વર્ષગાંઠ જાણે કે શેરડીનો ગાંઠો!

વર્ષ આખું આવતી વર્ષગાંઠ સુધી સગાઈની સિઝન જેવું લાગે અને જન્મદિન લગ્નના દિવસ જેવો અજંપાભરેલો. ગાંઠો હંમેશા ફિક્કો જ લાગે, એમ આ દિવસ પણ! આખું વર્ષ તમે ભવિષ્યના સપનાઓનો રસ પીઓ અને જન્મદિવસ પર ફૉર્માલિટીઝ. અજીબ છે ને?
પગદંડીઓ ખરેખર ખૂબ શાંત હોય છે. પરંતુ, હાઈવે બન્યા પછી તેને લોકો આળસુ કહેવા લાગ્યા છે. સમયના ચક્રને બહુ ઝડપી કરતાં કાળમીંઢ પથ્થરના રસ્તાઓ પર નિરાંત નથી. પગદંડી પર એ નિરાંત છે. ઝાડના ટેકે બેસી શકાય છે, વિચારી શકાય છે, કશુંક પોતાનામાં જ ખોજી શકાય છે અને હૈયાને સ્હેજ હળવું કરી શકાય છે. એ પગદંડી પર બેસીને થોડુંક રડી શકાય છે અને હસી પણ શકાય છે. ક્યાં જવું છે અને ક્યાંથી જવાશે એ વિચારીને થાક ઊતારી શકાય છે.
ખબર નહીં, મેં જે લખ્યું એ કદાચ કોઈ સમજી શકે તેટલી નિરાંતે વાંચી શકશે કે કેમ, કે પછી હું સમજાવી શકીશ કે નહીં. પણ બીજો પ્રશ્ન એ પણ છે કે હું સમજાવી શકીશ કે નહીં એ પ્રશ્ન મને જ કેમ થયો ? હશે, પણ મને આટલું જ આવડે છે. ઘણું બધું લખવાનું છે એ છૂટી જાય છે અને તેમાંથી કેટલાંક શબ્દોને પકડી પાડું છું. બધું બાજુ પર મૂકીને ક્યારેક એ પગદંડી પર હું પણ આંટાફેરા કરું છું. ત્યાં એકલો એકલો પણ પત્નીને મારી નજીક બોલાવી શકું અને તેની જોડે દુનિયાભરની તમામ મૂર્ખતાભરી વાતો કરી શકું.
પગદંડી ધૂળિયો મારગ હોવા છતાં શાતા આપે છે. જીવતરની શાતા. ક્યાંક નિરાંતે પોરો ખાવાની શાતા. સહેજે બાળક બનવાની શાતા. અને હરિફાઈ કેટલી અને કોની જોડે કરવી? અહીં, પ્રતિસ્પર્ધીઓની ક્યાં તાણ છે? અહીં તો ડગલે ને પગલે એવું થાય કે જીવનની રફ્તાર સહેજ ધીમી પડે તો બારીમાંથી કંઈક જોઈ લઉં.
રસ્તાના એ છેડા પાસે આવીને આપણે ઊભા રહીએ છીએ અને પાછળ ફરીને જોઈએ તો કેટલુંય છૂટી ગયું હોય તેવું જણાય છે.
આજના દિવસે વધુ એક પોરો ખાવાનો સમય !
Comments
Kevin Kovadia
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા, કંદર્પ.