હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, ચંદન ચકોરી !

ચુલબુલી ચંદન ચકોરી,
કાચના શો-કેસમાં કેટલીક કલાત્મક મૂર્તિઓમાંથી કોઈ એક પસંદ કરવાની આવી ત્યારે તું મારો પ્રથમ અને અંતિમ વિકલ્પ બની. રૂપનગરોમાંથી ભેગા કરેલા અનેકવિધ સેન્ટમાંથી તારા સેન્ટની ખુશ્બૂ પસંદ પડી.

સપનાઓ કેફેઓની બહાર ઝૂલતી કોફીની સુગંધ જેવા હોય છે. અમીરને ઘેર દુર્લભ મિરાત ઝંખતું લૂખુંપાખું માફિક જ ! રાતના ધુમ્મસમાં નિઓન અક્ષરે ‘આઈ લવ યુ’ લખવાથી પ્રેમ સાબિત થતો હોય તો એ હું જરૂર કરું, પરંતુ એ શેખચિલ્લીના સપનાની દુનિયાના દિવસોની સ્મૃતિઓ શિયાળાની જામતી રાતમાં ઠરી ગયા પછીના પુખ્ત વિચાર સાથે તને પસંદ કરી છે. કદાચ, આ જ રીતે તે મને સ્વીકાર્યો. મેં કદી એવો વિચાર નથી કર્યો કે ‘મારે આવી છોકરી જોઈએ છે.’ તેથી જ નિયતિએ પહેલી જ તકે તારી જોડે મેળાપ કરાવ્યો.

હા, મારી ઊંચાઈ જરા ઓછી હતી. ઉંમરના પ્રમાણમાં હું હોશિયાર હતો અને આંખો વારસાગત કમજોર હતી. હું ગમે તે કામ કરતો હોઉં પણ વિચારચક્રો બહુ ગતિમાન રહેતા. મનમાં એક ગજબ ચાનક ચડેલી. શહેરમાં ગુજરાન ચલાવવા માટે જે ન્યૂનતમ આંકડો જોઈએ, તે નહીં કમાતો થાઉં ત્યાં સુધી લગ્ન નથી કરવા. આ બધા મારા સ્ટાન્ડર્ડ હતા. ‘હું પહેલો લાયક બની શકું કે કેમ ?’ એ પ્રશ્ન પહેલો પૂછતો અને જાતે જ મારા અધૂરા હોવાનો જવાબ મેળવતો. ‘કેવી છોકરી પસંદ કરીશ ?’ આ પ્રશ્ન વિષે મેં એકપણ વખત કશું વિચાર્યું નહોતું, તેથી ઈચ્છાની ફ્રેમ ખાલી હતી. જેમાં તને પ્રેમથી બેસાડવી મને ગમી. તું લાજવાબ છે. ઈઝહાર-એ-ઇશ્કની આવડત કદાચ મારામાં ઓછી છે, જે ભીતરના ભીરુ એવા શરમાળ સ્વભાવની કમાલ છે.

જીવનના ટર્નિગ પોઈન્ટ પર એક સુંદર નઝમ સ્વરૂપે તું આવી. જેના શબ્દો અને વિચારો નવા હતા. એક ‘સુર્ખ સવેરા’ની વાત હતી. પ્રેમની પહેલ અને જીવનનો જોશ હતો. તે સમયે મારામાં ધર્મની અંધશ્રદ્ધા પણ હતી. કેટલીક બાબતોમાં હું થોડો છિછોરો કે દોઢ-ડાહ્યો હતો. ધીરે-ધીરે એ દરેક પર કુમાશની જે ઝાકળ ફરી છે તેનું કારણ તું જ છે. જાહેરમાં રાસ-ગરબા લેવા એ મને ન ગમતું કામ હોવા છતાં પ્રસંગોપાત ઘણીવાર હું તારા જોડે રમ્યો, એ પબ્લિક ફિઅર છોડાવવા બદલ આભાર. મોટી અને જટિલ વાતો મને શીરાની જેમ તરત ગળે ઉતરી જતી હતી, પરંતુ સામાન્ય જવાબદારીઓ અને કાર્યોમાં હું બહુ વિચલિત થતો. આજે એ પણ તારે લીધે શીખ્યો છું. જીવનના સંધિકાળમાં મેચ્યોર બનીને બાલિશતા શીખવવા બદલ થેંક યુ.

તને પત્ની કરતાં વધુ મારી એક સૌથી નજીકની મિત્ર તરીકે તને ગણાવવામાં મને વધુ આનંદ થાય છે. નાઈટલેમ્પના નારંગી પ્રકાશમાં મારા ખભા પર માથું રાખીને તારી દિલી ઇચ્છાઓ અને સપનાઓ મને કહેતી હોય ત્યારે હું હંમેશા એ લેમ્પને જોયા કરું છું. વિષયો અને વાંગ્મય લગ્નજીવનને ‘ભવસાગર’ કહે છે. આ સાગરનો કિનારો જરા ઝાંખો ધૂળિયો બ્લ્યૂ, વચ્ચે જરા મોરપીંછ જેવો સ્થિર ને ઘટ્ટ, ક્ષિતિજ પે જરા તડકાને લીધે સફેદ-આસમાની અને સંબંધોની લીલાશ હોય તેવો સંબંધ બાંધીશું. દૂરથી જોનારા તમામ લોકોને આપણા સંબંધસમા સમુદ્રનો આખો ટૂકડો જંગલી બુલબુલોની મખમલી પાંખના રંગમાં નવી કૂંપળોની મુલાયમ લીલાશ છાંટી હોય તેવું પ્રતીત કરાવે. ધીરે-ધીરે પ્રગતિના લાંબા મોજા ઉઠે અને ઘેરી નીલી સપાટી પર ફેલાઈને કિનારે પહોંચે. એ પ્રગતિમાં પણ સ્વભાવની છોળોરૂપી મોજાઓને લીધે રચાતી પાણીની દીવાલમાંથી દેખાતો સૂર્યનો પ્રકાશ હંમેશા સમાજ સમક્ષ પારદર્શક બની રહે.

બેગમ-સાહિબા હમારા ઈશ્કનામા કુબૂલ કરેં ! આપ સે મુહબ્બત જો કરતેં હૈ !

લિ. ‘વેલેન્ટાઇન્સ ડે’ પર વાઈફીને ભૂલ્યા વિના પ્રેમ-પત્ર લખનાર ભૂલકણો ભોમિયો ઉર્ફે ‘ગુલાબશટર’.

related posts

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, ચંદન ચકોરી !

હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, ચંદન ચકોરી !