#સફરનામા : મોટા ભા, જેરૂપનું ઘર કટે હે?

#સફરનામા : મોટા ભા, જેરૂપનું ઘર કટે હે?

સવારના અગિયાર વાગ્યાની આસપાસનો સમય. રવિવાર અને ડીસાથી પચ્ચીસેક કિમી દૂર રામસણ નામક ગામે જમણવારનો નાનકડો પ્રસંગ.
રેતાલય જેવા ખડિયામાં શાહી સૂકવતો રેતદાની સમો ગિરદ ઉડાવતો કાળો ડામ્મરિયો રસ્તો. ઘેટાંઓના ધણને ચરાવવા લીલીછમ વાડીઓની સીમે ઊભેલા ત્રણ ભરવાડો. સીમની કડે ટટ્ટાર થોરના થડિયે ઊગેલાં ઝાડ-પાન ચરતો ગાડરિયો પ્રવાહ. એકુકું માથોડાં રેતીના ઢગ પાછળ સરસરતી લીલી વાડીઓ. અંતે, વીસેક કિમી પછી રામસણનું પાટિયું દેખાયું.

રામસણ જૈન તીર્થ – ૦.૦૦મી. એવું લાગ્યું કે, પ્રસંગ છે એ ઘર નજીકમાં જ હશે. સૂરજ માથે ચડ્યો હતો. અડધો પોણો ફૂટ જેટલો રેતીનો થર ધરાવતો રસ્તો. ટુ-વ્હીલર એક વડલાને છાંયે મૂકીને ફોર-વ્હીલરની રાહ જોવાતી રહી. રેતીનું વધુ પ્રમાણ તેમજ કાંટાળ કાચી પટ્ટી જેવી નાનકડી કેડીમાં મોપેડ કે અન્ય ટુ-વ્હીલર ચાલવું અઘરું હતું. એવામાં એ જ પ્રસંગમાં જઈ રહેલા વ્યક્તિની સ્કોર્પિયો આવી અને અમે તેમાં બેઠા. ગિરદ અને નાનકડી કેડીમાં સામેથી વાહન આવે તો ‘શાણી બકરીઓ’વાળો પદાર્થપાઠ બંનેએ અમલમાં મૂકવો પડે તે નક્કી હતું.

“મોટા ભા ! જેરૂપનું ઘર કટે હે?”
“જેરૂપ…ઈ કૂણ સે? એના બાપાનું નામ હોય તો જાણ પડે, બાપુ. ગોમમાં નોનાને કોઈ જાણે નંઈ !”
“હિરાભાઈ ને?…ખેંગારજીનો કૂવો કટે આયો? અટે રાવણો સે એના કૂવે !”
“રે ભા, ઓંયથી સીધા. કેંય આડું નંઈ !”
“ભલે ભલે … ભા !”

અંતે, ખેંગારજીનો કૂવો આવ્યો. ગામના પટેલપુરા ફળિયામાં એક ઘરથી બીજું ઘર નજરે ન ચડે એટલા દૂર-દૂર મકાનો. તેઓની વાડીએ જ્યાં બોરવેલ કે કૂવો હોય ત્યાં જ મકાન બનાવીને ખેતરમાં વચ્ચે રહેઠાણ બનાવે. ગાડીમાંથી ઊતરીને જોયું તો સફેદ કેડિયું, પહેરણ અને ફેંટામાં સજ્જ કુટુંબના સભ્યો અને અન્ય પાડોશીઓ મૌજુદ હતા. દરેક પુરુષોનો જમાવડો ઘરની બહાર અને લીલી વાડીઓથી ઘેરાયેલ ખાલી જગ્યામાં બાંધેલ કાપડાંની નીચે હતો. દરેક સ્ત્રીઓ સાડલાનો સંપૂર્ણ ઘૂમટો તાણીને એકસરખા લાલ વસ્ત્રોમાં ઘરની અંદર બેઠી હતી. પુરુષોના જમાવડામાં એક ‘અઘોરી સંત’ પ્રકારના બાપુ હાથમાં અફીણની ચિલમ લઈને ફૂંકતા હતા. તેની સાથે બીજા ચાર-પાંચ સભ્યો ‘બાપજી…બાપજી…’ કહીને પોતાનો વારો લેતા હતા. બીજી તરફ યજમાનમાંનો કોઈ પુરુષ ટુવાલને પાણીમાં ભીનો કરીને તેના છાંટણા બેઠેલ મહેમાનો પર પવન સ્વરૂપે તેને ફેંકીને પોતાનું પૌરુષ દર્શાવતો હતો અને માહોલમાં ઠંડક ભરતો હતો. એટલામાં વરરાજાનો નાનો ભાઈ કલરે-કલરની ગળી ટીકડીઓ લઈને આવી પહોંચ્યો. જેમાંથી સૂકી ખારેકની લણણી વધુ થઇ.

રસોડે ચપ્પલ કાઢીને જમવાની તેઓની રીત જોઇને સુખદ આશ્ચર્ય અને
નવાઈ લાગી. ‘અન્નને દેવ માનવો’ એ માત્ર પુસ્તકિયું ન થતાં અન્ય માટે ઉદાહરણરૂપ બની રહ્યું. જમતા પહેલા હાથ ધોવા માટે મૂકેલા પાણીના ટેન્કર સાથે જોડેલી પાઈપલાઈનના નળ નીચે ઘાસની પૂણીઓ ગોઠવેલી હતી જેથી પાણી તેમાં શોષાઈને જમીનમાં નીચે ઉતરી જાય. કુટુંબ તેમજ અન્ય સભ્યોએ તાંસળી ભરીને છાસ પીધી, થાળી છલકાઈ ઉઠે એટલા ભાત અને અનલિમિટેડ માત્રામાં મોહનથાળની જિયાફત ઊડાવી. તેમનો ખોરાક જોઇને સાનન્દાશ્ર્ચર્ય જરૂરથી થયું.

જમીને બેઠા એટલીવારમાં ગામના નેતા પ્રકારના વ્યક્તિનું ‘સફારી’ પ્રકારના પરિધાનમાં આગમન થયું. ખેડૂતો તેમણે માઈ-બાપ કહીને સંબોધવા લાગ્યાં. કોઈક ઝૂકીને પ્રણામ કરતું હતું તો કોઈ દૂરથી નમસ્કાર. દરેકની પીઠ થપથપાવીને તેઓ ‘હું તમારી સાથે જ છું’ – પ્રકારનો આનંદ વહેંચી રહ્યા હતા. અંતે, ત્યાંથી ઉભા થઈને નીકળ્યા. વડલે મૂકેલી ટુ-વ્હીલર પાસે પહોંચ્યા. કાળઝાળ ગરમીથી બચવા વડલાની નીચે દરેક પશુઓ પોતાનું રેત-ખાળિયું કરીને બેઠા હતા. કોઈ રેક વિના જ નીચે ગોઠવેલી બરણીઓમાંથી એક દુકાનદાર લોકોને બીડી કે તમાકુ આપીને ‘જમ્યા પછીની મોજ’ કરાવતો હતો. વળી, ક્યારેક દુકાનની બહાર પડેલા પરબમાંથી વડલાની નીચે બેઠેલા પશુઓને પાણી છાંટીને શાંત કર્યા કરતો હતો. વળી, પાટલા પર બેસીને મોં પર રૂમાલ ઢાંકી દીવાલને ટેકે એ ય આરામ કરી લે. છેવટે, ફરી એ સફર પૂરી કરીને કેટલાંક સંભારણાઓનું ભાથું લઈને અમે ઘરે પાછા ફર્યા.

કેમેરાની કમી બહુ સાલી. કેટલીયે એવી અન-યુઝ્યુઅલ ફ્રેમ્સ મળી જે કેન્ડીડ ફોટોગ્રાફ બની શકે તેમ હતા. પરંતુ, ફરી ક્યારેક એ રસ્તે જતી વેળા વાત. જો કે, અમુક હૃદય સુધી પહોંચેલી વાતો માત્ર પોતાની ડાયરીના સંસ્મરણો તરીકે સચવાઈને રહે એમાં પણ અલગ પ્રકારનો આનંદ હોય છે. આનંદપૂર્વક આવકાર અને પ્રસંગનું માંગલ્ય મ્હાલવા મળ્યું તે શહેરી દોડધામમાં શાંતિની તરસ છીપાવતો ટૂચકો બની રહ્યો.

(ફાલ્ગુનીના ઓફિસ મેમ્બરના નાનપણમાં થયેલા લગ્ન પછી તેની પત્નીનું પ્રથમ વખત આણું વાળવાનો પ્રસંગ. તા. ડીસા, ગામ-રામસણ. ૩૦-૪-’૧૭.)

related posts

હોળી પ્રગટે મારા ગામમાં !

હોળી પ્રગટે મારા ગામમાં !

જિંદગીમાં એક પણ દિવસ અસંતોષથી ન જીવો!

જિંદગીમાં એક પણ દિવસ અસંતોષથી ન જીવો!