અમુકથી સ્વતંત્રતા કે અમુક માટે સ્વતંત્રતા?

અમુકથી સ્વતંત્રતા કે અમુક માટે સ્વતંત્રતા?

ઓશો કહે છે કે – જ્યાં ‘હા’ કહેવાની હોય ત્યાં ‘હા’ કહેવી, જ્યાં ‘ના’ પાડવા જેવી હોય ત્યાં ‘ના’ પાડવી અને જ્યારે કશું જ સૂઝતું ન હોય ત્યારે મૌન ધારણ કરવું. આ ત્રણ પરિમાણો જ્યારે બૅલેન્સ ન હોય ત્યાં સુધી સ્વતંત્રતા લાખ ગાઉં દૂર છે તેમ કહેવાય. 

જેવા છીએ તેવા બનવાની હિંમત કેળવવી એ આદર્શ સ્થિતિ છે. આપણે રોજ શું કરીએ છીએ? કોઈની ચાપલૂસી, કોઈને સારું લગાડવા માટેનો દેખાડો, અમુક પર અહમ તો જાત પર અભિમાન, ક્યાંક વળી કોઈનું શોષણ.

ઇન્ડસ્ટ્રીમાં મિરેકલ કરી શકે તેવા લોકોની ખસી કરી નાખવામાં આવે છે. ડિગ્રીધારીની સામે પૈસાનો ઢગલો મૂકીને અને ડિગ્રી વિનાના હોંશિયાર વ્યક્તિને સતત કંપનીનું સ્ટ્રેચર બતાવીને, ડરાવીને, ધમકાવીને. પોતાના કામ પ્રત્યે કર્મનિષ્ઠ હોવું અને પોતાના જ કામના ગુલામ હોવું એ બંને વચ્ચે બહુ મોટો ફરક છે.

વ્યક્તિને સ્વતંત્ર બનતા બે પ્રકારના ડર રોકે છે. 1. પ્રિજ્યુડિસ 2. રૂઢિઓ

આપણે હંમેશા ધારી લઈએ છીએ. મિન્સ કે, દરેક વાતને જજ કરીએ છીએ, એક કન્સિડરેશનના આધારે. એ કન્સિડરેશન ક્યાંથી પેદા થાય છે? શા માટે આપણે હંમેશા પ્રિજ્યુડિસ પેદા કરી દઈએ છીએ જેને લીધે દરેક વાત નકારાત્મક અથવા સેન્સલેસ લાગે છે? બીજો ડર એ, રૂઢિગત દેખીતી બાઉન્ડ્રીઝ છે. જે બાઉન્ડ્રી ઓળંગવા માટેનું સાહસ એક અજીબ પ્રકારનું ગિલ્ટ આપે નહીં તે માટે તેનું આપણે ડગલે ને પગલે ધ્યાન રાખીએ છીએ.

આ ડરનું મૂળ શું? શિક્ષણ. કેવી રીતે? બહુ સિમ્પલ જવાબ છે. શાળામાં કેટલું શીખ્યા એ પ્રશ્ન પર ફોક્સ કરવામાં આવે છે કે કેટલો કોર્સ/શીખવાનું બાકી રહી ગયું તેના પર? ઇન શોર્ટ, શું આવડે છે તેના પર નહીં પણ શું નથી આવડતું તેના પર બાજુમાં બેસતા છોકરાથી લઈને ટીચર્સ, પેરેન્ટ્સ અને સોસાયટી – આ ત્રણેય જજ કરે છે. કદાચ જો શાળામાં શિક્ષકો માટે એવું ફરજિયાત કરવામાં આવે કે – દરેક શિક્ષકે બાળકની બારીકાઈ દસ-બાર વર્ષ સુધી નિહાળવાની અને અંતે તે બાર-ચૌદ વર્ષનો થાય ત્યારે તેના દિલમાં એક ઇચ્છા જાગૃત કરે કે જે તેનો ઇન્ટરેસ્ટ હોય, શોખ હોય, પેશન હોય. આ ટેલેન્ટ હન્ટ જો શિક્ષક કરે તો ઉન્નત સોસાયટી બની શકે.

એક ચિનગારી માટે આગની નહીં પણ પવનની જરૂર પડે છે. એ તણખાને આગ કેમ બનવું એ જાતે જ નક્કી કરશે. પણ એ ચિનગારી આપનાર કોણ? તેની જવાબદારી લેનાર કોણ? આ જીવનમાં મારી લાઈફ સાથે જોડાયેલા મેક્સિમમ લોકોને હું કઈંક વેલ્યુએબલ આપું તેવો જુસ્સો ક્યાં? મારા થ્રુ અનેકના જીવનમાં તણખા પેદા કેવી રીતે થશે? આ કોઈ નથી વિચારતું. આથી મુક્તિ કેવી? અમુકથી કે અમુક માટે? એ યોગ્ય જગ્યાએ યોગ્ય નિર્ણય લેવો.

પ્રિજ્યુડિસને કાપીએ અને સામેવાળાના વિચારમાં, વર્તનમાં અને વાણીમાં દીવો બળે તેવું કામ આપણે ન કરી શકીએ? અનુભવથી મેક્સિમમ ડિસિઝન સાચા લઈ શકવાની આવડત આવે, પણ તેનો મતલબ એ નથી કે દરેક મુદ્દાનો તર્ક બાંધીને તેના તોરણો બીજાના મનમાં ઠસાવવા.

તમે કઈ વાતમાં મજબૂત છો? કેટલા મજબૂત છો? હંમેશા સામેવાળી વ્યક્તિને એ પૂછો. તો સાચો જવાબ મળશે. પરંતુ જો તમે એવું પૂછશો કે, ‘મારું લેકિંગ ક્યાં છે? મારે શું શીખવાની જરૂર છે?’ તો સૂફીયાણી સલાહનો ટોપલો જ મળશે. એટલે, સાચા જવાબો માટે આપણી સ્ટ્રેન્થ પર કામ કરીએ. નહીં કે, આપણી જ નબળાઈઓનો છેડેચોક ગામ ઢંઢેરો પીટીએ.

જ્યાં અધૂરપ છે એ નબળાઈ નથી, એ જ્ઞાનની અપૂર્ણતા છે. એ શીખી શકાય. પણ જે કદી નથી શીખી શકવાના અથવા તો બહુ લાંબા ગાળે ફર્ક પડી શકે એ નબળાઈ છે. નબળાઈ એ પ્રકૃતિ સાથે સીધી જોડાયેલી છે. આથી વ્યક્તિ તરીકે આપણી નબળાઈઓને સુધારવાને બદલે મજબૂતાઈ પર સમય ઇન્વેસ્ટ કરીએ.

related posts

જ્યારે પહેલું અંગ્રેજી ગીત સાંભળ્યું ત્યારે…

જ્યારે પહેલું અંગ્રેજી ગીત સાંભળ્યું ત્યારે…

હોળી પ્રગટે મારા ગામમાં !

હોળી પ્રગટે મારા ગામમાં !