છૂકર મેરે મન કો..કિયા તૂને ક્યા ઈશારા ?

છૂકર મેરે મન કો..કિયા તૂને ક્યા ઈશારા ?

પ્રેમકથાઓ કહેવી અને સાંભળવી, આ સામાજિક જીવનનો એક અગત્યનો હિસ્સો બની રહ્યો છે. ક્યારેક એ તત્વ ધીંગાણા કરાવે, તો કદી વેર શમાવે. રોજબરોજ બનતી ઘટનાઓની ઘટમાળને જો ખોલીને છૂટી મૂકવામાં આવે તો જીવનલક્ષી અતરંગી વાતોની મજા ખૂબ લિજ્જત સાથે માણી શકાય તેમાં કોઈ બેમત નથી.

નવજીવનની સામે દેવાશિષ એપાર્ટમેન્ટમાં બીજે માળે પાંચ-છ સૂરદાસ વ્યક્તિઓ રહે છે. તેના ઉપરના ફ્લોર પર હું લગ્ન પછી પણ બેચલર લાઈફની ચુસ્કીઓ મારી રહ્યો છું. આજે એ અંધમાંના એક એવા ભિખુભાઈ નામના અમારા એપાર્ટમેન્ટવાસી રૂમ પર છાસના પાઉચ ડેરી પરથી લઇ આવવા સાથેની માંગ લઈને આવ્યા. રૂમના અન્ય વ્યક્તિ માટે દૂધ-છાસ-બિસ્કિટના પેકેટ-બારણાને લોક-પાણી ગરમ કરવું-રોટલી બનાવવી…જેવી ઘણી બધી પ્રક્રિયાઓ બેચલર વ્યક્તિને માટે માથાનો દુ:ખાવો હોય છે. તેમાં ચપ્પલ પહેરી, પોતાની ગાડી લઈને, અમુકેક મીટર દૂર, દૂધ પાર્લરમાં બીજા માટે છાસ લેવા જવા જેવું કપરું અને આળસદાયક કામ બીજું એકેય નહિ. છતાં, મિત્ર શ્રેયસ છાસ લેવા ગયો – તેનું કારણ એક જ હતું કે એ પોતે જ એમની સિફારિશ કરવા અમારા પાસે આવ્યો હતો અને અમારામાંનું કોઈ ઉભું થઈને છાસ લેવા ગયું નહિ.

તે દરમિયાન ભિખુભાઈ જોડે વાતચીત શરુ થઇ. પાણીની તંગીને લીધે તેમના ઘરેથી કોઈ એક વ્યક્તિ તો અવશ્યપણે સવારે નાહવા માટે આવે અને અમે દરરોજ તેમની આ સૂરદાસપણાની તકલીફને સમજીને જવા દઈએ. ‘છૂકર મેરે મન કો…કિયા તૂને ક્યા ઈશારા’… ગીત વગાડતો હતો. જેવું ગીત શરુ થયું અને તરત તેઓ ગીતની ધૂન સાંભળીને ગાયક કડી શરુ કરે તે પહેલા ગાવા લાગ્યાં. તે પછી તો મેલોડિયસ સોંગ્સ સાથે વાતોનો દોર શરુ થયો. મે તેમની જોડે વાતો કરવાનું શરુ કર્યું.
“ભિખુભાઈ, તમને કોઈ છોકરી જોડે ‘ઢીંચેક…ઢીંચેક..’ નથી થતું ?”
“અરે ના..ના…” પછી તેમણે પોતાની સેડ વર્ઝનની ટયૂન ઓન કરી.
“હું સત્તર વર્ષનો હતો ત્યારથી આંખો જતી રહી. દેશમાં બાપા ખેતર સંભાળે. મેટ્રિક ’ને દસ-બાર તો જેમ-તેમ પૂરા કર્યા. પણ પછી દેખાતું ઓછું થવા લાગ્યું. ઘરે પૈસો નહિ ’ને ડોક્ટરે કીધું કે નસો સૂકાય છે ને એવું કઈ…”
માહોલ થોડીવાર ઉદાસીન બની ગયો. પણ પછી ફરીથી મેં પેલી ગર્લફ્રેન્ડવાળી વાત યાદ અપાવી. તેઓ ફરી રિચાર્જના મોડમાં આવી ગયા.
“હા, અત્યારે તો કોઈ નથી. અંધ સામે અંધ હોય તો જ સેટિંગ પડે. અંધ સામે જો નોર્મલ હોય તો તેવી છોકરી અમને લૂંટીને જતી રહે છે.” આટલું બોલીને તેઓ હસ્યા.

“પણ, એક વખત અમે કાર રેલીમાં ગયા હતા. મારો એક મિત્ર, તેની વાઈફ અને હું. હું તો કારમાં બેસવાની મજા લેવા જ ગયો હતો. એ વખતે મારા દોસ્તના ઘરનાંની બહેનપણી પણ સાથે હતી. વળી, તે અંધ હતી. તે દિવસથી ટકાટકી શરુ થઇ. તેની જોડે વાતો થયાં કરતી હોય છે. અમારો પ્રેમ પણ ડિફરેન્ટ હોય છે. દેખાય કશુંયે નહિ, છતાં ડંફાશો બહુ મારીએ. હું રોજ એને કહું કે, તારે માટે ચાંદ-તારા લઇ આવીશ. અને સામે છેડેથી એ ટોકે, તને એ દેખાતા હોય એમ હવા ઠોકે છે તેમાં ! અને અમે રોજે આવી મજાકથી હસી પડીએ.”
“કેવી વાતો ?”
“એવું કેવું પૂછો છો તમે ?” એમ બોલીને ભિખુભાઈ શરમાયા.
“ક્યારેક-ક્યારેક રાત્રે વાતો થતી રહે. અમારી વખતે એવું બધું તમારી જેવું હતું નહિ. માંડ ખબર પડવા લાગી ત્યાં આંખોએ દગો દઈ દીધો. હશે હવે ! જેવી એની મરજી ! અને દોસ્ત, જન્મજાત અંધ હોવું એ ઈશ્વરની ભેટ છે. જયારે અમુક વર્ષો પછી અંધ થવાય તેમાં ઉંમર તો વીતતી જાય પણ દૃશ્યો એ જ સમયના સ્થિર સ્ટેન્ડ બનીને ઉભા રહી જાય. એ બહુ અકળાવનારું હોય છે. મનની આંખોમાં જયારે એ સત્તર-અઢાર વર્ષની ઉંમરે જોયેલા દૃશ્યો દેખાય ત્યારે રડવા છતાં આંસુ પણ નથી લાવી શકતો.” તેમણે ઉમેર્યું.

“અરે, ભિખુભાઈ …તમારે મારી પાસે આવી જવાનું વાતો કરવા. ચિંતા નકો..નકો.. થોડી વાત તો કરો. અને, તમે આજકાલ કરો છો શું ?”
“ચેરીટેબલ ટ્રસ્ટમાં ફિઝીયોથેરાપીનું કરું છું. ત્રણ હજાર રૂપિયા મહિને પગાર આપે અને આપણો ખર્ચો નીકળે રાખે. બાકી, આપણે ખુદ્દાર છીએ. ભાઈ, ગાંધીનગર રે છે. પણ દર અઠવાડિયે તો ત્યાં જઈને ઉભું રહેવાય છે ભાઈ ? કપડાં જાતે ધોઈ નાખીએ અને વાહ વાહ. એકવાર આ જીવતર નસીબ થયું છે, આવતે ફેરે કીડી યે બની જવાય. હા…હા…કીડી બનીએ તો કેવી મજા આવે ? હું અંધ કીડો બનીને તમારે ભોંયરે આવું અને દાણાના કણની માંગણી કરતો હોઉં ! એટલે મજા કરી લેવાની. કાં તો સ્વીકારી લેવું અને કાં તો સંઘર્ષ કરતા રહેવું. પ્રશ્નો બંનેને અખૂટ હોય છે અને વાર્તાઓ પણ એટલી જ ! અંતે તો દરેક વ્યક્તિ પોતાનો મુદ્દો જસ્ટિફાઈ કરતો-કરતો જ મરી જવાનો છે.” ભિખુભાઈ એ વાત મજાકમાં કરી પરંતુ તથ્ય ઘણું હતું.

એટલામાં છાસનું પાર્સલ આવી ગયું અને તેમણે રજા લીધી. ફરી લાકડીની ટક-ટક સાથે તેઓ રસ્તો શોધતાંકને દાદર ઉતરી ગયા.

~કંદર્પ પટેલ.
(૨૩-૨-૧૭. સાંજે સાડા આઠ વાગ્યે, નવજીવન, અમદાવાદ – ૧૪.)

related posts

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

દિલવાલી દિવાળી (1/5)

દિલવાલી દિવાળી (1/5)