દિવસના અંતે કદી જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે?

દિવસના અંતે કદી જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે?

અમેરિકામાં સિવિલ વૉર ચાલી રહ્યું હતું. હજુ એ ક્યારે પૂરું થશે એ દેખાઈ રહ્યું નહોતું. અબ્રાહમ લિંકન એ વખતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ. બીજી તરફ ઇલેક્શન આવી રહ્યા હતા.

વર્ષ 1864.

એક દિવસ એક પત્રકારે પૂછ્યું, “કામ કરીને તમે તમારી જાતને ઘસી રહ્યા છો.” લિંકને કહ્યું, “હું કામ ઓછું કરી શકું તેમ નથી. અને કામ મને તકલીફ નથી આપતું. આ યુદ્ધ પછી હું જીવતો રહેવાનો નથી, કારણ કે તે શમશે એટલે મારું કામ પૂરું થશે. બીજું કે આ મહાન દેશ માટે એક, બે કે ત્રણ દિવસ માટે આરામ કરવાથી કોઈ ચિંતા દૂર નથી થવાની. આ મિથ્યાભિમાન કે મહત્વાકાંક્ષા છે એવું નથી કહેતો – પણ એ ક્ષતિઓમાંથી હું પણ બાકાત નથી.”


આ જ પરિસ્થિતિ એક બિઝનેસ ઊભો કરતી વેળા હોય છે. બધું જ છોડીને મન, કર્મ અને વચનથી તેના સાથે રાહબર બની જાઓ છો. એ વખતે લાલસા છાતીએ અથડાઈને ભસ્મ થઈ જતી હોય છે. આવા વખતે બિઝનેસ એ ધર્મ બની જતો હોય છે. મોસ્ટ હોલિસ્ટિક એપ્રોચ સાથેનો સેક્રેડ થ્રેડ. આ કામ તમારા માટે ખૂબ પવિત્ર હોય છે.

તમે તેના પ્રત્યે ઉપલક્ષ ન સેવી શકો. ખોટું થતું જોઈ ન શકો. જવાબદારીથી ભાગી ન શકો. જે હાલ છે તે હાલમાં લડવું પડે. યુદ્ધમાં જ્યાં સુધી સેનાપતિની તલવાર લડતાં લડતાં થાકી જાય તો મ્યાનને પણ લડવું પડે. જ્યાં સુધી લીડરનું એક તત્ત્વ પણ જીવંત છે, યુદ્ધ ચાલુ રહે છે. રસ્તે આડે આવતા પથ્થરોને કાપીને માંડ ધૂંધળી કેડી બનાવી હોય છતાં એ કેડી ખૂબ વહાલી હોય. એ આનંદ સૌથી વધુ પહેલો પથ્થર કાપનારને હોય. જે બિલકુલ નિઃસ્વાર્થ હોય.


ઓ હેનરીની વાર્તાઓની જેમ અણધાર્યો વળાંક દેખાય ત્યારે જન્મતો રોમાંચ જે દિશા તરફ સૌથી પહેલા દોડાવે એ જીવનનું લક્ષ્ય. જ્યારે અસંતોષ ઊભો થાય ત્યારે ઓ હેનરીની વાર્તા “ગિફ્ટ ઑફ ક્રિસ્મસ”નો ક્લાઈમેક્સ વાંચવો.

બે પ્રેમી એકબીજાને પ્રેમ સાબિત કરવા માટે શું કરે? જિમ માટે ઘડિયાળ લેવા માટે દેલા પોતાના વાળ કપાવી નાખે છે અને જિમ દેલાના વાળને સરખા રાખવા માટે દેલાની એ જ ઘડિયાળ વેચીને કાંસકો લઈ આવે છે. અંતે, શું મળ્યું? કશું જ નહીં. ક્રિસમસની ગિફ્ટમાં માત્ર સાબિતી મળી.

વ્યર્થ સમજૂતીઓ, દલીલો, તથ્યો, તર્ક-વિતર્કો, બટકણી સમજ અને તુચ્છ આક્ષેપો મન વ્યથિત કરવા સિવાય બીજું કશું નથી આપતા. તે કાદવ છે, જેમાં માણસ ઊંડો જ જાય. સો સારી વાતમાં એક અવગુણ જોઈને અહર્નિશ કુવિચાર માનસિક ક્ષુદ્રતા બક્ષે છે.

આથી, જ્યાં સુધી એક્સ્ટર્નલ એક્સેપ્ટન્સ નહીં આવે ત્યાં સુધી મનની વિચાર પ્રણાલીઓ સતત જન્મતી રહેશે. જે તમને આગળ નહીં લઈ જઈ શકે, પરંતુ દિવસરાત પાછળ ધકેલશે. પ્રામાણિકતાની મશાલ જ અજવાસ કરે, તે જ આગિયાનો પ્રકાશ રેલવે, એ જ ધૂંધળા માર્ગનો સાથી બને.

દિવસના અંતે કદી પૂછ્યું છે કે, “આજે હું મારી કંપની/જાત/કામ/જવાબદારી પ્રત્યે કેટલો પ્રામાણિક રહ્યો?”

related posts

દુનિયાનો દરેક પ્લેટોનિક હ્યુમન પોતે જ એલેક્ઝાન્ડર છે, એ જીતશે!

દુનિયાનો દરેક પ્લેટોનિક હ્યુમન પોતે જ એલેક્ઝાન્ડર છે, એ જીતશે!

જીતવું છે, હારીને પણ જીતવું જ છે!

જીતવું છે, હારીને પણ જીતવું જ છે!