તમારી કલમ જ તમારો તકિયાકલામ…!

તમારી કલમ જ તમારો તકિયાકલામ…!

લખવાનું શરુ કરો. લખવા માટે ઘણું બધું છે.

પહેલી વાર લખવાનું શરુ કરશો તો માશુકના હોઠોની નરમાઈ સુધી જ પહોંચી શકશો. બીજી વાર લખશો તો તેના દુપટ્ટામાં ફસાઈને કલમ દમ તોડી દે એવું પણ બને. છતાં પણ લખો, કારણ કે ઘણું બધું લખવાનું બાકી છે.

રાત્રિના ૧૨ વાગ્યે કોઈ સૂમસામ રેલ્વે સ્ટેશન પર શહેરથી દૂર ભાગવાની કોશિશ કરી રહેલા એ બંને પ્રેમીઓના હૃદયમાં ધબ-ધબ કરતાં એ ગભરાટ વિષે લખો. તેમને પણ ખબર પડવી તો જોઈએ કે તેમના ધબકારને પણ કોઈ મહેસૂસ કરી રહ્યું છે. થોડી હિંમત તેમને શબ્દોમાં બાંધી આપો, જેથી ટ્રેનમાં દસ-બાર લોકો લોહીથી તાલિબાન લખવા આવે તો તેમનું હાસ્ય મૃત્યુને જિંદગી સામે તળિયા ચાટતું કરી મૂકે. લખો, હજુ તો ઘણું બધું લખવાનું બાકી છે.

રાતના અઢી વાગ્યે જ્યારે નશો ઉતરે છે ત્યારે કોઈ વ્યક્તિ ફ્રીજમાં રહેલા ઠંડા પાણી તરફ આગળ વધે ત્યારે બે-ચાર બરફના ટુકડા લખીને તેના માથે મૂકી આવો. કારણ કે, ક્યારેક સારી ઊંઘ માટે શરાબને બદલે મીઠાં હાલરડાંની જરૂર હોય છે. લખો, ગભરાઓ નહીં.

શરાબઘરની મેજ પર ખૂબ શબ્દો પડતાં હોય છે, તેને ઉઠાવો, સાફ કરો, ચમકાવો અને પછી ટાંકો. ટાંકી દો તેને સફેદ કાગળ પર અને ઇન્દ્રધનુષ ભરી દો. શરાબ અને આંસુ જ્યારે મળે છે ત્યારે અનેક રંગો ઉપસી આવે છે. આ રંગોની ઉદાસી લખો. આ રંગોની તરસ લખો.

કાગળ પર તેમના ઘરની ચાવી લખો. ખબર નહીં ક્યારેક તમારી ચાવી લખવાની જ રાહ જોવાઈ રહી હોય. એક કલમથી ચાર દીવાલ અને એક છત લખો. કે જેના માટે વ્યક્તિ જીવનભર સંઘર્ષરત રહે છે, કદાચ તેને ગમશે. રાત્રે અંધકારભર્યા રસ્તે કોઈ યુવતી શૈતાનને ઉગતો જુએ તો પોતાના શબ્દોથી આસમાનમાં ભગવાન લખી દો. લખો તો ખરાં! હજુ પણ લોકોની નજર તમે ક્યારે લખશો તેના પર છે. એ નજરમાં આશા છે.

હજુ પણ લોકોને આશા છે કે કલમ કોઈ રડતા બાળક માટે ચોકલેટ બની શકે છે તો કલમ એટલી શક્તિશાળી પણ છે કે તે અનેક ક્રાંતિ પણ લખી શકે છે. સૂતેલી સરકાર, સૂતેલાં હુકમખોરો તમારી કલમ પર ફતવો જાહેર કરી દે ત્યાં સુધી લખો. અરે લખો તો ખરાં, આ જે દૂધિયા-કાળી શાહી છે તેને તેજાબ બનાવવાનું કામ તમારું છે.

related posts

‘મીડિયા’- “વાણી-વર્તન-વ્યવહાર” ની વ્યવસ્થિતપણે ‘વિરોધી’ વણઝાર.

‘મીડિયા’- “વાણી-વર્તન-વ્યવહાર” ની વ્યવસ્થિતપણે ‘વિરોધી’ વણઝાર.

દિવાળી : રંગોળી : પૂરણપોળી

દિવાળી : રંગોળી : પૂરણપોળી