થેન્ક્સ, મમ્મી!

થેન્ક્સ, મમ્મી!

મને અક્ષરપોથી હજુ યાદ છે. કે.જી.માં હાથ ફ્રેક્ચર કરીને બેઠો હતો. લગભગ પાંચેક વર્ષનો હોઈશ તેવું યાદ આવે છે. બ્રિટાનિયાના લિટલ હાર્ટ્સ ખૂબ ભાવે. થોડુંક મોંઘુ પણ હતું બીજા બિસ્કિટ્સની સરખામણીમાં. એટલે હું ગણી ગણીને ખાઉં. સવારે ત્રણ-ચાર, બપોરે ત્રણ-ચાર.. એવી રીતે પેકેટ પૂરું કરવાનું. સાથે સાથે અક્ષરપોથી વાંચવાની. શબ્દો લખતાં વાંચતા શીખવાનું.

કાના-માત્રા વિનાના શબ્દો વાંચતા કડકડાટ શીખી ગયો. ઉપરથી પાંચ વર્ષે કર કરાવેલા એટલે માથું પણ સફાચટ હતું. હું અજીબ પ્રકારનું બાળક લાગતો. એ પછી એકવાર ટ્યુશનમાં જવાનું મેં શરૂ કરેલું. જાતે જ! ત્યાં એકવાર મને છ વખત બારાક્ષરી લખવાનું હોમવર્ક આપ્યું. એક દિવસમાં કરીને આપવાનું! મને થયું, આ તો યાર આવડે છે. એકનું એક ઘૂંટવાનું હોય ત્યાં થોડું ભણવા જવાય? આ પહેલો વિદ્રોહ. ટ્યુશન જાતે જ શરૂ કર્યું અને જાતે જ બંધ.

બીજે દિવસે ટયૂશનને બદલે બંદો રસ્તે કોઈક ગલ્લે ઊભો રહે અને મૅચ જોઈ નાંખે. ત્યાં પાનના ગલ્લે રબર અને માચિસના બૉક્સ વિણવાનો કીમિયો સૂઝયો. મસાલા ખાતા લોકો રબરની રિંગ નીચે ફેંકે એ લઈ લેવાની. ડેરીમાંથી તૂટેલી દૂધની થેલીઓ લાવવાની. વચ્ચે કોઈકના ઘરે દોરા-ધાગાનું કામ ચાલતું હોય ત્યાંથી લીરા લઈ આવવાના. લીરાની ઉપર દૂધની થેલીઓ અને ઉપર રીંગો વીંટીને ગાભાનો દડો બનાવી કિંગ રમવાનું.

ઉનાળામાં ગરિયો લઈને નીકળી પડવાનું. કોઈકના ઘરની દીવાલે તેના ટોપને ઘસી ઘસીને મૂંડો કરી દેવાનો. હાથ જાળીઓ લઈને ઘોયા મારીને એકનો ગરિયો તો તોડવાનો જ. લખોટીઓ લઈને સમો રમીએ એટલે રોજ લગભગ બે-ત્રણ રૂપિયા કમાવાના મળે. શેરીના છોકરાઓની લખોટીઓ પૂરી થઈ જાય અને તેના માટે આઠ આનો કે રૂપિયાનું દેવું થઈ જાય ત્યાં સુધી તેને હરાવવાના. છેલ્લે રૂપિયાની ચોવીસ લખોટી કાં તો રામજાનેનો બરફનો ગોળો નક્કી હોય.

ક્યારેક મીઠી સોપારી ખાઈ લઉં. રોચક, આમપાચક, રસીલી, મઝા, દિલ્લગી – ખિસ્સાની શાન હતા. એક દિવસ પેન્ટમાંથી મઝા મળી અને ધમધોકાર વરસાદ થયો ધોકાથી. પણ એ રેગ્યુલર હતું. મંદિરમાં ભગવાનના ફોટાની પાછળ છુપાવેલ પર્સમાંથી રૂપિયો-બે રૂપિયા સરખાવીને ચોરી કરી લેવાની. રિફિલ લેવાના અને પેન્સિલના પૈસા માંગતી વખતે પ્લાનિંગ કરતો કે વધુ પૈસા કેમ માંગી શકાય? એટલે રબર તોડી નાખું અને સંચો ખોઈ નાંખું. ત્રીજે દિવસે ફૂટપટ્ટીના કટકા થઈ ગયા હોય. સેલો ગ્રિપરની રિફિલ મોંઘી આવતી. તેનાથી મોંઘી પિન પોઇન્ટ.

વૈશાલીના મસાલા પાંવ ખાવાનું મન થાય એટલે પૈસાદાર મિત્રને અગાઉથી પાર્ટી પાર્ટી… કરવાનું. એટલે સમોસા અને પફ એક્સ્ટ્રા મળે. ક્લાસમાં ઑપી-બેઠી રખાવી હોય અને કોઈકે ડેબો ભાંગી નાખ્યો હોય ત્યારે પણ ઘરે તો મોઢું હસતું રાખીને જ આવવાનું. શૂઝમાંથી અંગૂઠો સહેજ બહાર આવે એટલે નવું લેવાના વિચારે તેને વધારે ફાડી નાખું. પણ એનેય રફૂ થઈ જાય. સેન્ડલ ન ગમે એટલે પટ્ટીઓ તોડીને ચપ્પલ બનાવું, ચપ્પલની દટ્ટી કાઢીને તોડી નાખું, તો પણ એ સિવાય જાય અને નવું ન આવે.

સ્કૂલમાં ઝઘડો થયો હોય અને શર્ટના બટન તોડી નાખ્યા હોય તો દરજી પાસે ઊભા રહીને નવા નંખાવ્યા પછી જ ઘરે ગયાના દાખલા છે. ખૈર, આ બધું ખૂબ શીખાયું છે. ગમે તે થાય, મમ્મી પાસે ખોટું જ બોલવાનું બાકી ધોકાવે. એટલે છટકી જવાનું.

રોજ તોફાન કરવાના, માર ખાવાનો, વળી સાંજે મને ભાવતું ખાવાનું બનાવીને મને રોજ મમ્મી મનાવી લે. જાણે બધીયે ઋતુ એક જ દિવસમાં ઉજવાતી. નાનપણમાં આપેલા એ બધા જ ઇન્જેક્શન ગજબ અસર કરી રહ્યા છે. જે આપણે ચલાવી લેતા હતાં એ જ અત્યારે આગળ વધવામાં કામ લાગી રહ્યું છે. તે વખતે કરેલી મનમાનીઓ આજે સ્ટીરિયોટાઇપ્સને તોડીને બહાર આવવામાં મદદ કરી રહી છે.

આ તો ટીઝરનો પણ નૅનો પાર્ટ છે. અઢળક તોફાનો અને અવળચંડાઈઓ માફ કરીને જે મનફાવે તે કરવાની છૂટ આપી તે બદલ થેન્ક યુ, મમ્મી. એક મજબૂત વ્યક્તિ બનાવવા બદલ, થેન્ક્સ.

related posts

“લગ્નની લાગણી અને ચઢતો આફરો…”

“લગ્નની લાગણી અને ચઢતો આફરો…”

પરિધિ, જ્યારે તારા હોવાના સમાચારે અમને રડાવ્યા!

પરિધિ, જ્યારે તારા હોવાના સમાચારે અમને રડાવ્યા!