લાઈફ ઈઝ જસ્ટ લાઈક કાર્ડિયોગ્રામ, યુ નો !

જૂના ફિલ્મી ગીતોની જેમ સ્કૂલ-કૉલેજના મિત્રો કોઈવાર યાદ આવી જાય છે. જયારે વિચારો અને વિચારક બંને એકલા પડે ત્યારે એ બંને તેમના જીવનની સૌથી સારી ક્ષણોને વાગોળે છે. કદી કોઈક મિત્ર મળી જાય છે, વાતો થાય છે, ક્ષણભર હસાઈ જાય છે અને છૂટા પડી જવાય છે. નિકટતાની સારણી પર મૈત્રીનું મૂલ્યાંકન કરીને વર્ષો બાદ મળેલા એ છેલ્લી બેંચ પર બેસતા મિત્રને સમય નામની કિંમતી વસ્તુ ભેટ તરીકે અપાય છે. ઘણાને છેલ્લા દિવસ પછી મળાતું નથી, ખબર નહિ કેમ ! કદાચ, એમ જ ! કોઈ કોઈ ઓળખાય છે, કોઈને ઓળખવા માંગતા નથી અને કોઈક ઓળખાય તેવા રહ્યા નથી. સ્કૂલની દુનિયા જુદી હતી. એ મિત્રો હંમેશા વધુ નિકટતમ મિત્રોમાંના અમુક હોય છે. તેમને બેકાર રખડતા જોયા છે, પ્રોત્સાહન આપ્યું છે, રાતભર વાતો શેર કરી છે, અસમંજસમાં કોન્ફિડન્સથી ખોટું બોલીને જે-તે ફિલ્ડમાં જવાનું કહ્યું છે. આ જ સમયે તેઓએ આપણને સાંભળ્યા અને સંભાળ્યા છે. ઉંમર અને જીવનના અમુક વર્ષોનો ચડેલ થોડો ઉત્સાહ, થાક, સફળતા અને નિષ્ફળતાની વધ-ઘટ એમના ચહેરા અને હડપચી નીચે જામતો-ઉતરતો જોવા મળે છે.

બે પ્રકારના મિત્રો હતા. સ્કૂલમાં છેલ્લી બેંચો પર બેસીને તોફાનો કરતા, વર્ગોમાં હંમેશા સાહેબોની ખિલ્લી ઉડાવતા અને પાનવાળાની દુકાન પર ગાળો થૂંકતા છોકરાઓ સંજોગોની પછાડ ખાઈને સમય ઓળંગી ગયા છે. ‘ભણતા હતા ત્યારે કોઈએ સમજાવ્યું નહિ, તમે આગળ નીકળી ગયા.’ – જેવા શબ્દો હંમેશા તેમની મુલાકાત દરમિયાન સાંભળવા મળે છે. અમુક જેવા હતા તેવા જ છે અને અમુક પાછળ ખસી ગયા છે. ‘દુનિયાદારી’ નામનો શબ્દ આગળ ભણેલા મિત્રોને આજે પણ કોરી ખાય છે. સ્કૂલમાં હંમેશા અવ્વલ આવતાં મિત્રો જયારે જીવનમાં પીછેહઠ કરે છે ત્યારે તેઓ ‘સ્કૂલ’ને જૂની બિમારીની જેમ સમજીને યાદ કરી લે છે. ક્લાસના સારા છોકરાઓ કે જે ખૂબ સારા મિત્રો પણ હતા તેમને તૂટતા જોયા છે. તેમના યશસ્વી ભૂતકાળની બજારના માર્કેટમાં કોઈ કિંમત રહી નથી. સર્ટિફિકેટની દુનિયામાં રઝળપાટ કરી રહેલ જીવનને તેમણે અપનાવી લીધું છે. કોઈક અમીર મિત્રને તેના પેઢીગત ધંધામાં જોડાતો જોઇને પોતાના વંશને ગાળો આપતા મિત્રો સાથે એક ઓટલે આખી ને આખી રાતો વિતાવી છે. કારણ વગર ચૂંથેલા ચોપડાઓ, નાટકો, વ્યાખ્યાન, વાર્તાઓ, તોફાનો, ગાળો અને ભવ્ય ભૂતકાળને ભૂલીને જયારે કોઈકવાર સ્મૃતિઓને ટટોળવા કેમ્પસમાં ઘુસું છું ત્યારે….

તરસ ન હોવા છતાં નળ ખોલી, હાથના ખોબામાં પાણી ભરી, શર્ટનો કૉલર ભીનો કરીને પીવાની મજા આવે છે. કૉરિડોરમાં પોતું મારતાં બહેનના પાણીમાંથી આજે પણ એ જ ફિનાઈલની વાસ આવે છે. બાલમંદિરના છોકરાઓ આજે પણ રિસેસમાં મળનાર બટાટા-પૌઆ ખાવા માટે રસોઈયા બહેનને બાફેલા બટાટા ફોલાવી રહ્યા છે. દૂર પહેલા માળની બાલ્કનીમાં એકાદ-બે શિક્ષિકા બહેનો હાથમાં ફૂટપટ્ટીઓ લઈને ઉભી છે. વર્ષો પહેલા મારા ક્લાસમાં જોરથી બૂમો પાડતા એ સાહેબ હવે નિવૃત્તિના આરે છે, જેના વર્ગમાં વિદ્યાર્થીઓ આજેપણ બીકના માર્યા શાંત બેઠા છે. લોબીમાં નોટિસબોર્ડ લગાવેલા છે. કોઈક છોકરો ક્લાસની બહાર વાંકો ઉભો છે, જેના પર ડસ્ટર મૂકાયેલું છે. બીજી તરફ ઉપરથી નીચે કમ્પાઉન્ડમાં નજર કરતા કેટલાંક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ‘બેઠી ખો’ રમી રહ્યા છે. પહેલા માળે કોર્નરમાં રહેલ એક વર્ગમાં મુકાયેલ પુસ્તકોનો ખજાનો છે, જેના પર આજે પણ ધૂળ જ ચડેલી છે. લાઈબ્રેરિયન શિક્ષિકા આજે પણ કડકાઈથી, ચશ્માં સહેજ નાકની દાંડીથી નીચે કરીને પુસ્તક વાંચી રહ્યા છે. પાર્કિંગ માટે સફેદ ચોકથી કરેલ નિશાન ઝાંખા બન્યા છે. ફી ભરવા માટેની ઓફિસ આગળ વાલીઓ લાઈનમાં ઉભા છે, માત્ર તેમના હાથમાં રહેલ ફી ની કિંમતનો ફર્ક છે. નિશાળની ખાતાવહી બનાવતા એ ઉંમરલાયક ક્લાર્કને હજુ સુધી કોમ્પ્યુટર ફાવ્યું નથી, તે જુના લાકડાના કબાટોમાંથી ચોપડાઓ પરની ધૂળ ખેરવી રહ્યો છે. મોડા આવેલ વિદ્યાર્થીઓને પ્રાર્થના પૂરી થયા સુધી સ્કૂલના ગેટ પાસે ઉભા રાખવામાં આવેલ છે. આઠમાં ધોરણમાં ભણતા મહત્તમ વિદ્યાર્થીના બૂટની આગળથી અંગૂઠો બહાર નીકળી રહ્યો છે, જે સતત પોતાના ક્લાસની એક માનુની સામે તેને છુપાવવાની કોશિશ કરતો રહે છે. આજે પણ કોઈક શિક્ષક સાહેબને પોતાનો વર્ગ મોડેથી લેવા જવું વધુ પસંદ પડે છે. રિસેસમાં આજે પણ એ લીલી ચટણીવાળા વટાણા આવે છે, બસ એ પ્રેમથી કાગળિયાંમાં દોથો ભરીને વટાણા આપનાર કાકા રહ્યા નથી. હજુ પણ એક એવો પટ્ટાવાળો છે, જે પોતાને ‘નેક્સ્ટ ટુ પ્રિન્સિપાલ’ જ સમજે છે. કોઈ શિક્ષક મળી જાય છે, ઝાંખી આંખોમાં જુનો વિદ્યાર્થી યાદ આવે છે, હરખ થાય છે અને કેટ-કેટલાં સંસ્મરણોની ગાંઠ છૂટે છે.

આ કેફી દુનિયા છે, એને ભૂતકાળ નથી. અહીં હંમેશા વર્તમાન જીવે છે, આસપાસમાં ઝબકતું અને ધબકતું જાય છે. એ વર્તમાનનું હું પણ એક અંગ બની જાઉં છું. એ મારામાં ફેલાઈ જાય છે અને તેની જ રંગીનીયતમાં મારી ગમગીની અને ડૂમે બાઝેલ વાતોનું જાળું છૂટું પડે છે. લાઈફ ઈઝ જસ્ટ લાઈક કાર્ડિયોગ્રામ, યુ નો !

related posts

‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ની યાદ …!

‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ની યાદ …!

ખુજલી!

ખુજલી!