ન મળેલી દરેક પ્રેમિકાને, યાદગીરી સ્વરૂપ પત્ર!

ન મળેલી દરેક પ્રેમિકાને, યાદગીરી સ્વરૂપ પત્ર!

 

આમ તો, જિંદગીથી તકલીફો અને ફરિયાદો જ ફરિયાદો છે, હેં ભઈ? પણ, સૌથી મોટી ફરિયાદ એ છે કે, તું અને હું પહેલા મળી શકતાં નહોતાં? તે થોડીક મીઠી કસકવાળી કણીદાર, વાગે ‘ને ખૂંચે તેવી ફરિયાદ છે.

માન, તું પણ વિચાર! જો આપણે પહેલાં મળ્યાં હોત તો શું થાત?

પણ આ તો લવ-શવ દે ‘પટલ-પટલાણી’વાળી વાત હોય ત્યાં ‘કદાચ…’(ઊંડો સૂનકાર)થી વધુ યોગ્ય કોઈ વર્બ નથી. ક્યારેક-ક્યારેક તું એટલી કડક મસાલા ચાય લાગતી, કે જે મને ભાવતી નહીં પણ મનમાં વિચાર આવતો કે ‘પ્યારમ્ ગચ્છામિ’ કરી લઉં. આ બધી વાતો આપણે વિચારી તો લઈએ છીએ પણ સાચા-ખોટાં કારણો સાથે કહી નથી શકતાં, કારણ કે તે જ આપણી દુનિયાનો એક હિસ્સો બની જાય છે.

એક પ્રોસેસમાં પ્રોડક્ટના આઉટપુટની ચિંતા તો નફો શોધતાં વ્યાપારીને હોય, લુખ્ખી મોજ કરતાં દલડાને થોડી હોય?

એ દુનિયાનો એવો ખૂણો છે, જેના સરનામાંની જાણ માત્ર આપણને જ હોય છે. કેટલીક એવી વાતો જે એક જ હૃદયમાં રહે છે અને એના બંધ થતાંની સાથે જ બંધ થઈ જાય છે.

કમિટમેન્ટ અને લોયલ્ટી તો નોકરીમાં સારું લાગે, સોળની ઉંમરે એ શબ્દ ડિક્ષનરીમાં જ ન હોય. આવા શબ્દોમાં તો ગુલામીની દુર્ગંધ હોય, બેફિકરાઈની મજા એમાં શાની વળી?

દુનિયાનું સૌથી મોટું જૂઠ, ‘પ્યાર’ એક બાર હોતા હૈ! અરે, એકદમ બકવાસ. શેરીએ-શેરીએ અને સ્કૂલે-સ્કૂલે, અલગ-અલગ ડ્રેસમાં, જતાં-આવતાં, યજમાની-મહેમાની…દરેક વખતે થઈ જ જાય. અને, ‘હવસ’ ને એ બધું ખોટું. પ્રેમ જ એ તો! જેને આ ‘એક બાર’વાળી અફવા ઉડાવી છે તેને તારે એક વખત મળવું જોઈએ. એકબીજાના પ્યાર માટે ‘પ્યાસા’ ન થઈ જઈએ એમાં થ્રિલ શાનું વળી? અને, સીધેસીધું થવામાં લુખ્ખું ઝાપટવા જેવી મજા ક્યાં છે યાર?

હા, એમ તો રોજ ‘લવ યુ ફોરેવર’ બોલતાં હતાં એમનાંયે ‘વર’ આવી ગયાં છે અને તારા પણ આવવાની તૈયારીમાં જ ખરા!

સદી, સાત જન્મ, ભવ..આ બધું ખોટું. પલ મેં માશા, પલ મેં તોલા..એ મજા તો ક્યાંય નથી, બાંગડું! કારણ કે, તેમાં આવક અને ખર્ચો ‘પળભર’નો જ હોય છે.

‘પઝેસિવ…ગજેસિવ…’

‘હું તને બાંધવાની કોશિશ નહીં કરું અને તું મને નહીં.’ અરે આ તો માત્ર સારું લગાડવા માટે હોય. બાકી, બીજાને જોઈને કે બીજા તમને જુએ ત્યારે ..પાર્ટનરને જે આંખની સહેજ ઉપર મગજમાં જે ગલગલિયા થતાં તેની વાત તો કેવી રીતે કરવી?

ચાલો, સારું થયું. જશ્ન મનાવો કે આપણે ન મળ્યાં. કારણ કે, ત્યારે હું અલગ હતો અને તું પણ… ઇચ્છા પણ અલગ હતી અને આકાંક્ષા પણ. એ વખતે આપણે ‘વ્યાજબી ભાવે’ પ્રેમલાઈન્સમાં સફર કર્યો હશે. ટૂંકો, રસાલેદાર અને મસાલેદાર.

અને હા, પ્રેમને સમજવાની કોશિશ કરવી એ તો કેમિસ્ટ્રીના ક્લાસમાં ફિઝિક્સ ભણવા જેવું છે. ‘કોમ્પલેક્સ’ પરિસ્થિતિમાં ‘કોમ્પલેક્ષ’માં મળવાની મજાઓ ટૂંકી અને લાજવાબ હતી. આ દુનિયામાં કશુંક સમજવા જેવું છે તો એ છે જે-તે ‘પળ’. અને આ ક્ષણિક ‘પળ’નો કોઈ ઇતિહાસ નથી હોતો. નથી કંઈ સાચું-ખોટું કે નથી કંઈ પાસ્ટ-ફ્યૂચર. એ અધૂરપની ઉમ્મીદ છે જે હજુ ક્યારેક સ્પાર્ક થયાં કરે છે.

ચિયર્સ. પ્યાર અને પળના વિષયમાં.

આનંદો. ફરી મુલાકાત થશે ક્યારેક, કોઈ બીજી દુનિયામાં.

પણ હા, આવતી વખતે એકબીજાને પાક્કું પહેલો પ્રેમ કરીશું. કારણ કે, ‘પહેલા પ્યાર’વાળી સ્થિતિ તો શાશ્વત છે. તે હંમેશા રહેવાની. તું પહેલી આવવાની ટ્રાય કરજે નહીં તો ‘ઓપનિંગ’માં જોડી જામશે નહીં.

 

 

related posts

‘કપડાં’ ધોવાની પણ મજા છે…! ;-)

‘કપડાં’ ધોવાની પણ મજા છે…! ;-)

વર્ષાંતે, પ્રેમનું લેખું-જોખું!

વર્ષાંતે, પ્રેમનું લેખું-જોખું!