બોરતળાવ: સહેજ ખુલ્લા કોચલામાંથી દેખાતું અવિસ્મરણીય મોતી!

બોરતળાવ: સહેજ ખુલ્લા કોચલામાંથી દેખાતું અવિસ્મરણીય મોતી!

કાકા કાલેલકર. સવાયા ગુજરાતી.
પ્રવાસ વર્ણનો વારંવાર વાગોળવા ગમે. વર્ણનમાં કાલિદાસ અને કાકા બંને એક જેવા લાગે. રખડવાનો આનંદ વાંચો અને મેઘદૂત વાંચો તો જણાય કે ભાષાને કઈ ટોચ પર મૂકીને ગયા આ બંને શિખરદ્વંદ્વ.

‘રખડવાનો આનંદ’ પુસ્તકમાં એક સરસ મજાનું પ્રકરણ છે ‘સંધ્યારસ’. આ સંધ્યારસ પ્રકરણમાં કાકાએ ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે ‘બોરતળાવ’નું કઈંક આવું વર્ણન કર્યું છે.


ગૌરીશંકર તળાવ (બોરતળાવ)

ગૌરીશંકર તળાવનું દર્શન ઓચિંતું થાય છે. આપણે બગીચામાં ગયા, ઝાડની શોભા જોઈ, ચીની રકાબીના કકડાથી બનાવેલા નિર્જીવ હાથી, ઘોડા, સિંહનો રોફ જોઈ અને ઝાડ વચ્ચે લહેર કરતાં સજીવ પક્ષીઓનો કલરવ સાંભળી, તળાવને કાંઠે આવીએ, પગથિયાં ચડવા માંડીએ, ઠંડા પવનની શાંતિ અનુભવીએ, તોયે કલ્પના એકદમ જાણે આકાશ ચીરીને અપ્સરા પ્રગટ થઈ હોય તેમ સરોવરનાં નીર આપણી સામે સસ્મિત વદને જોઈ રહે છે. ભલે તમે એકલા જ સરોવરને દર્શને જાઓ, ત્યાં તમે એકલા રહેવાના નથી. આકાશનાં વાદળાં અને બધા કરતાં વિશેષ ઉતાવળે દોડી આવેલી સંધ્યાતારકાને તમારી સાથે જ સરોવરની શોભા નિહાળતી તમે જોશો.

સરોવરો હમેશાં નીચાણમાં જ હોય. ડુંગરની નીચે ઊતરીએ ત્યારે સરોવરનાં જળમાં પગ પખાળવા પામીએ. પણ આ તો જાણે ગંધર્વ-કાસાર; જાણે વાદળાં પીગળીને ટેકરીને માથે છલકાતાં હોય!

સામો કાંઠો દેખાય એવું સરોવર કોને ગમે? આટલાં પાણી ક્યાંથી આવે છે એવી અતૃપ્ત જિજ્ઞાસા જેની સાથે ન હોય તેના સૌંદર્યમાં દૈવી ગૂઢ ભાવ ક્યાંથી જડવાનો? રેલવેલાઇન પણ જો સાવ સીધી હોય તો આપણને ગમે નહીં. ઊંચાણ હોય, નીચાણ હોય, જમણી કે ડાબી બાજુ વાંકવળાંક હોય તો જ એ શોભે. સરોવર એક કંઈ ધોધ નથી કે ઊંચાનીચાની ક્રીડા બતાવે. ગૌરીશંકર ચારે બાજુની ટેકરીઓથી ઘેરાયેલું છે. પણ એ, ટેકરીઓ મરણિયા થયેલા વીરોની પેઠે ભીડ કરીને ઊભી નથી રહેલી; તેથી પાણીને આમતેમ બધી બાજુ ફેલાઈ જવાનો અવકાશ મળ્યો છે.

સરોવરના બાંધ ઉપરથી પશ્ચિમ તરફ જોતાં એકાદ અદ્ભુત નવલકથામાં નવે રસ ગૂંથેલા હોય તેમ જાત જાતના રંગ પાણીમાં ફેલાયેલા દેખાય છે. પગ તળે આત્મહત્યાનો ઘેરો લીલો રંગ જાણે ક્ષણે ક્ષણે આપણને અંદર બોલાવતો હોય એવો દેખાય છે. એમાં પણ બધે સરખાપણું નથી. કોક ઠેકાણે મેંદીના પાન જેટલો ઘેરો, તો કોક ઠેકાણે લીંબોઈના પાન જેટલો ઊંડો. ખૂબ નિહાળીએ ત્યારે લાગે છે કે એ પાણીનો રંગ નથી પણ પાણીમાં લપાવેલું સ્વતંત્ર ઝેર છે. સહેજ આગળ જુઓ એટલે નિરાશામાંથી. આશા પ્રગટ થતી હોય તેવો બદામી રંગ દેખાય છે. રંગ તો બદામી, પણ એમાં ધાતુનો ચળકાટ છે. આગળ જતાં, એ જ રંગ થોડુંક રૂપાંતર પામી નારંગી વર્ણે સંધ્યાનું ઉપસ્થાન કરતો દેખાય, છે. વાદળાંની જાંબુડી છાયા જો આડે ન આવી હોત, તો કોણ જાણે આ બાજુના નારંગી અને પેલી બાજુના સોનેરી વચ્ચે કેવી શોભા ખીલત!

આપણું ધ્યાન સોનેરી રંગ તરફ જાય એ પહેલાં જ મંદ મંદ વહેતો પવન જલપૃષ્ઠ ઉપર સૂક્ષ્મ વીચિમાલા ઉત્પન્ન કરી આપણને કહે છે, “સાંભળો આ સમયોચિત સ્તોત્ર.” સામેની ટેકરીએ માથું ઊંચું ન કર્યું હોત તો આ રસવતી પૃથ્વી ક્યાં પૂરી થાય છે અને નિઃશબ્દ આકાશ ક્યાં શરૂ થાય છે એ જાણવું કોઈ પંડિતને પણ અઘરું થઈ પડત.

ડાબી બાજુએ મેંદીની વાડ છે. સુઘડ વાડો જોવાનું કોને ન ગમે? પણ શૃંગારસાધિકા મેંદીનો શિરચ્છેદ મને જરૂર અસહ્ય લાગે છે. જમણી બાજુ જાણે સૂર્યનું તેજ ઠંડું પડેલું પણ થીજેલું નહીં એવું સરોવર, અને ડાબી બાજુ નીચે ઘાડી પાતળી ઝાડી. આવા પરસ્પર ભિન્ન રસ વચ્ચે જનકની પેઠે યોગયુક્ત ચિત્તે અમે આગળ ચાલ્યા. ત્યાં આવ્યો એક નિરાધાર સેતુ. સંસ્કૃત કવિઓએ એને જોયો હોત તો એનું નામ શિકયસેતુ જ પાડ્યું હોત. આ નિરાધાર પુલ આપણને હળવે પગે લઈ જાય છે પાણી વચ્ચે તપ કરતા ઋષિ જેવા એક બેટના જટાભારમાં. પુલની અધવચ પહોંચ્યા એટલે આતિથ્યશીલ જળ ચેતવે છે, “સાચવીને ચાલો, સાચવીને ચાલો.’ અને યોગ્ય તક જડતાં પાદપ્રક્ષાલન કરતાં પણ પાણી ચૂકે નહીં.

અને પેલો દ્વીપ? એ તો નીરવ શાંતિની મૂર્તિ. ચંદ્રમા પાણીમાં આટલો ખડખડાટ હસે છે છતાં એનો પડઘો ક્યાંય સંભળાતો નથી. જાણે કુદરતને બીક લાગે છે કે રખેને ધ્યાની મુનિની શાંતિમાં ભંગ થાય. આ. બેટમાં નથી રહેતા કોઈ સરપ કે નથી રહેતો. કોઈ કાકીડો. પક્ષીઓ હોય તોયે પોતાના માળામાં નિશ્ચિત સૂઈ ગયેલાં છે. આતિથેય મંડપ તળે અમે વિરાજમાન થયા. હવે તો પાણી ઉપર અજ્ઞાત અંધકારની છાયા ફેલાવા લાગી હતી. અષ્ટમીનું ચાંદરણું હવે સીધું સોંસરું ઊતરીને પાણીમાં વિષ્ટિ કરવા માટે ભેગા થયા હોય તેમ પશ્ચિમે ચળકતા હતા. પ્રકાશ અને અંધકારની સંધિ કરવાનો સંધ્યાએ અનેક વાર પ્રયત્ન કર્યો છે. તેમાં જો તે કોઈ કાળે ફાવે તો જ સુરઅસુરો વચ્ચે. કાયમનું સમાધાન થાય. જુઓ, બંનેના ગુરુઓ પોતાની દિશા ફેરવી પોતાની સ્વભાવોચિત ગતિએ ચાલ્યા જાય છે, અને સંધ્યાકાળની રક્ત કાલિમા બંનેને કશા પક્ષપાત વગર ઘેરી લે છે. હમેશ વિગ્રહ જ રાખે તેનો અસ્ત થવાનો જ.

હવે પાણીએ પોતાનો રંગ બદલ્યો. અત્યાર સુધી જાણે ચાંદીના રસ્તાઓ બનાવ્યા ન હોય તેવા પટાઓ પાણીના પૃષ્ઠ પર વગર કારણે દેખાતા હતા તે હવે બંધ થયા. ખેલ બહુ થયો. હવે ગંભીરપણે વિચાર કરવો જોઈએ, એમ કંઈક લાગવાથી હવે
પાણીની મુખમુદ્રા અંતર્મુખ થઈ છે. ટેકરીઓ હવે પ્રેતલોકના વાસનાદેહ વિચરતા હોય તેવી દેખાવા લાગી. વિસ્તીર્ણ શાંતિ પણ કેટલી અસ્વસ્થ કરી શકે છે એનો ખ્યાલ અહીં પૂરેપૂરો આવે છે. બધી ટેકરીઓ જાણે આપણો એક અવાજ સાંભળવાની જ
રાહ જોતી ન હોય! જરાક સાદ પાડીએ તો “હા! હા! એ આવીએ! એ આવીએ!


એમ કહેતી દોડતી આવશે એ વિશે જરાયે શંકા નથી રહેતી. પણ એમને બોલાવવાની હિંમત જ કેમ ચાલે? શું આ ટેકરીઓ મધરાતે કોઈ જોતું ન હોય ત્યારે કપડાં ચંદ્રમા મધરાત સુધી એકીટસે સરોવરમાં જોતો હશે. અને મધરાત પહેલાં જ શિશિરની ટાઢનું સામ્રાજ્ય શરૂ થવાનું. પછી ઉષઃકાલ પહેલાં માઘસ્નાન કરવાની
એમની મનીષા હોય તો કોણ જાણે. આવા કાંઈક પુણ્યસંચય વગર ટેકરીઓને પણ આટલી સ્થિરતા શી રીતે મળે?

એ પેલા પુલ પરથી કોક ચાલ્યું. પાણીમાં ખળભળાટ સંભળાય છે, અને એમાંથી નીકળતાં મોજાંનાં કૂંડાળાં દૂર દૂર દોડે છે. લોકો પોતપોતાનાં ગામડાંમાં રહેતા છતાં, જેમ ખબરો એમની મારફતે દૂર દૂરની મુસાફરી કરે છે, તેમ પુલ પાસેનો ક્ષોભ આ રીતે કિનારા સુધી પહોંચવાનો. શરીરમાં એક ઠેકાણે વાગે તો આખા શરીરને જેમ એની ખબર પડે છે તેમ પાણીનું પણ છે. પાણીની શાંતિનો ભંગ થાય તો એને પરિણામે એના ઉદરમાં પ્રતિબિબિત થયેલું આખું બ્રહ્માંડ ડોલવા લાગે છે.

હવે તારાઓનો રાસ શરૂ થયો. પાણીમાં એનું અનુકરણ ચાલતું દેખાય છે, પણ ભૂલોકનો તાલમાત્ર જુદો.


કાકાસાહેબ કાલેલકર

કાકા શા માટે ગમે?
એ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ અદ્ભૂત ફરજ બજાવે.
જેલમાં પણ એ કીડી અને મંકોડા વિશે લખી શકે. ખિસકોલીના ખેલને માણી શકે.
ભારતભરમાં રખડીને તેનો આનંદ લઈ શકે. હિમાલયના પ્રવાસોમાં આત્મદર્શન કરાવી શકે.
લુચ્ચો વરસાદ લખીને વિદ્યાર્થીને સમગ્ર જીવન સુધી એ પ્રકરણ યાદ રખાવી શકે.

પોતાના લખાણને અમરત્વ પમાડવા સુધી લાગણીમાં તરબોળ કરી શકે તે એટલે કાકા કાલેલકર. તેમને વાંચો તો જીવનની અઘરી પરિસ્થિતિમાં રમૂજ કરાવી સામે અને હળવું ફિલ કરાવી શકે. કદાચ, એટલે જ હું હંમેશા કશું જ ન સૂઝે તો કાકાને વાંચવાનું પસંદ કરું. તેઓ એવરગ્રીન છે.

related posts

Experience

Experience

જીવનને સાર્થક કરતુ ‘સમર્પિત સૌંદર્ય’…

જીવનને સાર્થક કરતુ ‘સમર્પિત સૌંદર્ય’…