દુર્ગા….!

દુર્ગા….!

ગઈ કાલે રવિવારે, દક્ષિણ ગુજરાતના જંગલની સફરે નીકળી પડ્યો. એકદમ ઘેઘુર અને લીલોતરીમાંથી નીકળતા રોડ પર એકલા ડ્રાઈવ કરવાની મજા જ કંઇક અલગ છે. પણ મારે વાત તો કરવાની છે એ લાઈવ સ્ત્રીશક્તિ દુર્ગાની.

બપોર પછી ગાડીને સાઈડ પર મુકીને અંદરના ગામડાની મુલાકાતે ચાલતો-ચાલતો પહોચ્યો. ૨-૩ કિલોમીટર જેટલું ચાલી ગયો હોઈશ. એ સોનગઢ તાલુકાનું ગામ હતું. એકદમ હૃદયને નવપલ્લવિત કરે તેવી લીલોતરી અને હરિયાળીથી છવાયેલું ગામ. બસ, હું માણતો અને માનતો જતો હતો આ કુદરતને. અચાનક વાદળો ઘેરાયા અને વરસાદ ત્રાટકી પડ્યો. હવે, ગાડી તો દુર હતી…! જવું ક્યાં? પણ, ત્યાં જ એક સરસ મજાનું નળિયાવાળું ઘર દેખાયું. હું તે તરફ ગયો. વિચાર્યું કે, જરા ઉભો રહી જઈશ સાઈડ પર. પરંતુ હું એ ઘરના સુશોભનથી અભિભૂત થયો. વરસાદ પડે ત્યારે માટીની ખરેખર સુગંધ કેવી હોય? કોને કહેવાય? આનો જવાબ મળ્યો. ઘરની આગળ ફળિયામાં પાપડી, વાલોળ, દુધી, તુરીયા .. વગેરેના વેલાઓ હતા. દસ-પંદર પ્રકારના ફૂલો હતા. ગારનું લીંપણ કરેલું ઘર હતું. તેમાં અલગ-અલગ પ્રકારની હાથ વડે કરેલી સરસ મજાની ભાત હતી. એક કાકા બળદ લઈને પોતાના ઘરની આસપાસ શાકભાજી ઉગાડવા માટે તરુ છોપી રહ્યા હતા. એક કાકી ચોખાની ફોતરી કાઢી રહ્યા હતા. એમની દીકરી સિલાઈકામ કરી રહી હતી. હું જરા એ ઘર તરફ ગયો.

મને એ તરફ આવતો જોઇને એ કાકા બોલ્યા, ‘અરે દુર્ગા…! મહેમાન આવ્યા છે. જરા પાણી લઇ આવ અને રૂમાલ લઇ આવ. વરસાદના ભીંજાયા છે.’ ટોટલી અનએક્સ્પેકટેડ…!

એક કળશમાં એ દુર્ગા પાણી લઇ આવી. એમના મમ્મી ચોખાની ઢગલીને થોડી બાજુમાં મુકીને મારી પાસે આવ્યા અને નમસ્તે કર્યું. હું બધું મૌન ભાવથી જોઈ રહ્યો હતો અને અનુભવી રહ્યો હતો. દુર્ગાનું દેહસૌષ્ઠવ એ મેટ્રો સીટીની છીછરી છોકરીઓ પર ઊંડો પ્રહાર કરે તેવું હતું.

એ નળિયાના ધારે ટપકતી પાણીની બુંદના કર્ણપ્રિય અવાજો આવતા હતા અને વરસાદને લીધે લીલાછમ પરનો પરની કુંપળો અલગ આકારમાં જ નૃત્ય કરતી હતી. એ સંગીત સાથે વાર્તાલાપ શરુ થયો.
એ કાકા એ કહ્યું, ‘તમારું નામ શું? ક્યાંથી આવો છો? અહી એમ જ આવ્યા હતા કે?’
‘કંદર્પ. હું સુરતથી આવું છું અને અહી અનાયાસે કદાચ તમને મળવા જ આવ્યો હોઈશ.’ અને અમે બંને હસી પડ્યા.
એ કાકાએ કહ્યું, ‘હું વેલજીભાઈ. મારી પત્ની, ગિરા બહેન. આ છે મારી દીકરી..! દુર્ગા. તે અત્યારે એમ.ફિલ કરે છે. સાથે-સાથે વ્યારામાં સિલાઈકામ કરવા પણ જાય છે.’
મેં કહ્યું, ‘સરસ. તમે મને ઓળખતા નથી છતાં અત્યારે આપણે વર્ષોથી ઓળખતા હોઈએ તેવી વાતો કરીએ છીએ. મને જરા આશ્ચર્ય લાગે છે…!’

એ નળિયાના ઘર અને ગારની લીંપણમાં એવી મજબૂતાઈ હતી કે એ પવન સાથેના વરસાદમાં પણ સજ્જડતાથી તેનો સામનો કરી રહ્યા હતા. એની સામે, રામકો સિમેન્ટના પતરાઓને જમીનદોસ્ત થતા વાર નથી લાગતી. એ નળિયામાંથી એક પણ પાણીનું ટીપું ટપકતું નહોતું. જયારે, કોન્ક્રીટના જંગલોમાં લાખોના બાંધકામ પછીયે બહેનોને ઘરે ૨-૩ તપેલા પાણીના ટીપાઓ એકઠા કરવા મુકવા પડતા હોય છે.

વાત નીકળી દુર્ગાની. એ છોકરી આંખમાં આંખ પરોવીને શબ્દોને તોળીને બોલતી હતી. સ્પષ્ટ અને સચોટ જવાબો. દિવસે એમ.ફિલ કરે અને રાત્રિ સુધી સિલાઈકામ કરે. ઉપરાંત, તેના પપ્પાને ખેતીમાં પણ મદદ કરે. રસોઈ કરે એ પણ અફલાતૂન. ગામડામાં વહેલી રસોઈ બની જતી હોય છે. તેણે પાલખ-બટાટાની સબ્જી બનાવેલી હતી. કોમ્બિનેશન કંઇક અલગ હતું. એ સબ્જી જો સુરતની અવધ રેસ્ટોરન્ટના મેનુમાં આવે ને તો દિવસે ના ખવાય એટલી રાત્રે આ સબ્જી ખવાય, એટલી સ્વાદિષ્ટ.

મેં આજ સુધી કોઈ મેટ્રો સીટીમાં આટલી સુંદર દેખાતી છોકરી નથી જોઈ.
મેં એક પ્રશ્ન પૂછ્યો, ‘વરસાદ…આ વર્ષે બહુ સારો છે. છતાં, ચોખાને વધુ પાણી જોઈએ. તેટલો પડશે ખરો?’

હજુ પપ્પા જવાબ આપે એ પહેલા જ દુર્ગા બોલી, ‘ભગવાન પર સૌથી વધુ વિશ્વાસ એક ખેડૂતને હોય છે. જયારે પહેલું તરુ જમીનમાં છોપાય ત્યારે ખેડૂતના ચહેરા પરનો એ આનંદ કોઈ વર્ણવી ન શકે. એ મેં મારા પપ્પાના ચહેરા પર દર વર્ષે જોયો છે. એ પ્રેમમાં ક્યારેય વધ-ઘટ મેં નથી જોઈ. તેથી જ કદાચ અમે ભગવાનની સૌથી વધુ નજીક છીએ. ભલે કૂવામાં પાણી હોય કે ન હોય..! એટલે જ કદાચ સીટીના લોકોની કેમ બનાવટ અમને નથી આવડતી. એમની જેવા ઘરમાં રહેવું અમને પસંદ નથી. પ્રકૃતિના ખોળામાં રમવું અમને ગમે છે.’ અફલાતુન જવાબ. સતત ઘણા સમય સુધી સાંભળ્યા કર્યું. દરેક પ્રશ્નોના જવાબ મને કુદરતે આજે આપી દીધા હતા.

બસ, સ્ત્રી તરફ જોવાની એક માનની નજરમાં વધારો થયો. જેના શરીર પર પહેલી નજર પડી હતી એ નજર આપમેળે ગર્વથી ઉંચી ઉઠીને તેની બુદ્ધિ અને મન પર સ્થિર થઇ.

related posts

“લગ્નની લાગણી અને ચઢતો આફરો…”

“લગ્નની લાગણી અને ચઢતો આફરો…”

આત્મીય યુવા હવા

આત્મીય યુવા હવા