બાબા ‘ફાઉંડેશન’… ‘ફેઅર’ કે ‘ફિઅર’ ?

‘આસ્તિક’ અને ‘નાસ્તિક’ બંનેની વચ્ચેથી નીકળતું મીઠું ઝરણું એટલે ‘ઈશ્વર’.

આ પવિત્ર ઝરણામાં હાથ એંઠા કરીને લંપટલીલાઓ કરતા લોકો..સોરી.. ‘બાબા’ ઓની સંખ્યા દિવસે નથી વધતી એટલી રાત્રે વધે છે. ઈશ્વર શબ્દ બોલતાની સાથે જ ‘૩ ડેઝ-૪ નાઈટ’ નું જાણે કપલ ટીકીટનું બુકિંગ કરવા આવ્યા હોઈએ એમ એજન્ટો બનીને તૈયાર બેઠા છે. લોકોની શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા, પ્રાર્થના કે માંગણી, સુખ કે દુ:ખ, ડાહ્યો કે આતંકવાદી… દરેકને આ લોકો તેની કેપેસીટી(મની પાવર) મુજબ ભગવાનના દર્શન કરાવે છે. અને અમુક સમયના આ બીસનેસના એક્સપીરીયન્સ પછી પોતાને જ ‘ભગવાન’ કે ‘ઈશ્વર’ ઘોષિત કરી ચુકે છે. આ વિશ્વમાં નવાઈની વાત એ છે કે આજનો બુદ્ધિજીવી વર્ગ પણ એમાંથી બાકાત નથી.

image

‘ઈશ્વર’ શબ્દ બોલતાંની સાથે આસપાસ એક અનોખું વિશ્વ ઊભું થઈ જાય છે. આ વિશ્વમાં છે કેવળ મંદિર, મસ્જિદ, ચર્ચ તથા મહંત, મૌલવી અને પાદરીઓની અપરંપાર પરંપરાઓ. યુગયુગાંતરોથી ચાલી આવતી કંઈ કેટલીયે શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા એમાંથી જન્મતી રહે છે. કેટલીક બાબતો દિવા જેવી સાફ હોવા છતાં એને ક્રિયાકાંડના નામે જટિલ બનાવવામાં આવી છે. નમાલા-લાચાર-બુદ્ધિબુઠ્ઠાઓ-ગમારગાંડા-ઘાઘરઘેલ જેવી પિત્તળબુઠ્ઠી પબ્લિક એટલી બધી છે કે ના પૂછો વાત..! અને તકલીફ પડ્યે ભગવાનનું શરણ લેવાની બદલે આવા એજન્ટોનું શરણ લે છે. જેનાથી આ લોકોનો સ્વાર્થ પોષાય છે, અને પેલો બાટલીમાં ઉતારવાનું કામ બ-ખૂબી નિભાવ્યા કરે છે. અને એટલે જ આજે ખાડે ગયેલી બુદ્ધિ લઈને લોકો આવા પોતાને ભગવાન સુધી પહોચવાનો રસ્તો કહીને ભોળવે છે. અને જોતજોતામાં જ હજારો લોકોના સમુદાય..ઝુંડ ઉભા કરી દે છે.

गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥ (અધ્યાય 9, શ્લોક 18)

“સૌનું ભરણ-પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ-અશુભને જોનાર, સૌનું રહેઠાણ, સૌની ઉત્પત્તિ અને વિનાશનો હેતુ, સ્થિતિનો આધાર તેમજ અવિનાશી કારણ પણ હું જ છું.”

image

છતાં, ભગવાન પર વિશ્વાસ કરતા પહેલા એ લુખ્ખા લોકો પર વિશ્વાસ કરીએ છીએ. અને એમાં સૌથી વધુ ભલે-ગણેલ કહેવતો વર્ગ જ કેમ? કોઈ કહેવાતા લોભાનંદજી, મોહાનંદજી, લંપટેશ્વર કે હવસાનંદજી ના પનારે પડતી અંધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’ ‘ગીતા’ કે ‘મહાભારત’ વાચવાની સલાહ માને ખરી? પોતાના ઘરમાં દુધનું પવાલું પણ ના હોય પણ એ ‘બાબા’ લંપટીયા ને ધરવા માટે તો હોય જ. ભગવાન અને આપણી વચ્ચે કોઈ આવે એની પરમીશન જ શા માટે આપવાની? એ તો હરહમેશ હૃદયમાં જ હોય છે જગતનો નાથ. અને એ લુખ્ખામાં શોધવા જઈએ છીએ પછી ક્યાંથી મળવાનો ઈશ્વર? લોકો આજે કહે કે નાની વયે મુમુક્ષુ બન્યા, સંસાર ત્યજી દીધો. પરંતુ, ભાવાવેશમાં આવીને લીધેલા આવા ઉતાવળિયા નિર્ણયો જ આવા હવસ-વાસના-લંપટ-કપટ-લાલચ થી ભરેલા સળવળતા કીડાઓ પેદા કરે છે જે સમય જતા આપણું જ ભક્ષણ કરવા તૈયાર થાય છે. શું ૧૦ વર્ષની ઉંમરે બનેલો મુમુક્ષુ ૨૦ વર્ષે પુખ્ત થઈને પોતાની ઈચ્છાઓ સંતોષવા સમાજની આપણી જ બહેનો કે પત્નીનો ભોગ નહિ લે? જે વ્યક્તિ પોતાના મન પર કાબુ મેળવી શકે અને જે સ્થિરબુદ્ધીનો હોય એને જ સંત કહી શકાય. અને ગીતા સંતની વ્યાખ્યા કૈક આવી આપે છે.

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥ (અધ્યાય 2, શ્લોક 56)

આ દેશમાં સત્તામાં બેઠેલા અને જેમની દેશમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી છે એ બધા લોકો સાવ નપાણિયા અને કરોડરજ્જુ વિનાના છે.તેમનામાં દેશદાઝ જેવું તો કંઈ છે જ નહીં પણ આત્મગૌરવ જેવું પણ કંઈ નથી. એ હોત તો રામપાલ જેવા બે કોડી માણસો તેમની આબરૂનો ફાલુદો ના કરી ગયા હોત. આ દેશમાં કાયદો સર્વોપરી છે ને ગમે તે ભોગે કાયદાનું પાલન કરાવવું જોઈએ – એવી તેમનામાં ભાવના જ નથી. કોઈ આલિયો, માલિયો કે જમાલિયો કાયદાની કે ન્યાયતંત્રની ઐસીતૈસી કરતો હોય તો કરે, આપણા બાપનું તેમાં શું જાય છે એવી તેમની માનસિકતા છે. વધારે શરમજનક વાત એ છે કે એ લોકો કાયદાને નહીં પણ ટોળાંશાહીને પૂજે છે. આવા પબ્લિકના ટોળાઓ ચલાવતા એજન્ટો નિત્યાનંદો, આસારામો, રામપાલો, નીર્મળો, અને આવા તો અનેક..ને તોપની ગોળીએ લોકોની વચ્ચે ભડાકે દેવા જોઈએ.

ટહુકો:- “લોકો પહેલા રાક્ષસોથી ડરતા ત્યારે ‘ઈશ્વર’ નામના શસ્ત્ર ને યાદ કરતા, આજે એ જ શસ્ત્રને રાક્ષસો પોતાનું કહીને ‘ઈશ્વર’ બની ગયા.”
દુનિયા પહેલા ‘મંત્ર’ થી ચાલતી હતી,
પછી ‘તંત્ર’ થી ચાલતી થઇ,
હમણાં સુધી ‘યંત્ર’ થી ચાલતી હતી,
આજે ‘ષડ્યંત્ર’ થી ચાલે છે.

related posts

દીકરી: ‘દી’ અને ‘રી’ ના દીર્ઘ ઉચ્ચારણ સમી હૃદયમાંથી ના ભૂંસાય એટલી દીર્ઘ જીદ

દીકરી: ‘દી’ અને ‘રી’ ના દીર્ઘ ઉચ્ચારણ સમી હૃદયમાંથી ના ભૂંસાય એટલી દીર્ઘ જીદ

Who is ContentMan?

Who is ContentMan?