ચલકચલાણું, તારે ઘેર ભાણું!

ચલકચલાણું, તારે ઘેર ભાણું!

બપોરની ગરમીમાં સહેજ પરસેવો વાળ્યો અને અકળામણ થવા માંડી. એ વખતે યાદ આવ્યું કે,

એક સમય હતો,
જ્યારે સોસાયટીમાં ખરા બપોરે ગરિયો (ભમરડો) લઈને ઘોયા રમતાં હતા. લખોટીઓ ખિસ્સામાં ભરીને સમો રમાતો અને પહેલી રૂમમાં ગંજી-ચડ્ડીમાં કેરમ રમાતી.

આ ત્રણ રમત મને સૌથી વધુ એટલા માટે ગમતી કારણ કે તેમાં હું જીતતો. અને જીત એ ખુશીનું ઘરેણું હોય.

આજે પણ એ ગરિયામાં પડેલા ઘોયાને જોઈને એ જ રોમાંચ અનુભવાય છે. સામે રહેતા કુંવરમાસીના ઘરની દીવાલે નવે નવા ગરિયાની અણીને ઘસ્યાનું અને માસીની ગાળો ખાધાનું યાદ છે. સોસાયટીમાં છેક છેલ્લા ઘરથી ઘોયા રમવાનું શરૂ થાય અને છેક ગેટ સુધી ગરિયાને લઈને જવાનો. જે હાથમાં ગરિયો લઈને બીજા દાવમાં પડેલા ગરિયાને ટોચી શકે ત્યાં સુધી રાજા. હાથજાળી પણ એક કળા છે. ગરિયો રમનાર બહુ ઓછાને એ આવડતી હશે. છેલ્લે, ગેટ પાસે જે ગરિયો દાવમાં પડ્યો હોય એને બાકીના બધા જ નક્કી કરેલા ઘોયા મારે. જો ગરિયો રહી જાય તો ઠીક બાકી અણીઓ ખૂતાવીને ગરિયાનું કોચલું કાઢી જ નાખે.

બીજી સૌથી નજીકની રમત એટલે કેરમ. કેરમ આજે પણ એટલું જ ચાંવથી હું રમી શકું. ઝીણો પાઉડર ખૂટે એટલે ઘરનો પોન્ડ્સ વપરાય. જૂન-જુલાઈમાં સ્કૂલ શરૂ થાય ત્યારે નવી ચડ્ડીઓ લેવાય અને એ ચડ્ડીઓના બોક્સમાં ચપ્પુથી ડામ દઈને એક ખાંચ પાડતો. એમાં આખું વર્ષ જે પૈસા મળે એ બધા સેવિંગ થાય. ઉનાળું વેકેશન આવે એટલે એ પૈસા ખર્ચાય અને તેમાં કેરમની કૂકરીઓ ભરાય. એક ચડ્ડીના બોક્સનો મલ્ટીપલ યુઝ કદાચ આપણા જેટલો કોઈએ નહીં કર્યો હોય. અને આજે લગભગ બારેક વર્ષ પછી પણ એ જ બોક્સ સચવાયેલું છે.

ત્રીજી દિલને સૌથી વધુ ગમતી રમત લખોટી. ખિસ્સામાં એ ખખડે તો સોનાના સિક્કાઓ ખખડતા હોય એવી ફિલિંગ આવતી. જીત્યા પછી બંને ખિસ્સામાં રહેલી ઢગલાબંધ લખોટીઓને ખખડાવીને ઘરે આવવાની મોજ જ અલગ આવતી. ટીચવા દા મારી ફેવરિટ ગેમ. આજેય જો કોઈક શરત લગાવે તો હું જ જીતી જાઉં એ કોન્ફિડન્સ પણ ખરો. એ વખતે રૂપિયાની ચોવીસ લખોટીઓ આવતી. સમય જતાં સોળ થઈ. જ્યારે સમો રમીએ ત્યારે આખોને આખો સમો જીતવાની ખુશી કિંગડમ જીતીને રાજા બન્યા જેટલી થતી. લગભગ એકાદ હજારથી વધુ લખોટીઓ સાચવેલી. પણ હજુયે પાંચસોથી વધુ લખોટીઓ સાચવી છે. અને મારી ઑલટાઈમ ફેવરિટ, રાણી, એવી દાણી – આજે પણ ઝગમગાટ કરે છે. જેનાથી હું આવી કેટલીયે લખોટીઓ જીત્યો હોઈશ.

આ બધું વિચારીને અકળામણ દૂર તો થાય જ. સાથે સાથે તમારા ભવ્ય ભૂતકાળની પાંખોને ભવિષ્ય મળે. ઘણી વખત, મને એવું લાગે કે લાઈફ સત્તર વર્ષે ઊભી રહી જાય છે. કારણ કે, એ એક એવી સ્પેસ છે જ્યાં તમને જવું, ફરવું, મમળાવવું અને ધીમું ધીમું હસ્યા કરવું એ ગમ્યા જ કરે.

કઈંક તમે પણ આવું સાચવ્યું હોય તો ચાલો આ મોમેન્ટ્સ શેર કરીને ફરી પાછા સમર વેકેશન્સને રિકલેક્ટ કરીએ.

related posts

લવ મેરેજ કે અરેંજ મેરેજ ?

લવ મેરેજ કે અરેંજ મેરેજ ?

મંત્રદ: પિતા

મંત્રદ: પિતા