સમય બહુ ઓછો મળતો હોય છે! ખરેખર?

સમય બહુ ઓછો મળતો હોય છે! ખરેખર?

“સમય બહુ ઓછો મળતો હોય છે”, આ વાક્ય કહેવા માટે પણ સમય કાઢવો પડે એ પરિસ્થિતિમાં ક્યાંક નિરાંતનો સમય મળે તો એ વડલા નીચે દુનિયાની ઉપાધિથી કોસો દૂર હોઈએ એ આનંદ થાય છે.

ખૂબ બધા પુસ્તકોની વચ્ચે તમારી પત્નીને લખાયેલ અમુક શબ્દો મળી જાય તો તેની રંગત અલગ હોય છે. તરત જ ચહેરા પર એક આછું હાસ્ય છવાઈ જાય. કારણ કે, પુરુષ એ અખરોટ જેવો છે. જલ્દી તૂટતો નથી, પણ અંદરથી એકદમ પોચો હોય! એ જીવનમાં ઘર ચલાવવા માટે દુનિયામાં ઘણું બધું કહેશે, ઘણું બધું કરી છૂટશે. પરંતુ એ ઘણું બધું કહી નથી શકતો, ખાસ કરીને પોતાના કહી શકાય તેવા તમામને!

તેને પ્રેમ કરતાં આવડે છે, પણ દર્શાવી નથી શકતો. તેને સહન કરતા આવડે છે, પણ એ હંમેશા પોતાનું પુરુષત્વ દેખાડવા બોલી જાય છે. એ તો ઠીક, પણ .. પોતાના પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર લાગવા છતાં સ્વીકારી નથી શકતો.

હંમેશા હૃદયમાં એક બાળક લઈને જીવતો હોય છે, પણ એ બાળક હરદમ ઘૂંટાયા કરે છે. એ ઘરને પછડાટ ન મળે તેના માટે દુનિયામાં કેટકેટલી જગ્યાએ અથડાય છે. હારે છે, પછડાટ ખાય છે, જીતે છે. છતાં, એ દુઃખ અને સુખને પણ એ દર્શાવતો નથી. તેના હૃદયનો કાર્ડિયોગ્રામ સતત તેના શૃંગ અને ગર્તની વચ્ચે ઝોલાં ખાય છે, છતાં એ દુનિયા સામે પોતાનો ગ્રાફ લિનિયર જ બતાવે છે.

મનની ઉથલપાથલ સામે હંમેશા લડે છે અને છતાં રિએક્ટ નથી કરતો. એ સમયે જ્યારે પરિવાર તમને સપોર્ટ કરતું હોય તેનાથી વિશેષ આ દુનિયામાં કશું નથી હોતું. આજે નિષ્ફળતા લેવા માટે સગો બાપ પણ તૈયાર ન હોય ત્યારે હોંશનું સિરપ પીવડાવવા આખેઆખું પરિવાર હોય એ બહુ મોટી માનસિક મજબૂતાઈ હોય છે.

એ તો એવું છે કે, આ ધરતી પર તમે વાયોલિનના તાર પર રમતાં ટેરવા જેવા છો. ટેરવું જેટલું સચોટ પડે તેટલો ધબકાર વધુ! જીવનનો અને તમારા અસ્તિત્વનો! બાકી, ઘોંઘાટ તો અસ્ખલિત છે.

related posts

૪૮*…યંગ બ્લડ.

૪૮*…યંગ બ્લડ.

‘કુદરત’ સાથેની ‘કનેક્ટિવિટી’ની સુંદર ‘કલ્પના’

‘કુદરત’ સાથેની ‘કનેક્ટિવિટી’ની સુંદર ‘કલ્પના’