લેટર ટુ યુ, બડી!

લેટર ટુ યુ, બડી!

અરે સાંભળ દોસ્ત,

મેટ્રિક અને સાયન્સમાં પાસ થયો કે ફેઈલ. છતાં, તને પણ ખબર પડી નથી રહી કે આ શું થઈ રહ્યું છે? ‘હવે આગળ શું?’ના જવાબો આજુબાજુમાંથી ખૂબ મળી રહ્યા હશે.

પણ ખૈર, છોડ એ બધું. હું તને સમયની સફરે લઈ જાઉં.

થોડા દિવસોમાં અલગ-અલગ યુનિવર્સિટીના વાહિયાત કટ ઓફ લિસ્ટ બહાર પડશે. ફરી એ જ લોચો, એસ.સી/એસ.ટી અને જનરલ વચ્ચે વર્ગવિગ્રહ. ઊધઈને લીધે એજ્યુકેશનલ બિલ્ડિંગોમાં એમ પણ લૂણો લાગેલો જ છે. NRI/ડોનેશન અને શિષ્યવૃત્તિની વચ્ચે એ વ્યક્તિ પીસાય છે જેને ઘરેથી આર્થિક સગવડતાઓ સરળતાથી ઉપલબ્ધ નથી. આ ઘરનો પાસ થયેલ સંતાન એટલે તું.

તારા કુટુંબની આશાઓ પૂરી કરવા તું કૉલેજમાં એડમિશન લઈશ. હજુ તને ખ્યાલ નથી કે મારે શું કરવું છે? ખૈર, આ પ્રશ્ન જ સડેલો છે. આવા બધા પ્રશ્નો પર જ જીવન જીવાતું હોત તો પછી આ દુનિયામાં ક્યાં કોઈની જરૂર હતી? તને અનેક લોકો સમજાવશે. પણ તું તારા હૃદયની સાંભળજે. આજુબાજુ બહુ શોરબકોર હશે. એન્જિનિયર/ડૉક્ટર અને વિગેરે વિગેરેની લારીઓ લઈને મિત્રો અને કુટુંબીજનો ઉભા હશે. પરંતુ એક વાત યાદ રાખજે કે, પસંદગી એ તારા હાથમાં છે. બાકી બધું બકવાસ છે.

છેલ્લે લોકો મનાવવાની બહુ ટ્રાય કરશે. દુનિયા એમણે વધુ જોયેલી છે એટલે તારી દુનિયામાં આભાસી સ્વપ્નાઓ જગાવવાનો પ્રયત્ત્ન પણ થશે. તેમના એક-બે કોડીના સપનાઓ માટે તું બહુ બોલતો નહીં, તેઓ જે કહે તે કોચિંગ ક્લાસ જોઈન કરી લેજે. ભગવાનની સામે એટલી વખત ઝુકાવશે કે જાણે તને એવું જ લાગશે કે ‘કોઈ તો સુપરપાવર છે’, પણ જાણજે કે તે ‘સુપરસ્ટિશિયસ’ લોકો છે.

બધું જ તેઓ કહે તેમ કરજે. કૉલેજમાં જઈને ભણજે. તેમાં વળી વચ્ચે સેક્સ કે લવ-શવ થઈ જાય તો કરતો નહીં. તારા માટે છોકરો કે છોકરી એ લોકો જ શોધી આપશે અને એવું ઠસાવવામાં પણ આવશે કે તેઓ જે શોધે એ જ પરફેક્ટ હોય.

નોકરી મળશે. ત્યાં બોસને ગમે તેમ ઇન્ક્રીમેન્ટ માટે કામ કરજે. બુડથલની જેમ બધું સાંભળ્યા કરજે. થોડાંક વર્ષોમાં બે-ત્રણ નોકરીઓ સ્વિચ કરજે અને પછી એક 2BHKનું ઘર બુક કરાવી લેજે જેના હપ્તા ૨૦ વર્ષ ચાલ્યા કરે. મમ્મી પપ્પા બની જજે અને એ જ સાયકલ રિપીટ કરજે. તારા પપ્પાએ પણ જીવનમાં ઘર લીધું હતું, દાદાએ પણ લીધું હતું… હવે તું પણ એના માટે જ આખું જીવન કાઢજે.

નહીં, હું મજાક નથી કરી રહ્યો. ભૂલમાં પણ આ ચિઠ્ઠી વાંચતો નહીં. નહીંતર તને આવનારી જિંદગીથી ધૃણા થશે. તું ડરી જઈશ. અત્યારે જે તારી ઉંમર છે ત્યાંથી દુનિયા એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ દેખાય છે. એ તારા માટે સતત વીસ વર્ષ સુધી ઘડાયેલ તખ્તો છે. બહુ સાચવ્યો છે લોકોએ તને એટલે સીધો જ ખીણમાં ઘક્કો મારશે ત્યારે સાચો અહેસાસ થશે.

તું દુનિયાના દરેક લોકો માટે યુનિવર્સિટીની માત્ર એક સીટથી વધુ કશું જ નથી. કારણ કે, સ્ટોરી ત્યાંથી જ શરુ થશે.

અચ્છા, સાંભળ. હજુ સમય છે. કશું જ ખબર ન પડતી હોય તો એક બ્રેક લઈ લે. ફર્ધર સ્ટડીઝ, ઇંગ્લિશ કોચિંગ, ફોરેનમાં જવાના સપનાઓ પૂરા કરવા માટેની તૈયારીઓ, એવું કશું જ નહીં. બસ, તારા માટે સમય કાઢ. એક વર્ષ! છેલ્લાં ચૌદ વર્ષોથી તું સતત વ્યસ્ત હતો. જે વિચારવાનો સમય તને આજ સુધી નથી મળ્યો એ સમય શોધી કાઢ. થોડું ફરી લે, થોડુક જાણી લે. ક્યાંક આજુબાજુ નજર ફેરવતો જા. જવાબ મળી જશે.

બહુ વિચારતો નહીં. કોઈ આગળ નહીં નીકળી જાય કે તું પાછળ નહીં રહી જાય. રોજેરોજનું હોમવર્ક કરવાની ટેવ જે પડી ગઈ છે તેને મગજમાંથી કાઢી નાખજે. દુનિયા એ બધા ડેઈલી રુટિન્સ પર આધારિત નથી. ચોપડી પર હાથ આડો રાખીને ગોખણપટ્ટી કરવામાં બહુ વર્ષો કાઢ્યા. હવે કંઈક વિચાર. તને પણ કશુંક ગમતું હશે, ઇન્ડિવિડ્યુઅલ ચોઈસ હશે, મનમાં ક્યાંક પહોંચવાના ધખારા હશે. બસ, જરા તેને ઓક્સિજન આપી દે. ક્યાંક જૂઠી લાગણીઓ વચ્ચે એ હોલવાઈ ન જાય. અજ્ઞાતવાસ જીવનના ઉકેલો આપે છે. આ કુદરત સામે નજર તો કર, આત્મવિશ્વાસ અને સાચા રસ્તાઓ દેખાડશે.

તારા સપનાઓની તાકાત ભલે પાવલીની હોય, છતાં પણ હું ઈચ્છું છું કે તે સપનું કોળી ઉઠે, ખીલી ઉઠે અને સુવાસ ફેલાવે.

કદાચ, આ સમય જીવનના મેટ્રિક્સને સોલ્વ કરતાં શીખવાડી દે!

દરેક 10-12 ધોરણમાં પાસ થઈને આગળ વધેલ તમામ માટે! તમે આ ચેઇનમાં ક્યાં પહોંચ્યા, એ વાંચીને નક્કી કરજો. આ બિલકુલ સત્ય છે અને કડવું છે. ઘોળીને આજે જ પી જજો. બાકી, સંઘર્ષ કરવા માટે છેલ્લા શ્વાસ સુધી તૈયાર રહેજો.

related posts

ક્યારેય કશું છૂટતું નથી ! બધું મળી જ જતું હોય છે.

ક્યારેય કશું છૂટતું નથી ! બધું મળી જ જતું હોય છે.

‘કોમ્પિટિટીવ એકઝામ્સ’નો વિરોધ કરતું બટેટું

‘કોમ્પિટિટીવ એકઝામ્સ’નો વિરોધ કરતું બટેટું