#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરાં?

જાંબુઘોડા પાસે રાયપુર ગામની એ અલભ્ય સરકારી સ્કૂલ. તેની સામે એક ચારેક વીઘાનું કપાસ છોપેલ ખેતર. ખેતરને છેડે એક નળિયાવાળું ઘર. અન્યમનસ્ક બનીને ઊભેલો ઘરને એક વાંસનો દરવાજો. દરવાજાની અંદર સહેજ ડાબી બાજુ એ ઘરની ભૂખ સંતોષતો એક ચૂલો. લાકડાં સરખાં કરી રહેલ એક ગૃહિણી અને આથમી રહેલો સૂર્ય. ઘરની બહાર ડુંગળીના ફોતરાં પરથી એવું લાગ્યું કે વાળું માટે શાક સુધારી નંખાયું હશે. બહાર એક ખુરશીમાં ધોરણ-૧૦ની વિજ્ઞાનની ચોપડી પડી હતી.

કદાચ, હમણાં જ સૂર્ય પણ અસ્ત થઈ જાત અને એ ઘર પણ એ જ રિધમમાં ચાલતું હોત. પરંતુ એ દિવસે એવું બન્યું કે કોઈકની ભૂખ સંતોષાઈ અને કોઈકને મહેમાનગતિનો દુર્લભ મોકો મળ્યો. અમે ત્રણ મિત્રો. નિલેશ, આશિષ અને હું.

એ ખોરડામાં દરવાજા પાસે લાકડાં અને છાણ ભેગાં કરતી ઝીણીબહેનને પૂછ્યું, “માસી, જમવાનું બનાવવાનું બાકી છે કે?”
જરા અસ્વસ્થતાથી અને હસીને તેઓ બોલ્યા, “ના, બાકી સે હો!”
“કંઈ બનાવવાના? અમારે રોટલાં ખાવા ’તા. મકાઈના રોટલાં. બની જાહે?”

અચાનક જ આવો પ્રશ્ન સાંભળીને તેઓએ ન તો દરવાજો બંધ કર્યો કે ન તો ભગાડી મૂક્યાં. બહુ નિતાંતપણે બોલ્યા, “હા. બની જાય ને ! એમાં હું..! કેટલાં બનવું?” શહેરની તાસીરથી હજુ એ ઘર મજલો દૂર હતું. ચેપ નહોતો લાગ્યો, એ અવિશ્વાસની બીમારીનો.

“હારું તંઈ, ચાર-પાંચ રોટલાં માંડો. તમતમારે જે થતું હશે એ આપીશું. ચિંતા નો કરતાં. શાક-બાક લાવવાનું હોય તો લાવો અમે લઈ આવીએ. અને, આ દસમું કોણ ભણે છે?”
“ના ના. કોંઈ લાવવાનું નથી. બધું સે. હમણાં માંડી દવ. તમી સે’ઝવાર બેહો.”
અમે કહ્યું, “ભલે. સે’ઝ બેઠાં આંય ખાટલે. અને હા, ઈ સોપડી અમાર બેબલીની સે. નિકિતા. બટા, બા’રથી સે’ઝ લેતી આય્વ..” એવું કશુંક બોલીને ઝીણીબેને નિકિતાને બહાર વસ્તુ લેવા મોકલી.

એટલીવારમાં રમણભાઈ આવ્યા. ઘરના મોભી. તેમણે ખૂબ પ્રસન્નચિત્તે મહેમાનગતિ કરી. તેમની જોડે વાતો શરુ થઈ.

“કેટલાં છોકરાં તમારે?”
“બસ જો, આ મનહર.. જે આંય બા’ર દુકાન સે ઈ અને બીજી આ નિકિતા.”
“કેટલું ભણ્યો મનહર?”
“બસ, જોવ ને.. અમારે થોડીક તકલીફ હતી. બારેક હુધી ભણ્યો. આર્ટ્સમાં.. પશી એનું એડમિશન બાર લેવાનું થ્યું. પૈસાનો થોડોક મેળ નહોતો. તોય ક્યાંકથી ભેગું કરીએ પણ એ બધું મેળ નો પડ્યો. છેલ્લે, ઇણે જ હામે હાલીને કીધું કે બાપા રેવા દ્યો. નથી આગળ ભણવું. આપણે દુકાન કરીએ અને ખેતી તો ચાલુ જ છે. બસ, એમાં મકાઈ વાવ્યી ને ઘરનું રાશન હોય એનું રોટેસન હાલે. ખાવાનું નીકળી જાય અને બાકી વરહે બે પાક લયી.”

અમે વાતને સહેજ વળાંક આપ્યો અને પૂછયું, “અમે અચાનક આવી ગયા તો કોઈ વાંધો તો નથી ને?”
“અરે ભાઈ… આ બધું હું ક્યાં કરું છું? ભગવાનની મરજી વિના કશું થવાનું છે? ખાવાનું કોણ આપે સે? ઉપરવાળો જ તો આપે સે ને ભાઈ… તમતમારે હંધાય આવી જાવ તોય ખવડાવી એકીશ. ભગવાન આપે સે, કોઠાર ભર્યો રાખે સે અને આપણે…”

બસ, તેઓ બોલતાં બંધ થયા. અને આખું ઘર બતાવ્યું. એક ઘરમાં બે જ બલ્બ. એક દીવાલે ગણપતિનું દોરેલું ચિત્ર. બીજી દીવાલે સામાનની પેટી અને તેના પર મૂકેલા ગોદડાં. એક બારી અને તેમાં લટકેલી ફિલિપ્સની ટ્યૂબ. ઘરમાં પાછળની બાજુએ ઝીણીબેન અને નિકિતા બંને રોટલાં બનાવી રહ્યા હતાં. એટલામાં રમણભાઈ એક કાચી કેરી લઈને આવ્યા.

“અમે તો આવું સીધું જ ખાયી. કુદરતે આપેલું. આ કેરી ખાશો?”
“હા, લાવો ને કાકા. ખાવી જ પડે.” અને રમણભાઈ એ કેરી પર ખાંડેલું સૂકું મરચું ભભરાવીને લાવ્યાં. અડદની દાળમાં લાલ સૂકું ખાંડેલ મરચું અને લસણ નાખવાથી દાળનો સ્વાદ જ કંઈક અલગ થઈ જતો હોય છે એ રેસિપી અંગે પણ વાત કરી. ઘરમાં જ ગાય-ભેંસ અને વાછરડી હતાં. છતાં ઘરમાંથી રત્તીભર પણ ખબર ન પડે કે ઘરની અંદર જ ઢોર-ઢાંખર રહે છે એટલી ચોખ્ખાઈ.

“ભાઈ, ઇને બાર બાંધીને આપણે અંદર કેમ રે’વું? વરસાદ, ટાઢ તડકો બધુંય આપણને લાગે ઈમ ઇનેય લાગે તો ખરા ને ! આપણો ઈ જીવ નઈ. તમતમારે આખુંયે કુટુંબ આવો, તાણ નો પાડવા દવ. આંય પાંચેક જણ અંદર હૂઈ જાય અને અમે આંય બાર હૂઈ જાહું. એમાં હું?”

આ સમજ તો આપણે ક્યારનાયે ભૂલી ગયાં છીએ એવું નથી લાગતું?

ઘરની પરિસ્થિતિ સમજીને છોકરો દુકાન ચલાવે, છોકરી દસમું ભણે અને પાછી મા સાથે બેસીને ચૂલે રોટલાં પણ રાંધે, ઘરનો મોભી ચાર વીઘામાં ખેતી કરીને ઘર હાંકે અને ઝીણીબેન આ ઘરનું મોભું સલામત રાખે. આમાં ક્યાંય જીદ નહોતી, કે નહોતી કોઈ ફરિયાદ. રોટલો ખાધો અને સમજણની આઝાદી પચી. ઘરના ચારેય સભ્યો આર્થિક ભીંસમાં બંધાયેલા ખરાં પણ માનસિકતાથી સ્વતંત્ર છે. સમજણનો એકડો પરિસ્થિતિ શીખવે. તો સ્વતંત્ર કોણ? આપણે કે એ કુટુંબ? ઇચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓની સાંકળમાં આપણે બધા જકડાયેલા છીએ. સ્વતંત્ર નથી. રોજ સવારે ડર લાગે છે, નોકરી-ધંધાનો, પરીક્ષાનો, પાડોશીની નવી ખરીદીનો અને સમાજમાં જવાબ દેવા માટે કરવાં પડતાં વ્યર્થ વ્યવહારોનો.

આ સ્વતંત્રતા છે કે ગુલામી?

related posts

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

‘કિલકાર’ જોઈએ કોઈક સ્પર્શનો !

‘કિલકાર’ જોઈએ કોઈક સ્પર્શનો !