કાર્લ માર્કસના ‘શ્રી ગણેશ’ બાદ સામ્ય(વાદી)ઓની સુપડીમાં વૈજ્ઞાનિક ઢબે સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…!

ઈતિહાસ તરફ પાછળ ફરીને નજર ઠરાવીએ તો ખ્યાલ આવશે કે તેમાં માત્ર ભારત ‘ગુલામ’ની સાંકળમાં જકડીને રહ્યો તેનું દરેક ફિલોસોફરોએ બખૂબી પોતાના પુસ્તકો ભરી-ભરીને વર્ણન કર્યું છે. પરંતુ, મૌર્ય વંશ, ચાલુક્ય વંશ અને ગુપ્ત વંશનું ભારત પરનું એકચક્રી શાસનનું વર્ણન જ ક્યાય જોવા નથી મળતું. જયારે ‘બાબર-અકબર’ જમાતની આખી સીરીઝનું પોતાની કલમ વડે એવું ‘ડીસ્ક્રીપ્શન’ આપતા ગયા અને પોતાની કલમથી દુનિયાને ભારતીય ઇતિહાસનું એવું તે ઇન્જેક્શન ‘પ્રિસ્ક્રિપ્શન’માં મુક્ત ગયા અને પાછળ એ લેનારાઓની લાઈન લાગતી ગઈ. અને ઇતિહાસને વિકૃત ચિતરવાની શરૂઆત અંગ્રેજોએ જ કરી દીધી અને ત્યારબાદ સામ્યવાદીઓની આખી જમાત કીડીઓની જેમ ધીરે ધીરે કોરી ખાઈને ખોખલી કરી મુકવા પહોચી ગઈ.

મેકોલેના મત મુજબ, “સંસ્કૃત સાહિત્યમાં કોઈ વિવિધતા, ગહન વિચાર કે ભાષાનું ઊંડાણ નથી. સંસ્કૃતના થોથા ઉથલાવવા એના કરતા એક અંગ્રેજી પુસ્તક વાંચવું સારું.” અને આજે પણ, આ સત્ય સાથે જ આપણે જીવીએ છીએ. આટલી રસાળ સંસ્કૃત ભાષા આજે મૃત:પ્રાય જણાય છે એનું કારણ વર્ષોના ભાષા અને ઈતિહાસ વિરોધી નંખાયેલા મુળિયા છે. હવે એ મેકોલે ભાઈને કોણ સમજાવવા જાય કે મુર્ખ, ભાષાક્ષેત્રે ભારત પાસે એકદમ રસાળ અને ઊંડાણ પૂર્વકનું સાહિત્ય છે. સંસ્કૃતમાં અગ્નિના પર્યાયવાચક ૨૦૦, પાણીના ૪૦૦ શબ્દો છે. ગતિવાચક ક્રિયાપદો ૮૦૦ જેટલા છે. પ્રાણીઓ સંબંધો શબ્દ-સંખ્યા ૧૬૦૦૦ જેટલી છે. તો તું કઈ રીતે આ ભાષાને સાવ ‘આવી’ કહી શકે? અંગ્રેજો પહેલેથી જ લેખનસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યમાં માનવાવાળા હતા.

701_preview

સામ્યવાદીઓએ ઈતિહાસને તોડી-મરોડી-ગૂંગળાવીને વિકૃતીકરણ કરીને વૈજ્ઞાનિક ઢબે એવી તે પ્રસ્તુત કરી અને પોતાના નામ પર ‘બ્રાન્ડી’ફીકેશન કરીને સર્વસામાન્ય હકીકત કહીને દુનિયાના મગજમાં ઉતરતા ગયા. આ દરેક મહાન તત્વચિંતકોએ વિશ્વનો ઈતિહાસ લખવાની શરૂઆત કરેલી અને પોતાની સંસ્કૃતિના બીજ ઉંડે સુધી ફેલાવવા માટેના આ તેમના દ્વારા રચાયેલા મોટા કારસા હતા. સંસ્કૃતિને ત્રણ ખંડોમાં વહેચી.- પ્રાચીન-મધ્યયુગીન અને અર્વાચીન. ઉપરાંત, આ દરેક કાળખંડમાં શું લખવાનું છે તેનું ‘મટીરીયલ’ તૈયાર જ રહેતું અને તેના વડે તેમણે ‘મટીરીયલીઝમ’ કરી નાખ્યું. ‘શ્રી ગણેશ’ કર્યા કાર્લ માર્ક્સના લખાણોએ. માર્કસના વિચાર આજે પણ અદર ઉપજાવે તેવા છે. તેણે માત્ર ગરીબોને દાન આપવાનું જ નહિ પરંતુ ગરીબીને જ દુર કરવાનું કહ્યું. એના માટે પોતે સમગ્ર જીવનપર્યંત પ્રયત્નો કર્યા. આર્થીક દ્રષ્ટીએ સમાનતા આવવી જોઈએ આવો વિચાર આજ સુધી વિશ્વમાં ક્યારેય પણ થયો નહોતો, ત્યારે માર્કસની આ સ્વતંત્ર વિચારધારા લોકોને અકર્શ્વામાં ખુબ સફળ રહી. પરંતુ, દરેક ક્રાંતિમાં લોકોનો ‘રાપ્ચિક રિસ્પોન્સ’ ખુબ અવ્વલ કક્ષાનો હોવો જરૂરી છે. જયારે કાર્લની લોક્ક્રાંતિ નિષ્ફળ બની અને યશસ્વી ના નીવડી ત્યારે મૂડીવાદીઓ પણ તેમની મશ્કરી કરવા લાગ્યા. ત્યારે અસફળતા અને અયશસ્વીતાનો સામનો કરવા માટે માર્કસે લખવાની શરૂઆત કરી અને અને ભારત વિરોધી કલમ ઉપડી અને આ ઘાને દુર સુધી જવાની હતી. તેમણે પોતાની અસફળતાને છુપાવવા લખ્યું કે, “જ્યાં સુધી દુનિયામાં અવિકસિત અને અર્ધવિકસિત દેશો રહેશે ત્યાં સુધી મુડીવાદીઓનો મિજાજ આવો જ રહેશે અને એ દેશોમાં જયારે યંત્રો પહોચશે ત્યારે તેમની કિંમત ખલાસ થઇ જશે, મૂડીવાડી વસાહતોનો ખાત્મો થશે, ત્યારે જ લોક્ક્રાંતિ થશે.”

હજુ તો આ કલમને લોકદિમાગ પર ઘણું પાંગરવાનું અને પથરાવાનું બાકી હતું. માર્ક્સ જયારે વિશ્વના ઈતિહાસ વિષે લખવા બેઠો ત્યારે તેને ભારતને એક બિનપ્રગતિશીલ દેશ તરીકે ઓળખાવ્યો. તેણે લખ્યું કે, “લોકો સમૂહજીવન જીવતા હતા, જેથી વૈયક્તિક માલિકીની કલ્પના સુદ્ધા લોકોમાં નહોતી.” જો ભારતમાં આવી સ્થિતિ હતી તો યુરોપમાં પણ એ સ્થિતિ કે કાળ હોવો જ જોઈએ, જેની નોંધ આ મહાન તત્વચિંતકએ નથી લીધી. વળી, આશ્ચર્ય ત્યારે થાય કે તેણે માત્ર ભારતના નિકટતમ મધ્યયુગ અને અર્વાચીન યુગ(ભારત જયારે ગુલામ હતું) ની જ નોંધ લીધી. તેના મત મુજબ ભારતમાં રસ્તાઓ નથી, માલિકીની કલ્પના નથી, લોકો સામુદાયિક ખેતી કરે છે અને એક રાષ્ટ્રની જ કલ્પના નથી. આ કલ્પનાઓ જ માત્ર પોતાના મનમાં ભારત એ એક અપ્રગત દેશ છે એ પૂર્વધારણા સાથે જ કરી હશે એવું માનવું રહ્યું. કારણ કે, જયારે તેના પેટમાં ભારતની સિંચિત ધરતીની ૧ કિલો ધૂળ ગઈ હોય ત્યારે તેના વિચારો બદલાઈ શકે જ. ધોળાવીરા અને લોથલમાં પાંગરેલી સંસ્કૃતિના અંશો આજે પણ જયારે મળે ત્યારે એ શહેરોનું આયોજન આજના મહાનગરો કરતા પણ વધુ યોગ્ય અને સુનિયોજિત હતું. જો તક્ષિલા યુનીવર્સીટીની મુલાકાત લઈને વેદો-આરણ્યકો-બ્રાહ્મણ ગ્રંથો-દર્શન ગ્રંથો વાચ્યા હોત તો કદાચ કાર્લએ આવું બિનજરૂરી અને ફાલતું ના લખ્યું હોત. માર્ક્સએ તેના પુસ્તક ‘Historical Materialism’ માં લખ્યું છે કે, “ભારતમાં અન્નોત્પાદનના સાધનો જ ન હતા. તેથી એ કાળમાં નીતિ જ ન હતી, સંસ્કૃતિ ન હતી, ધર્મ ન હતો, હતો કેવળ સંપૂર્ણ સ્વૈરાચાર.” કદાચ, માર્ક્સએ થોડા પુસ્તકોના થોથાઓ ઉથલાવીને રામાયણ કે મહાભારત વખતે ભારતની જીવનશૈલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોત તો તેને આ ક્ષુલ્લક વાત લખવાની ફરજ ના પડી હોત.

Capture

ઉપરાંત, ભારત વિષે જોહન વૂડરોફ તેના પુસ્તક, ‘Is India Civilized?’ માં હિન્દુત્વ પર આકરા પ્રહારો કરતા લખે છે કે, “હિન્દુત્વ એ તદ્દન ભ્રષ્ટ અને રાક્ષસી વિચારધારા ધરાવતા ખીન્નાયેલા ઉદાસીન લોકો નું ચરિત્ર દર્શાવે છે. આ ભારતમાં સંસ્કૃતિનું નામો-નિશાન હોઈ જ ના શકે.” (પેજ નં. ૧૪૮-૧૪૯). આમ ભારત પાસે સંસ્કૃતિ ન હતી, સભ્યતા નહોતી, નૈતિક વાતની કલ્પના સુદ્ધા નહોતી, તત્વજ્ઞાન નહોતું, રાજયશાસન નહોતું, માત્ર વ્યભિચારના સંકેતો જ હતા…આ દરેક વાતો અલગ-અલગ ફિલોસોફર દ્વારા ગવાતી ગઈ અને અનુયાયીઓએ તેનું રેકોર્ડીંગ કર્યા કર્યું.

કારણ માત્ર એટલું જ, કે પ્રાચીન ભારતની રાજ્યવ્યવસ્થામાં રામનું સુરાજ્ય, નૈતિક વાતમાં ચાણક્યની રાજ્યશાસનની નીતિઓ, તત્વજ્ઞાનની પેરવી કરતી તક્ષિલા અને નાલંદામાં રહેલા ભારતીય ગ્રંથો, આર્યોની સંસ્કૃતિ વિશેની માહિતી, રાજ્યોનું સભ્યતાની દ્રષ્ટીએ સુવ્યવસ્થિત ગોઠવાયેલું માળખું…આ દરેક બાબતોની જાણ તેમની જાણ-બહાર હતી. અને, માત્ર જાણે કોઈ એક નવલકથા લખતા હોય તેમ ભારતનો નકશો અને છબી વિકૃત કરવા નીકળી પડ્યા. પરંતુ, દુઃખ એ વાતનું છે કે, કાળક્રમે લોકો પણ આ વાતોનો સ્વીકાર કરતા થયા, કોઈ પણ મનોમંથન વિના જ. આપણે જ કોઈ ગ્રંથનો આધાર લીધા વિના જ વિચાર કરીશું કે, આવો વૈદીકકાળ હતો ખરો? એકદેશીય, એક્વૃત્તીય, એક નિષ્ઠાવાન સમાજ એકાત્મ બન્યો હતો ખરો? આપણે કાર્લ માર્ક્સ, મેક્સમુલર, જોહન વૂડરોફ, મિસ મેયો કે ફ્રેંક થીલી જેવા પંડિતોને દુર રાખીને પોતાની વિવેકબુદ્ધિનો આધાર લઈને ઐતિહાસિક પ્રદેશમાં સ્વૈરવિહાર કરવા માટે નીકળશું ત્યારે દરેક પ્રશ્નોના સચોટ જવાબો મળશે જ.

ટહુકો:- અખંડ ભારતનો ઈતિહાસ કોઈ સામ્યવાદી કે અંગ્રેજની ‘પાણી’ વિનાની ઓલાદ લખે અને જો તેનાથી કોઈ વ્યક્તિ અભિભૂત બનીને અંજાઈ જાય તો તે ગાંડપણનો તાર્કિક ચુકાદો એવો આવી શકે કે તે વ્યક્તિ ‘ભારતીય’ નથી.

related posts

“બચપન, જ્યાં નિર્દોષ સપનાઓ સાકાર થાય છે.”

“બચપન, જ્યાં નિર્દોષ સપનાઓ સાકાર થાય છે.”

મૃત્યુ નગ્ન હોય છે!

મૃત્યુ નગ્ન હોય છે!