‘વિશ્વાસ’નો ‘શ્વાસ’, જેમાં ઈશ્વરનો હોય ‘વાસ’…!

http://i.dailymail.co.uk/i/pix/2009/01/23/article-0-000FF69B0000044C-815_468x286.jpg

એક દસેક વર્ષનું બાળક. બપોરના ૩:૩૦નો નાભિમાંથી કાળી ચીસ મુકાઈ જાય તેવો તડકો. સુમસામ રસ્તો. કાળો પથ્થરિયો રસ્તો ડામરમાંથી વરાળ નાખીને લોકો પર હસતો હોય તેવો દિવસ. પરસેવાની બૂંદ રેલો બનીને લસરીને દૂંટી સુધી પહોચીને ગલગલિયા કરે તેવી પરિસ્થિતિ. દેરાસરની સામે એક પાલિકાના બાંકડાની પાછળ સંતાયેલું એ બાળક. બપોર કાઢવા માટે તડપતુ અને રોટલીના ટુકડા માટે વલખા લેતું એ બાળકને જોઇને આજે કૃષ્ણનગર બી.આર.ટી પાસે કંપનીથી પાછા ફરતી વખતે એ પ્રસંગને સીધો જ કાળજે કોતરવાનું મન થયું.

નાકમાંથી શ્લેષ્મની પીળી લીંટ અને ધૂળ-ધુમાડાને લીધે ગાલ પર જામી ગયેલ આંસુઓની લાંબી ધાર. એ બાળક ફાટેલ ટી-શર્ટ પર દોરેલો સુપરમેનનો લોગો સાથે બાંકડામાંથી કંઇક જોઈ રહ્યું હતું. આજુબાજુ પડેલા મકાઈના ડોડામાંના બચેલા દાણાઓને વીણીને ખાઈ રહ્યું હતું. સામેના કાંઠે કોઈ અલગારી ઓલિયો ફકીર તેવી જ અવસ્થામાં ત્યાંથી પસાર થયો. તે બાળક બાજુની દુકાનમાં ગઈ કાલના દાબેલીના વાસી ટુકડાને ખાવા માટે ગયો. વર્ષોની ભૂખ જાણે આજે મિટાવવાની હોય તેમ તે છોકરો દોડ્યો. રસ્તામાં એક પાન-મસાલાની દુકાન પાસે જઈને તેણે પાણીના પાઉચની માંગણી કરી. તે દુકાનદારે તેને ભગાડી મુક્યો. તેની બાજુની દુકાનનું શટર ખુલવા જઈ રહ્યું હતું. દુકાનમાંથી જંકફૂડની એક હાટડી હતી, જે દુકાનમાંથી બહાર કાઢી. બ્રેડના પેકેટ વ્યવસ્થિત ગોઠવ્યા. પેલો છોકરો એક લાઈટના થાંભલાની સાથે વળગીને ઉભો હતો. કકડીને ભૂખ લાગી હતી, સામે ભોજન હતું. મનમાં એક ડર હતો. એ ભૂખની ચીસ આંખમાં આંસુ બનીને ઉભરી રહી હતી અને ગરમીમાં વરાળ બનીને ઉડી જતી હતી. પેલા દુકાનદારે એક પાંવમાં વડું મુક્યું અને બીજા પાંવમાં મસાલો નાંખીને દાબેલી તૈયાર કરી. તેમાં અગરબત્તી લગાવીને વડાની અંદર ખોસી. પછી પેલો ભાઈ દુકાનની અંદર બાકીના પેકેટ અને અન્ય ડબ્બા સહિતનો સમાન લેવા ગયો. અને, છોકરા એ દોટ મૂકી.

પગમાં જાણે જાન આવી ગઈ હતી. એ ભગવાનને ધરેલ બંને પાંવ પોતાના જ છે તેમ સમજીને તેણે બંને હાથમાં એક-એક પાવ પકડ્યું. મોઢાની બંને બહારની ધારથી અમુક મસાલો નીચે પડતો જતો હતો અને એ મોજમાં ખાઈ રહ્યો હતો. હજુ માંડ ૨-૩ કોળિયા જઠરમાંના અગ્નિને શાંત કરવા પહોચ્યા હશે ત્યાં જ, પેલો દુકાનદાર આવ્યો. તેણે છોકરાના હાથમાંથી બંને પાંવ લઈને તેને જોરથી લપડાક લગાવીને ભગાડ્યો. પેલો છોકરો દોડવા લાગ્યો, અને સીધો તેની જેવી જ પરિસ્થિતિમાં આ બધું જોઈ રહેલા કોઈ સાધુ-બાવાની સાથે અથડાયો. પેલા ફકીરે પોતાની અમીરી દર્શાવી દીધી. એ બાળકને તેડીને એ જ દુકાન પાસે આવ્યો. દુકાનદાર પાસે જઈને ખિસ્સામાંથી આખા દિવસના ભેગા થયેલા બધા જ પૈસાનો ઢગલો કરી દીધો. જાણે પોતે દુનિયાનો અધિપતિ હોય અને પોતાની અઢળક સંપત્તિ છોડીને આવ્યો હોય તેવા ભાવ સાથે તે બાળકને પોતાના ખભા પર બેસાડ્યું. એ બાળકના હાથ પકડીને તેને દુકાન પાસે લઇ ગયો. બિસ્કીટનું પેકેટ ખવડાવ્યું અને પોતે પણ ખાધું.

પોતાના ખભા પર એ બાળકને ફરીથી બેસાડીને ચાલવા માંડ્યો. પેલો છોકરો એ વિશ્વાસના મજબુત ખભા પરથી આખી દુનિયા જોઈ રહ્યું હતું. ધિક્કાર, ધ્રુણા અને તિરસ્કારની દુનિયાને પોતાના મન વડે જાણતું થયું હતું. પોતાની સાથે કોઈ છે, તેવા વિશ્વાસ સાથે તેની આખો એ કાળા તડકામાં પણ તેઝતર્રાર મોટી આંખો સૂરજને ચુનોતી આપતી હોઈ તેવું લાગતું હતું. પોતાના માટે ‘નથિંગ’ હતો એ આજે ‘સમથિંગ’ બની ગયો હતો. નામી-અનામી સંબંધ આજે આ ધગધગતા લાલ લોહી બનાવનારના સંબંધથી જોડાઈ ચુક્યા હતા.

ટહુકો: ક્યારેક દુનિયાના ખૂણામાં જઈને જોઈએ તો ફૂલ એ.સીના મોટા હોલમાં બેસીને મોટીવેશનલ મોટરોની જરૂર નથી, કોઈક સાઈકલની ચેઈનનો અવાજ પણ સીધો દિલમાં ઉતરી જાય છે. હા, આજે મને ‘વિશ્વાસ’ છે, કે આ દુનિયામાં કેટલાયે એવા ‘શ્વાસ’ છે જેનામાં એક દૈવી ઈશ્વરીય શક્તિનો ‘વાસ’ છે. તેથી જ આ દુનિયા મહાન છે, દુનિયા બનાવનાર મહાન છે. કોઈ ભૂખ્યું નથી, એ જ વહેલુ-મોડું દરેકનું પૂરું પાડે છે. બસ, છાતીમાં એક મજબૂત હૃદય જોઈએ. એ મજબૂત હૃદયમાં એક લાગણીભીનું ઝરણું જોઈએ.

related posts

બાળકનું ‘બચપણ’ બચ્યું કે….?

બાળકનું ‘બચપણ’ બચ્યું કે….?

લાઈફ = ‘ટ્રાયલ & એરર’ મેથડ + સેલિબ્રેશન

લાઈફ = ‘ટ્રાયલ & એરર’ મેથડ + સેલિબ્રેશન