પ્રેમ પસંદા – પ્રેમ અંગારા

love-birds-on-a-branch-hi

છાતીની સહેજ ડાબી બાજુ કેલ્શિયમની સખ્ત દીવાલોની વચ્ચે એક ઋજુ પોલાણ હોય છે. તેમાં એક મુઠ્ઠી જેવડું બલૂન સતત ધબક્યા કરે છે. એ બલૂન સંવેદનાની બારીએ હંમેશા અવનવું ગતકડું અનુભવ્યા કરે છે. પરિસ્થિતિ મુજબ તે સંકુચન અને પ્રસરણ પામ્યા કરે છે. અસંખ્ય વિચારોની અનંત શ્રેણીમાં એક વિચાર હંમેશા મનના ઘરેથી નીકળીને ‘મામાનું ઘર’ એવા આ બલૂનમાં પહોંચે છે, જોરથી ધબકે છે. લગ્ન પછીનો પ્રેમ ડિવોશન તરફ ગતિ કરતો હોય છે. ટુ સરેન્ડર, ટુ સેક્રિફાઈસ, ટુ લેટ-ગો.

પત્ની કુટુંબદીપિકા બને અને પતિ કર્મનિષ્ઠ. એકબીજા વચ્ચે તારામૈત્રક રચાતું હોય, મુગ્ધ ચેષ્ટાઓ થાય, કાથીની સૂતળીનો ભરેલો ઊંચાનીચા પાયાવાળો ખાટલો ચત્તો સૂતો-સૂતો કઠોર ગાયન કરતો હોય. એક ચાડાને ખૂણે કોડિયામાં નાનકડો દીવો ચૂપચાપ બળ્યા કરતો હોય. તેના રંક તરંગોમાં પ્રેમ લય પામતો હોય. ટાઢ જાણે કોઈના શરીરમાં ન પેસી રહી હોય તે રીતે ઓઢેલું ગોદડું સહેજ આઘે પડ્યું હોય. પહેરેલું લૂગડું સંભાળથી રાખ્યું હોય છતાં આઘુપાછું થયા કરતુ હોય. બે પાસ પડેલી તીરની ઉંચી ભેખડો જેવા પહોળા પડેલા પગની વચ્ચે પર્વત પરથી ઉતરતી નદીના પાણીના પટ પેઠે પાટલનો પટ વેરાઈ જઈ પથરાતો હોય. પલંગની ભમરીઓમાં થઈને દીવાનું ઝાંખું અજવાળું ઠેઠ છાતી પર થઈને ચહેરાના ગાલ સુધી ફેલાતું હોય. દીવાના કંપન સાથે એ પણ હલનચલન કર્યા કરતું હોય. અખંડસૌભાગ્યની આંખો મીચેલી હોય અને તેના પોપચાં ઉપર પતિવ્રતાપણાના રત્નભંડારની ચોકી કરવા પતિની નજર ઠંડો પવનની લહેરખી વડે પાંપણ ઝૂકતી હોય. શિયાળાને લીધે બનાતનું મોટા બટનવાળું સ્વેટર પહેર્યું હોય. ‘લુગાઈ’ને આશક બનાવવી તે જ મન ઇચ્છતું હોય. વધુને વધુ જોઈ રહીને ઇચ્છાઓ-વૃત્તિઓ વધુ પ્રબળ બને. સુખ લાચાર બને, મસ્તિષ્કમાં કામાસક્તિના પ્રસરી જાય, નયનમાં ઘેન જેવો આભાસ થાય, પણ ધ્રુજવા લાગે અને નખથી શિખ સુધી શરીર દ્રવી ઉઠે. સ્પર્શ કરતાં ખચકાટ થાય, સ્પર્શ કર્યા પછી મોહ પેદા થાય, મોહ પેદા થયા પછી અમર્યાદ ખુશીની લૂંટાતી મિજબાની.

એ દીવો સાક્ષી બની રહે. બીજે ખૂણે એક લાકડાની ફ્રેમ પર પડેલા કેનવાસ પર દોરાયેલી અડધી તસ્વીર, રંગો પર લાદીને અડકીને ચોંટેલ બ્રશ, અડધા ખુલ્લા ગ્લાસ વિન્ડોમાંથી ડોકિયા કરતી પુસ્તકો, કિનારીએથી કાળું પડીને મુરઝાયેલ ગુલાબનું ફૂલ, એક-બે તૂટેલી પાંદડીઓ, મેજ પર ટોપલીમાં રહેલ કાળી દ્રાક્ષ પર બાઝી ગયેલ પાણીની છાંટ, સિલાઈ નીકળી ગયેલ બ્લેન્કેટનો એક ખૂણો, ઉઘાડી પાણીની બોટલને નાળચે પ્રસવ પામતું પાણીનું બૂંદ, ખુલ્લો રહી ગયેલ કબાટ, તકિયાની પાછળ છુપાઈને જોતો ચશ્માંનો એક કાચ, પવનને લીધે ધ્રુજતો બારીનો પડદો અને બીજા રૂમને આઈસોલેટ કરતું સજ્જડ બંધ બારણું.

હૃદયમાં મારે સારું કોઈ અવકાશ ખાલી છે કે નહીં તેની ખાતરી કરવા અથવા તો એ હૃદયને પકડીને તેને સ્વાધીન રાખવા સારું ઊંઘતી પત્ની પોતાનો જાગતો હાથ પતિની છાતી પર પડાવ નાખ્યા કરે છે.

related posts

માતૃદેવો ભવ: ||

માતૃદેવો ભવ: ||

‘મન’નું માનસ..

‘મન’નું માનસ..