જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ!

જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ!

નોબલ લિટરેચર પ્રાઈઝ વિનર ઓક્ટેવિઓ પાઝ કહે છે કે,
‘હું’ કોઈ છે જ નહિ. હંમેશા ‘અમે’ જ હોય છે. જીંદગી કોઈક બીજું જ હોય છે, આત્મા – એક ડગલું આગળ. તારા અને મારાથી પર. બસ, ક્ષિતિજ.

આત્મીય અનુભવની વાત આવે ત્યારે વ્યક્તિ અનુભવે છે કે, ‘જીંદગી, તું ક્યારે મારી હતી?’. હંમેશા મેં વિચાર્યું એનાથી કંઇક અલગ અને વિચિત્ર જ બન્યું, જે હંમેશા આઘાતજનક લાગ્યું. અદ્વૈત – દ્વૈતમાં ચકરાવો લે છે. અદ્વૈતની અનુભૂતિની કલ્પના પણ અદભુત હોય છે.

એક વૃક્ષ, તેના પર્ણો, પોતીકું મૂળ અને પુત્ર જેવા ફળો.
વરસાદનું એક બિંદુ. બિંદુની હારમાળા જાણે જળની આંગળી. જે વૃક્ષની છાતીને ખોલે છે. તેની આંખોને ચૂમે છે. હૃદયની અંદર વરસે છે. હૃદયમાં રહેલ એક જળનો છોડ પોતાના પાણી ધરાવતા મૂળિયાં ઊંડે પ્રસારે છે. આ શોક એક ચહેરાનો છે. જ્યાં સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ ધબકે છે. નામ આપવા જાઉં ને એક નામ યાદ આવી જાય છે. તારામાં આ બધા ચહેરા છે અને એમાંનો એક પણ તુ નથી. આ બધી ક્ષણો છે, સુંદર છે. આમાંની એક પણ તું નથી. એક આદિ-અનાદિ કાળથી તપતો સૂર્ય છે. તેના તળે પોતાની હયાતીની ગલીઓમાં હું શ્વાસ લઉં છું. તું મારી સાથે ચાલે છે એક વૃક્ષની જેમ ! તું નદીની જેમ ચાલે છે. મારા હાથમાં રહેલ અનાજના ડૂંડાની જેમ ઉગી નીકળે છે અને એક ખિસકોલીની જેમ સ્પંદે છે. અવાજની પરસાળ વચ્ચેથી જાઉં છું. પડઘાતી ઘટનાઓમાં હું વહુ છું. એક અંધની જેમ હું પારદર્શક પટલમાંથી પસાર થાઉં છું. એક પ્રતિબિંબ મને ભૂંસે છે. બીજામાં હું ફરી જન્મુ છું. પંખીનો ટહુકો ઉદાસ છે. એ ટહુકો અરણ્યને નિર્જન અને નિર્જીવ કરી મુકે છે. એક સ્વર્ગીય સપનું સાકાર થતું અટકી જાય છે. તેની ઉપર ધોધમાર વરસવા તૈયાર થયેલા સુખના ફૂલો…રહી જાય છે.

ક્યારેક વ્યક્તિત્વ એક ક્ષણ રૂપે અનુભવાય છે. જે બહાર દેખાય છે તે ખરેખર આપણી અંદર હોય છે. પાણીનો ફૂવારો પવનથી મરડાય છે. આકાશમાં વૃક્ષ નૃત્ય કરે તો કેવું લાગે? તેના મૂળ કેટલા લાંબા છે, તેની ખાતરી થાય તો ! માનવ સભ્યતાની પણ એક નીરવ ભ્રમણકક્ષામાં ગતિ હોય તો? સમયની ગતિ અને માનવીય પુરુષાર્થને એકસાથે પામવાનો અહી પુરુષાર્થ છે. જો આ બંનેનું મિલન થાય તો જ પરિણામની આશાઓ જીવંત થાય છે.
આશાઓ જીવંત થતાની સાથે જ અપેક્ષાઓના કોંટા ફૂટી નીકળે છે. અપેક્ષાઓના મરણ સાથે જ અશ્રુને મોકળો માર્ગ મળે છે. અશ્રુ એ ભગવાને બક્ષેલી સંપત્તિ છે. બક્ષિસ છે. જ્યાં તે વેરાય ત્યાં નવી આશાની વેલ ફરી ઉગી નીકળે. આવું આશાશ્રુ એકાદ વખત જ આંખોમાં શોભે. તેનું ભાવવિશ્વ અંતહીન, અમાપ અને અગાધ સાગર જેટલું હોય.

જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ. ક્યારેક, શરાબ અને પાણી વચ્ચેના સ્મરણની જરૂર પડે ત્યારે ચેતાતંત્ર જાગવું તો જોઈએ ને !

હિંસા અને ટોળામાંથી વ્યક્તિની ચેતનાને બહાર લાવવાનું કામ લેખક કરે છે. જો કલમ ઉપડતા પહેલા નિશાન નક્કી ન હોય ત્યાં ગતકડાંઓ જ થાય. ચારો ચરવામાં સુવર ઘોડાને હેરાન કરે, મનુષ્યની મદદ માંગે, મદદ કર્યા પછી પણ જો મનુષ્ય ઘોડા પરથી ન ઉતરે તો – અંતે ગુલામી જ વેઠવાની બાકી રહે. ઉદ્ધાર માટે બીજાનો ખભો પહેલો દેખાય ત્યારથી તે ગુલામ બન્યો. ગુલામ બન્યા પછી પોતાનું શોષણ થાય અને માલિકના હાથ ધર્માદો થાય તેનો કોઈ જ મતલબ નથી. કારણ કે, આત્મપ્રતીતિ માત્ર પૂરતી નથી.

દૂધની, સાકરની અને મધની મધુરતાની માત્રનો ભેદ સ્વયં વિદ્યાદેવી સરસ્વતી હજારો વર્ષેય શબ્દમાં ન ઉતારી શકે. તેના અંતે વ્યક્તિએ પોતે જાત-અનુભવથી જાણવાની વસ્તુ છે.

મને વિશ્વાસ હતો અને મારા વિશ્વાસે જ મને લૂંટી લીધો.

related posts

પરિધિ, જ્યારે તારા હોવાના સમાચારે અમને રડાવ્યા!

પરિધિ, જ્યારે તારા હોવાના સમાચારે અમને રડાવ્યા!

‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું  છીંડું…!

‘જાણ’ હોવા છતાં બન્યા આજે પોતે ‘જાણભેદુ’ , સંસ્કારિતતાના પ્રવાહમાં પડ્યું મોટું છીંડું…!