતા વ્યક્તિને એક મશીન બનાવે છે. અતિ વ્યસ્તતા એ મશીનના તમામ પૂરજાઓને અલગ પડે છે. તૂટી જવાય. એવું લાગે કે મેં આ જવાબદારી ઊઠાવી છે તે ભારરૂપ તો નથી બની રહી ને? વળી, રોજ સવારે ઊઠીને એક આશ્વાસન સાથે મચી પડાય.

શું એ આશ્વાસન એક દિવસ પૂરતું પણ ટકે છે? ક્યાંક તો સ્પેસ હોવી જોઈએ ને! જ્યાંથી પરદો ઊઠાવીને તમે નિરાંતનો શ્વાસ લઈ શકો? મનની સ્થિતિ ક્યાંક વિચારોના થડકારા નથી આપવા માંડી ને? પ્રશ્નો અનેક છે જે પીછો નથી છોડતા અને આંખો છે જે મૃગજળ જોઈને પાણીની તરસમાં દોડ્યા કરે છે. એક પછી એક અનંત શૉઝ છે. રંગમંચમાં ઓડિયન્સ તો પૂરી જ નહીં થાય પણ એક દિવસ આપણે સડીને ખતમ થઈ જઈશું. માત્ર બચશે એ ઓડિયન્સ અને સ્ટેજ. આપણી જેમ નવો કલાકાર આવશે, પરફોર્મ કરશે, તાળીઓ ગૂંજશે, અહમ સંતોષાશે, બે દિવસનો રોટલો મળશે અને સતત સંઘર્ષ ચાલતો રહેશે. ગડમથલ, ગૂંચવણ, શરમ… સતત અન્ડરપ્લે થતો અંદરનો માંહ્યલો. આ ગૂંચને ઉકેલવા માટે બધા હેનરી ડેવિડ થૉરો નથી હોતા કે વૉલ્ડનના કાંઠે બેસીને બધું જીવી જાણે.

તમે ન વિચાર્યું હોય તે જ થાય એ વાત તો હવે સ્વીકારાઈ ચૂકી છે. પણ જે વિચાર્યું હોય તે થવા માંડે તે અજુગતું લાગે. કારણ કે, વિચારમાં દોષભાવ હોય અને એ દોષભાવ ડ્રેગનની જેમ બચકાં ભરે. એન્ટોન ચૅખોવની વાર્તાઓની જેમ લક્ષ્યાંકોની નજીક જવાને બદલે તેનાથી દૂર જતું જવાય છે તેવું કેમ લાગે? જે તે વખતની માનસિક સ્થિતિ કે પછી વધુ પડતી મહત્વાકાંક્ષા?

જીવનમાં એથિકસ કેટલા જરૂરી છે અને તે જ્યારે નાશ થતા હોય ત્યારે પ્રતિકાર કેટલો જરૂરી છે? એ પ્રશ્ન હંમેશા નરોવા કુંજરોવાની જેમ પેચીદો જ બનતો જાય. જ્યારે તમે તમારા એથિકસ બહારની બાબતમાં કશું બોલી પણ ન શકો અને મનમાં જ ઘૂમરાયા કરો ત્યારે તેની અસર કેટલે અંશે દંશ આપે છે? કદાચ, એ સવાલનો જવાબ શેક્સપિયર પાસે પણ નહોતો એટલે જ હૈદર અને અશ્વત્થામા બંને ખપ્પરમાં દટાઈ ગયા. જેમણે સ્ટેન્ડ લીધું તેઓ મરતી વેળાએ પણ માત્ર સ્વમાન સિવાય બીજું કશું ન કમાયા. જેમણે સ્વીકારી લીધું તેઓ રોજ રોજ મનને મારીને નશ્વર બની જીવતા રહ્યા. ટોલસ્ટોય ખિત્રોવની બજારમાં ફરતાં ઠચરી જેવાં શરીરોની વાત કરે ત્યારે આજે પણ એ સ્થિતિ એટલી જ પ્રાસંગિક લાગે.

આ પ્રશ્નમાં મારે પસંદગી કરવાની હોય તો શાની કરું?

સ્વમાનની. કારણ કે, એ જ છે જે પ્રાણતત્ત્વ છે. એ જ જીવંત રાખે છે, રોજ ઉઠતાંવેંત તૂટીને કામ કરવાની પ્રેરણા આપે છે. જવાબદારીનો ભાર સોંપે છે. રેગિસ્તાનમાં મીઠી વીરડી શોધવા માટે મથી રહેલ સાથીદારોનો હોંસલો બુલંદ બનાવે છે. અંદરનો હનુમાન રોજ જાગે છે. જીતવાની આશામાં ચાલીસાના છેલ્લાં મણકા સુધી શરીર અને મનનો દાવ લગાવી દે છે. એવું નથી કે તેને ફેઈથ નથી! છે જ, પણ તે અર્જુન બની નથી શકતો અને કૃષ્ણની અપેક્ષા રાખે છે.

મૉઝેસ પણ લડ્યો હતો. ટેન કમાન્ડમેન્ટ્સ પર ખરો ઉતર્યો હતો. જીત્યો હતો. જિંદગી ખૂબ ટૂંકી છે અને નિર્ણયો રોજેરોજ લેવાના છે. તમે સિંહ જ છો, પણ ક્યાંક સર્કસની રીંગમાં તો નથી ઊભા ને? અનેક બંધનો સાથે પોતાને હાથી કહેવડાવવાને બદલે ઝાડ પર ચડતી-પડતી-રમતી કીડી હજાર ગણી વધુ આબાદ છે. કારણ કે, તેનો અવાજ બુલંદ છે.

સતત દ્વંદ્વને બદલે નિર્ણયની અસરકારકતા જીતાવે છે. ‘સબ ચંગા સી’ એ માત્ર કહેવા પૂરતું જ અસ્તિત્વ ધરાવે છે. ખરેખર, તેની કોઈ જ જીવંત પરિભાષા નથી રહી. એટલે, સૌથી પહેલાં તો પોતાનું સપનું વેચવું પડે છે. અમુક ખરીદદારો મળે અને તેને પણ એ સપનું પોતે જોયેલ જિંદગીને મળતું આવે છે તેવું લાગે ત્યારે એ યજ્ઞ બને. કાફલો તૈયાર થાય. લક્ષ્યાંક એક બને. અહીં સુધી પહોંચવા માટે એક લાઈફ સ્પાન નીકળી જાય, બલ્કે ખૂંપાવી દેવો પડે છે. આ તૈયારી હોય તો જ હોમમાં ઘીની જેમ બળી જવું. બાકી, જે જાતે બળતું નથી તે સડી જાય છે અને બળવા માટે પણ બીજાનો સહારો લેવો પડે છે.

કદાચ, એક સ્ટીવ જોબ્સ કૅન્સર છૂપાવે તો હું માનું છું કે છુપાવવું જ જોઈએ. દુનિયાને ફર્ક પડશે જ્યારે તે બળી જશે અને ઇતિહાસ બની જશે. ઇતિહાસમાં હંમેશા વાર્તા નહીં પણ તેનું પાત્ર અમરત્વને પામ્યું છે.

ખરું ઉંજણ એ કૅરૅક્ટરનું નિર્માણ છે, કે જેથી તે પોતાની લાર્જર ધેન લાઈફ સ્ટોરી બનાવી શકે.

related posts

Forever Irrfan Khan: इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं

Forever Irrfan Khan: इन आँखों की मस्ती के मस्ताने हजारों हैं

Envision

Envision