સાડી ચૌદ વર્ષ: એક હૂર પરી અને તેનો સિંદબાદ!

સાડી ચૌદ વર્ષ: એક હૂર પરી અને તેનો સિંદબાદ!

ભૂતકાળને ય આંખો ’ને પાંખો હોતી હશે ને! તે ઊંડી ’ને ઊડતી રહેતી જ હશે. વિન્ટૅજ, જરાક ઘસાયેલી, ને અમુક તેજતર્રાર.

સાડી ચૌદ વર્ષને સહેજ કૂંપળ ફૂટી હોય અને બધું રંગીન દેખાવાની નજરો ઊઘડી હોય. અચાનક બધું ગમવા માંડે. એકતરફીથી થોડું આગળ અને મ્યુચ્યુઅલથી થોડું છેટું. આવી પરિસ્થિતિ રોજેરોજ ઉદ્ભવતી હોય.


એક હૂર પરી હોય અને બીજો સિંદબાદ. સિંદબાદના વહાણ પર રાતના અંધારામાં રોજ એ ઊડીને આવે અને તૂતક પર બેસે. સિંદબાદ જોયા કરે અને પરી આંખચાળો કરીને ભાગી છૂટે. કોઈ ને કોઈ દિલમાં ધડકનો તો હંમેશા ધબકતી જ રહેતી હોય, આંખ કોઈને જોવા ચકળવકળ રહેતી હોય અને રોજ કોઈના માટે સ્હેજ વધુ … તૈયાર થઈને આવવાની તલપ રહેતી હોય.

સ્કૂલનું ગ્રાઉન્ડ, પ્રાર્થનાખંડ, સ્વામી વિવેકાનંદ હોલ, ઑડિયો-વિઝ્યુઅલનો વર્ગ, સંગીતનો ક્લાસ, શા.કે.નો પિરિયડ, શહેરનું જાણીતું ઑડિટૉરિયમ, નાટકનું મંચ, પ્રવાસની બસ, અંતાક્ષરી અને આવું ઘણું બધું કે જેમાં સાથીદારોનું ટોળું હોય. આ ટોળામાં બે માથાની વચ્ચેની ફાંટમાંથી બીજાં ટોળા સુધી જોવાનો સતત પ્રયત્ત્ન કરવો, ચહેરો ન દેખાય ત્યાં સુધી મથવું અને દેખાયાં પછી ફ્રૅકશન ઑફ સૅકન્ડમાં જ નજર હટાવી લેવી અને એકલું-એકલું હસવું. વૉટ ઍ પ્રૅશિયસ મૉમૅન્ટ. શરમ અને પાંપણને પાડોશી જેવો સંબંધ. એ સૅકન્ડે જો હાર્ટબીટ્સ માપવામાં આવે તો તે લગભગ ઉકળતાં પાણીમાં ફૂટતાં વરાળના પરપોટા જેટલી ઝડપે ધબકતી હોય તેવું લાગે.

આવે વખતે શરીર બહુ કાબુમાં ન રહે અને તેનો શુમાર જાણે તાઉમ્ર રહેવાનો હોય તેવી લાગણીઓ જન્મે. ખબર નહીં કેમ, પણ બાજુમાંથી પસાર થાય ત્યારે એક અલગ જ, એકસરખી, ખુશબો, કોઈ એક ને જ કેમ આવતી હશે? દિલના છેલ્લે તાંતણે દસ્તક આપતી આ કૅફિનયુક્ત સુગંધનું કંઈક તો અસ્તિત્વ હશે ને? ઉંમરનો એ મધ્યાહ્ન, જેટલો વધુ તપે એટલો જ વધુ ઠરે. એ નશાની પણ કોઈ સીમા નહીં હોય?

સ્હેજ આછી લિપસ્ટિક, ક્યારેક લાઈનર, કાનની બૂટમાં નાની શી ઝૂમખી, ખભે રહેતું પર્સ, હાથમાં ફરતી સ્કૂટીની ચાવી, ચાવીના કી-ચૅઈનમાં ગૂંથેલ મોતીઓ, જાતે ભરેલ સાઈડ બૅગ, ચોપડીના પહેલે પાને લખેલ પોતાના નામનો પહેલો મોટો અક્ષર, નોટબુકના છેલ્લે પાને લખીને ભૂંસેલું એક નામ, નામની બાજુમાં બેધ્યાનપણે દોરેલી મહેંદી, રોજ બદલાતું રહેતું પતંગિયા આકારનું બકલ, તેના પરનું બ્રૉચ, કલરફૂલ ક્લિપ અને યલો ટૉપ.

આ દરેક દુનિયામાં હતું જ, પણ જે-તે સમયે તે અનુભવાય, સમજાય, આકર્ષણ ઊભું થાય અને ખુદના અસ્તિત્વની પ્રતીતિ માટે પણ તે આવશ્યક બને.

तेरे हुस्न का हुक्का बुझ गया है
एक हम है कि गुडगुडाए जाते है|
(हिंदी पक्तियां: काशी का अस्सी – काशीनाथ सिंह)

related posts

જસ્ટ મૂવ ઓન…!

જસ્ટ મૂવ ઓન…!

પરિભાષા : વર્ષો પહેલાનો એક ‘રવિવાર’

પરિભાષા : વર્ષો પહેલાનો એક ‘રવિવાર’