ક્યારેય કશું છૂટતું નથી ! બધું મળી જ જતું હોય છે.

ક્યારેય કશું છૂટતું નથી ! બધું મળી જ જતું હોય છે.

સુરત હંમેશા મને કશુંક આપે છે. ક્યારેક કર્મની તાકાત તો ક્યારેક બે વણમાંગી મીઠી શીખ.

***
સમય: 5:55 PM, સુરત રેલવે સ્ટેશન.

ભીડમાંથી અવાજ આવ્યો.

“અરે, બેસ ને! એમ કેમનો ઊભો છે. હજુ તો વાર છે.”

મેં ઘડિયાળમાં જોયું. ડબલ ડેકર અવવાને માંડ પાંચેક મિનિટની વાર હતી. તેમના ચહેરા પર આટલી શાંતિ? આખુંયે પ્લેટફૉર્મ બે-પાંચ વધુ ધબકારે ધબકી રહ્યું હોય. રિઝર્વેશન હોવાં છતાં ચિંતા રહેતી હોય. છતાં તેમને કશું જ નહોતું.

મેં વળી કહ્યું, “અરે, આવવાની તૈયારી છે.”

“…. (એક આછી સ્માઈલ સાથે) એ તો હવે આવે છે. બેસ બેસ.”

અચાનક આટલા લોકોમાં કોઈક બોલાવે, શાંતિથી બેસવા કહે… અને તમે કન્વિન્સ પણ થાઓ.

હું બેઠો. તેમની સામે જોયું. વર્ષોના કામનો થાક અને તેટલો જ વળી ઉત્સાહ. ઠહેરેલ આત્મ.
“હેય! પલિદ. વ્હોરામાં હોય.”

“બોલો. કહો ત્યારે…આ બેઠો.”

વિન્ટેજ સ્ટોરીઓ સાંભળવાની મજા જ અલગ હોય છે. એ હંમેશા એક શાંતિ, સૂકુન લઈને આવતી હોય છે.

મારી ટેવ મુજબ સ્ટ્રેનજર્સ સાથે વાત કરવામાં જે કિક છે તે બીજે કશે નથી. મેં પૂછ્યું, “અમદાવાદ? કે સુરત? ક્યાં રહેવાનું?”

“અમદાવાદ. મારી ડ્યૂટી ચાલુ છે ને!”

“તમારી ઉંમર ઘણી હશે.”

“એઇટી વન. એડવોકેટ તરીકે 52 વર્ષ થયાં. સ્ટેનોગ્રાફર છું. મારી વાઈફ પણ .. મારા જોડે જ 49 વર્ષથી છે. એ પણ મારી સાથે જ .. એક જ ઑફિસ.”

“શું વાત કરો છો? આટલી ઉંમરે પણ બંને વ્યક્તિ આટલું કામ કરો છો?”

“તો ઑફિસ …?”

“સ્કૂટર છે ને… અમે બંને કેટલાંયે વર્ષોથી તેના પર જ.. કાલુપુર રહેવાનું.. ને વર્ષોથી એક જ બોસને ત્યાં નોકરી. અમદાવાદની દરેક ઋતુ, હર એક પરિસ્થિતિ અને બધા જ સુખદુઃખ માણ્યા છે. મજાનું છે બધું… ઠીક છે… ચાલ્યા કરે છે. ક્યારેય ઉતાવળ નથી હોતી. કશું છૂટતું નથી. બધું મળી જ જતું હોય છે.”

છેલ્લાં શબ્દો ખૂબ ઊંડી છાપ છોડી ગયા.

ફૂલીની એ ટ્રોલી પર બેઠાં બેઠાં ભીડમાં નિરાંતનો પાઠ શીખ્યા. હંમેશા ઉતાવળને બદલે થોડોક પોરો ખાઈને પછી બેઠાં થવું એ વધુ હિતાવહ છે.

“…ચાલ.. ઊભો થા. આવી ગઈ માસી..”

“મારે તો C6 છે. તમારે કયો કૉચ છે?”

“C5. અને, મળવાની મજા પડી.”

મેં જવાબ ન આપ્યો, કે ન આપી શક્યો એ ખ્યાલ નથી રહ્યો. હું બસ તેમની કૉફી બૅગને જોઈ રહ્યો. બસ, એ પાંચેક મિનિટ દિવસની શ્રેષ્ઠ હતી. મારે કહેવું હતું કે, તમને મળીને ખરેખર તો મને વધુ આનંદ થયો. પણ, એ વાતને જીભના ટેરવે દબાવીને રાખવાની મજા પડી. ‘ધ સિક્રેટ લાઈફ ઓફ વૉલ્ટર મિટ્ટી’ની માફિક. કશુંક એવું વીણતું રહેવું જોઈએ કે જેનાથી સ્મરણોનો ઘડો ફૂટે ત્યારે આખાયે જીવનની કમાણી નીકળે.

કેવા લોકો હશે આ? એક જ ઘરેડમાં પચાસ-પચાસ વર્ષો વિતાવી દીધા. છતાં, તેમને કશું બીજું નથી જોઈતું. કોઈ ગિલ્ટ નથી કે નથી કોઈ ઈચ્છા. આજે આપણે દર સેકન્ડે એન્ટરટેઇનમેન્ટ જોઈએ છે. છતાં, પીડાઈએ છીએ. એકલતાથી, નિષ્ફળતાથી. દુનિયાને આગળ વધતી જોઈને ડરીએ છીએ. બધું કેવું કોન્ટ્રાસ છે નહીં?

કે પછી કોન્ટ્રાસ જ હોય બધું? આપણને ક્યાંક અજુગતું લાગતું હશે.

related posts

ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ

ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ

પ્રેમ પસંદા – પ્રેમ અંગારા

પ્રેમ પસંદા – પ્રેમ અંગારા