બારમું ધોરણ પૂરું થયું હતું. વર્ષ 2011. એઝ યુઝ્યુઅલ, મિડલ ક્લાસ ફૅમિલીમાં મનોરંજનના સાધન તરીકે ફિલિપ્સ રેડિયો, અમુક કેસેટ્સ અને કોર્નર સાચવીને બેઠેલ ટીવી – આ જ મુખ્ય હતાં. એ વખતે કોમ્પ્યુટરનું ઘરમાં હોવું થોડું વધુ પડતું હતું. પણ, એ વખતે કોમ્પ્યુટર લેવાની જીદ કરેલી અને ઘરમાં એક કોમ્પ્યુટર પણ આવેલું.
કોમ્પ્યુટરને એક કવર મળ્યું, રોજ તેની સ્ક્રીન સાફ થાય, CPU પર પોતું લાગે, કીબોર્ડ પર ઝાપટિયું લાગે. અચાનક જ ઘરમાં કોઈક નાનો બાબલો આવ્યો હોય તેમ સચવાય. કોમ્પ્યુટર ચાલુ કરતાં પણ આવડે નહીં. ટીવીને બદલે તેના પર ગીતો સાંભળવાની સાહ્યબી ભોગવવાની મજા આવે. કોમ્પ્યુટર ટેબલમાં જ નીચે મૂંગો બેસીને રેડિયો બધું ટગર ટગર જોયા કરે. ટીવીને તો હજુ ખાલી માથે જ કપડું હતું, હવે તો સ્ક્રીન પર પણ કપડું ચડી ગયું.
કોમ્પ્યુટરમાં સ્પીકર ચેકિંગ માટે શકીરાનું એક સોંગ એ ભાઈએ નાખેલું. એ વખતે પહેલીવાર કોઈક અંગ્રેજી ગીત સાંભળ્યું. ઇન્ટરનેટ હતું નહીં એટલે સ્કૂલમાં આઇપોડમાં ચોરી છૂપે ખૂબ ગીતો સાંભળતા. મારા જોડે સુમિત બેસતો. એ રોજ નવા નવા ગીતો લઈને આવે અને ચાઇનાના ઈયર ફૉન્સમાં લાઉડ ગીતો સાંભળતા.
એ વખતે શકીરાનું એક સુપર્બ સોંગ આવેલું. ફુટબોલ વર્લ્ડ કપ વખતનું. Waka waka. બીજું એક સોંગ હતું, વેવિંગ ફ્લેગ્સ. કોમ્પ્યુટરમાં એ ભાઈએ ચેકિંગ માટે અમુક આ સોંગ્સ નાખી દીધેલા. VLC મીડિયા પ્લેયરમાં 200% કરીને સાંભળીશ તો મજા આવશે તેવી ટિપ્સ આપેલી. હું તો ગાંડો થઈ ગયેલો. કદાચ આખો દિવસ લૂપમાં એ સાંભળેલું.
એક સુપર્બ લાઈન. જે આજ સુધી કરંટ આપે છે.
When I get older
I will be stronger
they’ll call me freedom
just like a wavin flag
when I get older…
સાથે સાથે એવું થયું કે બીજા બધા સોંગ્સમાં અમુક સોંગ્સ ગમવા લાગ્યા. કારણ કે, લિરિકસ ન સમજાય એ પ્રોબ્લેમને લીધે કોઈ ગીતો ગમતા નહીં બહુ. એ વખતે સૌથી વધુ મોજ કરી હતી એકોનના આલ્બમ્સ & એનરીકના આલ્બમમાં. તરત જ સમજાઈ જાય.
એનરીકનો Hero આલ્બમ હોય કે એકોનનો ફ્રીડમ કે કોન્વિકટ. રિપીટ મોડમાં સાંભળેલા. એ લોકો થોડા નિરાંતે ગાતા હોય તેવું લાગતા. એક વખત મને કોઈકે રેપરનું સોંગ સંભળાવ્યું, પિટબુલ. મેં કહ્યું, ભાઈ આને કબજિયાત છે કે શું? પણ, રેઇન ઓવર મી જ્યારે સાંભળ્યું ત્યારે એ રિપીટમાં વાગવા માંડ્યું.
અરે હજુ યાદ છે મેં સોંગ્સ.પીકે પરથી અઢળક આલ્બમ અને ગીતો ડાઉનલોડ કરેલા. 2 kbpsથી લઈને મેક્સિમમ 15 kbps સ્પીડ આવે. કોમ્પ્યુટરમાં CPUમાં સાદા મોબાઈલ ભરાવીને રાખવાના. એક-એક આલ્બમ ડાઉનલોડ થતાં આખો દિવસ કે દોઢ દિવસ નીકળી જતો. Mp4 movies કે 3gp movies ડાઉનલોડ કરવામાં તો UC બ્રાઉઝર માસ્ટર હતું. Opera ફેસબુકની નોટિફિકેશન જોવામાં વારેઘડીએ ઓપન થયા કરે. એમાં પણ ડેટા સેવર વર્ઝન આવ્યું અને વધીને 10 kbમાં તો પેજ ખૂલી જ જાય. પણ, એ બધી ઘટનાઓમાં જે વાર લાગે એ ખરેખર તાલાવેલી જન્માવતી હતી. જલ્દી હાથવગું નહોતું એ પહેલાં મગજમાં કેટલાંયે ખ્યાલી પુલાવ સળગીને ભડકો થઈ જતા. અંગ્રેજી ગીતો એ દરેકમાં સૌથી વધુ પેશન્સ ચેક કરાવતા. એ સાંભળવાની ઈચ્છા ખૂબ હોય એટલે જ્યાં સુધી ડાઉનલોડ ના થાય ત્યાં સુધી મગજના પરપોટા બને અને ફૂટે.
એકોનના સોંગમાં એક વાર રહેમાનને જોઈ લીધો પછી બધાને પૂછું, ‘એકોનના એક ગીતમાં રહેમાન આવે છે બોલ! જોયો? બતાવું બોલ…’ ‘અરે શું ફાંકા મારે?’.. અબે તને બતાવું. મઢૂલીના વડાપાવ થઈ જાય?
ટૂંકમાં જે લાંબી લાંબી લાઈનો ગાય એ સાંભળવાની મજા આવે. કારણ કે એ લોકો ગીત યાદ રખાવી જાય. એ પછી હિમેશ હોય કે એકોન. બંનેની ખાસિયત એ કે, સાંભળવું ગમે અને ગાવું સાવ સરળ હોય. એકનો એક શબ્દ પાંચ-સાત વખત લાઈન પૂરી થાય એટલે આવે. એ યાદ રહે અને ગાવું ગમ્યા કરે.
આ નાદાની આજે પણ છે. હું આજે પણ એ ધ્યાનથી સાંભળેલા અંગ્રેજી ગીતોમાં શરત લગાવી દઉં છું. માઈકલ જેકસનનું બહુ સાંભળ્યું. પણ ખબર નહીં, મને તો ક્યારેય સમજાયું જ નહીં. પછી એક વખત મારા દોસ્તે મને ‘ધે ડોન્ટ કેર એબાઉટ અસ’ સંભળાવ્યું. એ પછી એ રિપીટ મોડમાં શરૂ થઈ ગયું.
રેપર્સ તો કદી ફાવ્યા જ નહીં, કશું સમજાય જ નહીં. પછી હની સિંહને પરાણે લોકોએ યાદ અપાવ્યો. પણ હજુ એકેય નથી ગમતો. પણ, આ અંગ્રેજી ગીતોની મારી શરૂઆત કઈંક આવી થયેલ. તમે સૌથી પહેલું સાંભળેલ અંગ્રેજી ગીત યાદ આવે છે જે આજે પણ એટલું જ ગમતું હોય?