જીતવું છે, હારીને પણ જીતવું જ છે!

જીતવા માંગીએ છીએ. આપણે સૌ કોઈ. હારી જઈએ તો પણ મનથી તો હંમેશા એ હાર બાદ પણ જીતવા મથીએ જ છીએ.
આપણે આપણી જ સ્ટોરીના હીરો છીએ. જે બધું જ કરી શકે છે. તેને હારવું નથી. ઝઝૂમવું છે પણ પીછેહઠ નથી કરવી.
માતાની ગર્ભનાળ સાથે બંધાયેલા હતાં ત્યારે પણ તેમાંથી છૂટવું હતું. શાળામાં હતા ત્યારે કોઈ સિનિયર બે સટ્ટાક વળગાડી દે અને તમે કશું જ ન કરી શકો. એવે વખતે પણ તે દિવસે રાત્રે ‘તેને એ વખતે સામે માર્યું હોત તો?’, ‘કોઈને બોલાવી લીધો હોત તો?’… ‘તો..’ હું જીતી જતે. નર્યો સ્વીકાર અને ફરીથી હીરો બનવાની કવાયત શરૂ.
ક્લાસમાં પહેલું આવવું છે, ખૂબ મહેનત કરવી છે, બધાને પાછળ રાખી દેવા છે. આ વિચારીને તમે ખૂબ મહેનત પણ કરો છો, કારણ કે તમારે જીતવું છે. ખરેખર, એ જીતનું સેટિસ્ફેક્શન એ મહેનતમાં હોય છે, નહીં કે ક્લાસમાં પહેલો આવવામાં.
આપણે ખૂબ કમાવું છે, પપ્પા કમાયા તેનાથી વધુ કમાવું છે. આવું વિચારીને તમે કૉલેજ પસાર કરો છો. એ પછી ફરી ભાગાદોડી કરી મૂકો છો, એ એક જૉબ માટે ! કારણ કે તમારે બહુ જલ્દી આગળ વધવું છે.
એક વખતે તમે મિત્રોનું ઝુંડ લઈને ફરતાં હતા, છતાં તમારે એ દરેક દોસ્તો કરતા આગળ નીકળી જવું છે, કારણ કે જીતવું છે.
દરેકને પોતાની વીસીમાં કોઈ ગમતું હોય છે. તેને પામવું છે, ચાહવું છે, અને જિંદગી આગળ ધપાવવી છે એવા વિચારો સતત આવ્યા કરે અને એ ન હોય તો … ‘તો..’ શું? તમે હારી નથી જતાં. તમે કોઈક ઑલ્ટરનેટિવ શોધો છો અને મળી પણ જાય છે. કારણ કે, તમારે સેલ્ફ ઇગોને સંતોષવો છે.
હંમેશા તમારો કોઈ મિત્ર બની રહેતો હોય તો એ છે ઇગો. એક સનક. એક ટીસ. જે હંમેશા તમને ફફડતા રાખે છે, શાંત જ નથી થવા દેતો.
જીવનમાં એક સાથી અને બાળકો સામે પણ તમારે તમારું પ્રભુત્વ જમાવવું છે, કારણ કે તમે બીજે બોલી નથી શકતા. અને તેથી જ તમે કોઈ એક જ વ્યક્તિ સાથે સતત ઝઘડો પણ કરી શકો છો અને પ્રેમ પણ કરી શકો છો.
બસ, આપણી પોતાની એક વાર્તા છે અને તેમાં આપણે બીજા કોઈને હીરો તરીકે જોઈ નથી શકતા. હા, તમારા આદર્શો હોઈ શકે, કોઈ ગોડફાધર હોઈ શકે, પણ તમારી વાર્તામાં તમે તેમને પણ હીરો તરીકે નથી જોઈ શકતા.
એક જ તત્ત્વ તમારું પોતાનું છે, અને તે છે તમારું પોતાનું જીવન. તમારી વાર્તા. જેને સતત જીવતી રાખવા ક્ષણે ક્ષણે કેટકેટલુંયે છોડી દઈએ છીએ.
Comments
Happyness Hacker
Superb read. Keep writing.