હું મુસ્લિમ હોઉં તો મારા છોકરાં લોકલ સ્કૂલમાં જ ભણે એવું થોડું હોય?

હું મુસ્લિમ હોઉં તો મારા છોકરાં લોકલ સ્કૂલમાં જ ભણે એવું થોડું હોય?

‘Home Minister’ લખાઈને ચાલુ કૅબમાં કૉલ આવ્યો.
સૉરી સર. એક જ મિનિટ! મારી વાઈફનો કૉલ છે.
વાત કર્યા પછી,
‘સર, એક જ મિનિટ. મારે સેલરી આવી કે નહીં એ ATMમાં જઈને જોવું પડશે. હું જતો આવું?’


લગભગ દસેક મિનિટ થઈ ગઈ. મારે ત્રણ વાગ્યાની બસ હતી. ઑફિસથી પણ એકદમ કટોકટ સમયે નીકળ્યો હતો, એટલે સમય નહોતો. હું ATM સુધી ગયો અને પૂછ્યું, ‘ભાઈ, કામ પત્યું કે? મારે જરા મોડું થાય છે.’

એમણે હસીને સુંદર જવાબ આપ્યો અને મારો ગુસ્સો પણ શાંત થઈ ગયો.

“સ્કૂલમાંથી સેલરી જમા થઈ ગઈ છે. વાંધો નહીં હવે.”
મેં કહ્યું, “તમે શિક્ષક છો કે? અને પાર્ટ ટાઈમ કેબ ચલાવો છો?”

તો કહે, “અરે ના. મારા વાઈફ શિક્ષક છે અને હું ટોરેન્ટ પાવરમાં જોબ કરું છું. પાર્ટ ટાઈમ કેબ ચલાવું છું.” પણ આગળ તેમણે જે વાત કરી તે ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી.

**
તેમની વાત તેમનાં જ શબ્દોમાં,

“મારાં લવ મૅરેજ થયા હતા. હું મુસ્લિમ અને મારી વાઈફ ક્રિશ્ચન. જ્યારે છોકરાઓનું એડમિશન લેવાનું થયું ત્યારે ક્રિશ્ચન સ્કૂલમાં આ લોકો એડમિશન જ ન આપે. એ વખતે મેં બિશપને કહ્યું કે હું મુંબઈથી ઓળખાણ લાવીશ, પણ એડમિશન તો સારી સ્કૂલમાં જ કરાવીશ. હું મુસ્લિમ હોઉં તેના લીધે મારા છોકરાઓ લોકલ સ્કૂલમાં થોડા ભણે?”

ઇન્ટરેસ્ટિંગ. મેં પૂછ્યું, તમારું નામ શું?
“સલીમ શૈખ.”

“મારી દીકરી અત્યારે બેંગ્લોર લૉ કૉલેજમાં છે. તેણે મને કહ્યું છે કે, મારી પાછળ ગન મેન હશે. એક કાર હશે અને તમને મોભા સાથે બધે ફેરવીશ. અને મારો દીકરો IIT ગાંધીનગરમાં છે. કમ્પ્યૂટર ડિપાર્ટમેન્ટમાં ભણે છે.”

“એવું નથી કે આપણે આપણા છોકરાઓ માટે જ મહેનત કરીએ. જ્યાં જેટલું પહોંચાય અને જેટલું થાય તેટલું કરવાનું. જેમ ઘરમાં એક વ્યક્તિનું વધારે જ જમવાનું તૈયાર થાય તેમ લાઈફમાં પણ એટલિસ્ટ એકાદ વ્યક્તિનું વધારે જ કમાઈ લેવાનું.”

તેમણે એક દિવસ રામદેવ નગરના ટેકરા પાસે એક ગરીબ છોકરો જોયો અને તેને ભણવા માટે પુસ્તકો લઈ આપ્યા. તેની પત્ની એ છોકરાને ભણાવે પણ ખરાં અને અદાણીની સ્કૂલમાં તેના એડમિશન માટે પોતે ધક્કા ખાય. આ જ તો હ્યુમાનિટી છે. જે વ્યક્તિ પોતે જ બે છેડા ભેગા કરવા આટલી મહેનત કરતો હોય, છતાં જો અન્ય વ્યક્તિનું વિચારી શકે તો તે વખતે આપણી જવાબદારી વધી જાય છે.

વાતવાતમાં તેમણે કહ્યું, કે પોતે બાવન વર્ષના છે અને ફૂટબોલ પ્લેયર છે. ટોરેન્ટમાં સ્પોર્ટ્સ ક્વોટામાં તેઓ જોડાયા. રોજ સવારે પોતાના પેશન માટે મહેનત કરે, પ્રેક્ટિસ કરે અને બાકીનો દિવસ છોકરાઓ અને ફૅમિલી માટે ડબલ ડયૂટી પણ કરે. સાથે સાથે પુસ્તક પણ વાંચી લે. ઘણીવાર આમને જોઈને આપણને આગળ વધવા માટેનું બળ મળી જતું હોય છે.

દુનિયામાં લોકો પોતાની લાઈફમાં કેટલાં ઊંડા ઊતરી જાય છે. સંબંધોમાં વણાઈ જાય છે. બાપ એ પરિવારનો રક્ષક હોય છે. એ શારીરિક, આર્થિક, વ્યવહારિક રીતે ગમે તેટલો નબળો હોય પણ પોતાના પરિવારને ગુફામાં સાચવીને બહાર તો સિંહ જેમ જ ઊભો હોય.

થેન્ક યુ, સલીમભાઈ. આજુબાજુ અનેક સલીમ શૈખ છે અને અનુકરણીય છે.

~ Kandarp

cabstories #uberindia

related posts

દુર્ગા….!

દુર્ગા….!

પરિભાષા : વર્ષો પહેલાનો એક ‘રવિવાર’

પરિભાષા : વર્ષો પહેલાનો એક ‘રવિવાર’