‘સ્કિલ ડેવલપમેન્ટ’ કે પછી ‘still….devlopement’…?

માતાના ગર્ભમાં રહેલા નવ મહિનાના બાળક પાસે ભગવાન છેલ્લી વખત મળવા માટે આવે છે.

“શું કરે છે દીકરા? વોટ્સ ગોઇંગ ઓન?” મોર્ડન ઈશ્વરે પૂછ્યું.

“બસ, દોસ્ત…! હવે નવી દુનિયાને જોવાની ઉતાવળ છે. મારી ‘મોમ’ની નજરથી દુનિયાને જોઇને, ગેટિંગ સો બોર..! યુ નો..” આજના યો-યો વર્લ્ડમાંના પોપિંગ-રેપિંગના યંગ બ્લડએ જવાબ આપ્યો. (બાળક ભગવાનનું સ્વરૂપ, એટલે બંને દોસ્ત થાય ને..!)

“દોસ્ત..! તને એક ગીફ્ટ આપવા આવ્યો છું. આ ૯ મહિના તારી સાથે રહેવાનો મને ચાન્સ મળ્યો, એ બદલ એક વિશિંગ પ્રાઈઝ.” ખુદા એ ગીફ્ટ આપવા ઉત્સુક હતો.

“થેંક્સ બડી…! નાઉ આઈ હેવ ટુ ગો. બાય..!” છોકરો ઉત્સુક હતો નવી દુનિયાને જોવા, માણવા અને અનુભવવા.

હજુ કંઇક, કહેવું હતું ભગવાનને એ વિશિંગ ગિફ્ટ બોક્ષ વિષે. છતાં, રહેવાયું નહિ અને છેવટે જોરથી કહ્યું, “દોસ્ત..! જરૂર પડે ત્યારે આજુબાજુની દુનિયા પાસે નહિ પરંતુ આ ગિફ્ટ પેકમાં એક નજર કરી લેજે. તારા કામની વસ્તુ છે.”

“k…hmm” કહીને બાળક એન્ટર થઇ ગયો આ દુનિયાની એન્ટરપ્રાઈઝમાં.

દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મુક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે? આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો. કેટલુંયે બધું ‘ટ્રાયલ મોડ’ પર રહીને નવું શીખવાનો નહિ, પરંતુ એ પૂરું કરીને બીજા પર છલાંગ લગાવવાની કોશિશ કરતો હોય છે. પછડાટ ખાય છે ત્યારે હિંમત હારીને બેસી જાય છે અને ઘેટાશાહી ટોળામાં ધક્કે ચડીને ચાલતો રહે છે.

બસ, આવી જ કંઇક હાલત છે આ સ્કિલ ડેવલપમેન્ટના નામ પર ચાલતા તૂતની. આજે દરેક સ્ટુડન્ટના મનમાં આપણો ઓશિયાળો સમાજ ‘વ્હાઈટ કોલર જોબ’ના બાળપણથી એવા છોડવાઓ રોપે છે જે મોટા થઈને વટવૃક્ષ બની નવા વિચારો કે પ્રકૃતિને સમજવા સુદ્ધા તૈયાર નથી હોતા. વ્યક્તિની સ્વતંત્ર નિર્ણયશક્તિ પર થતા આકરા પ્રહારોને સમાજ દ્વારા એટલી જ સરળતાથી ઝીલાવવામાં આવે છે. ‘જો આમ નહિ કરો..! તો કંઈ નહિ કરી શકો.’ ની ટેગલાઈન તો આજે બેન્ચમાર્ક બની ચુકી છે. દરેક વાતમાં ભવિષ્યનો ડર અને નવી વિચારધારાનો હળહળતો અસ્વીકાર, જે પોતાના બાળકમાં નાનપણથી જ રેડવામાં આવે છે. પોતાના બાળકની લગભગ પૂરી લાઈફ આજે તેમના માતા-પિતા જીવી રહ્યા છે.

વ્યવહારિક, આર્થિક કે સામાજિક… કોઈ પણ પ્રકારની સમજ વિનાના બાળકો મોટા એન્જિનિયરો, ડોકટરો કે સી.એ. બનીને માત્ર ચોપડીના શબ્દોમાં જ ગૂંચવાઈને રહી જાય છે. આવા ચીબાવલાઓને રસ્તો બતાવવા ‘ધોરણ ૧૦ પછી શું?’, ‘ધોરણ ૧૨ સાયન્સ પછી શું?’, ‘વિદેશમાં અભ્યાસ માટે કેમ જવું જોઈએ?’ જેવી પત્રિકાઓ અને પુસ્તકો બહાર પાડવા પડે છે. અલગ-અલગ સ્કિલના કોર્સની ખોબલે-ખોબલે લ્હાણીઓ કરાવવી પડે છે. માં-બાપ પણ પોતાના દીકરાઓના બાયોડેટા લઈને સમાજ પાસે ભીખ માંગવા દોડી પડે છે. જે લોકોનો દુર-દુર સુધી આપણી સાથે કોઈ સંબંધ નથી એ લોકો આપણું ભવિષ્ય પૈસાના દમ પર બનાવી દેવા દોડે છે. પોતાને સ્કિલ ડેવલપમેન્ટનું સ્ટીરોઇડ ટાઈપનું ૩/૬ કે ૧૨ મહિના માટે અલગ-અલગ કોર્સનું ઇન્જેક્શન અપાવવા માટે લોકો રીતસરના દોડી રહ્યા છે. જેમનામાં, સ્કિલ શું કહેવાય? તેનો અર્થ શું? જેવા સામાન્ય પ્રશ્નોની સમજ નથી એ આપણી ગેરસમજને દૂર કરવા નીકળી પડ્યા છે. દરેક સોસાયટી આ લોકોએ કવર કરી છે, દરેક મહોલ્લો પોતાની માર્કેટિંગથી સર કર્યો છે, દરેક દીવાલોને પોતાના ઇન્સ્ટીટયુટની જાહેરખબરોથી ભરી મૂકી છે, સોશિયલ મીડિયાને પોતાની ચોખલિયાવેડી વાતોથી સ્કિલના રંગે રંગી દીધું છે. મોટીવેશનના મોટા-મોટા અધિવેશનો ભરીને યંગ બ્રિગેડને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન થતો રહે છે.

દરેક જગ્યાએથી હારી-થાકીને આવેલો માણસ કઈ જ સમજવા કે અપનાવવા જેટલો ધીરજવાન કે શક્તિશાળી રહેતો નથી. તેથી જન્મતી વખતે જે અલગ ધ્યેય સાથે દુનિયામાં આવ્યો હતો તે નામશેષ થઇ ચુક્યું હોય છે, મન:સ્મૃતિના પટ પરથી ક્યારનુંયે ભૂંસાઈ ગયું હોય છે. નવા કામ કરવાની સાથે અલગ નામ કરવાની જે હોંશ હતી તે ચકનાચૂર થયેલી દેખાય છે. એ સમયે સૌથી વધુ આપણો ઉપયોગ આપણી આજુબાજુના લોકો જ કરી જાય છે. આત્મવિશ્વાસ પર શાબ્દિક પ્રહારો કરીને હથોડા જેવા ઘા કરીને તોડી નાખે છે. કોઈ પણ પ્રકારની સ્કિલ અડોપ્ટ કરવા જેવી પરિસ્થિતિ હોતી નથી છતાં મારી-મચડીને એડમિશનની લાઈનોમાં સ્કિલ ડેવલપ કરવા માટે ઉભા રહી જાય છે. પરંતુ, હકીકત કંઇક જુદી જ છે.

ભગવાનના એ શબ્દો યાદ છે? “દોસ્ત..! જરૂર પડે ત્યારે આજુબાજુની દુનિયા પાસે નહિ પરંતુ આ ગિફ્ટ પેકમાં એક નજર કરી લેજે. તારા કામની વસ્તુ છે.”

બસ, સમયની એરણ પર આ શબ્દો પણ પરિંદા બનીને ઉડી ગયા હોય છે. જેને યાદ આવે તે ગીફ્ટ પેકમાંથી પોતાને ગમતી વસ્તુ ઉઠાવીને કાયનાતમાં પોતાનું નામ કરી જાય છે, જેને યાદ નથી કે કોઈએ યાદ અપાવ્યું નથી તેને કોઈ જાણવા કે ઓળખવા પણ તૈયાર નથી.

દોસ્ત..! આજે તારી અંદર ઝાંખીને એ ગિફ્ટ બોક્ષ ઓપન કર. કંઇક તો મળશે, જે તને આધાર આપશે, જે કોઈ કલુ આપશે, આગળ વધવાનો માર્ગ બતાવશે, મૂવ ઓન થવા માટે બ્લુપ્રિન્ટ આપશે. દરેક બાળકને એનો દોસ્ત ઈશ્વર, કોઈ ને કોઈ ગિફ્ટ સ્વરૂપે જીવનનું ગીત આપીને એમાં સંગીત ભરીને મોકલે છે. જે તેને ઓળખીને અલગ અલગ વાદ્યમાં બેસાડે છે અને સૂરાવલીઓ ના તાલ સાથે તાલ મિલાવીને દુનિયામાં અલગ તાલે નાચી બતાવે એ સફળતાના ઉચ્ચતમ શિખર સુધી પહોચે જ. દિલને પૂછ, મારું ‘કોર’ શું છે? જો ગિફ્ટ બોક્ષ યાદ હશે તો પડઘા સ્વરૂપે જવાબ પાછો મળશે જ..!

મુદ્દો સ્વ માટે ‘મૂવ ઓન’ થવાનો છે, હૃદયની ઈચ્છાને પિછાણીને લાઈફમાં મનગમતા રંગોની પીંછી ફેરવવાનો છે, સમજણને સમાજ સમક્ષ મુકીને કંઇક કરી બતાવવાનો છે.

કોફી એસ્પ્રેસો :

“બંધ કબાટના ધૂળ ભરેલ અરીસામાંથી પુસ્તકો કંઇક જોઈ રહી હતી,

ઘણી આશાથી રાહ જોતી હતી કોઈ મુલાકાતીની મહિનાઓથી,

જે રાત્રિઓ તેના સાથમાં વીતતી હતી, આજે બસ વીતી જાય છે,

ખુબ બેચેન રહે છે પુસ્તક, તેને ઊંઘમાં ચાલવાની આદત થઇ ચુકી છે.”

——————————————————————————————————————————————

કંદર્પ પટેલ

patel.kandarp555@gmail.com

www.kparticleworld.wordpress.com

+919687515557

related posts

વર્ષાંતે, પ્રેમનું લેખું-જોખું!

વર્ષાંતે, પ્રેમનું લેખું-જોખું!

“પ્રેમ એટલે…”

“પ્રેમ એટલે…”