#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

ગુજરાત વિદ્યાપીઠ પાસેથી ભાવનગર – શિરોહી એસ.ટી. બસમાં ડીસા આવવા નીકળ્યો. બસમાં માત્ર ત્રણ પેસેન્જર જ હતાં. રાણીપ બસ સ્ટેન્ડ આવ્યું અને કંડકટરે દસ-પંદર મિનિટનાં હોલ્ટ માટે ગાડી થોભાવી. હજુ કંડકટર નીચે ઊતરે એ પહેલા જ અમુક દરિદ્રનારાયણ પ્રકારનું ટોળું શિરોહી પહેલાનાં કોઇક ગામ તરફ જવાં માટે ધક્કામુકકી કરવા લાગ્યા.

તડકાનો ડ્રાઇવર ગુસ્સે થઇને બોલ્યો, “હે સગળા કાય આહે માસ્ટર, એ કોણ આહે? સદ્યા ત્યાલા બાહેર કાઢ…”

“નિરાંતે ચડો સૌ. બસ ઊભી જ રહેવાની છે.”

બસ ઉપડી એટલે મારી બાજુમાં બેઠેલા એક સજ્જને કહ્યું, “ડ્રાઇવર તરફ બેસો. એ તરફ તડકો આવશે.”
હું થેલો લઇને એમની બાજુમાં બેઠો. હજુ અડધી બસ ખાલી હતી. હું ‘આશકા માંડલ’ વાંચી રહ્યો હતો.
“ક્યુ પુસ્તક વાંચો છો?”
“બસ, કશું નહીં. નવલકથા છે.”

તેઓ નજીક આવ્યાં. ચશ્માં ચડાવીને પુસ્તકના ઉપલા કોર્નર પર લખેલ ટાઇટલ વાંચ્યું.

“અરે, બહુ વખત અને બહુ વખત થયે, વાંચી આશકા માંડલ.” ચશ્માં ઉતારીને મારી તરફ જોઈ બોલ્યાં.
“અશ્વિની તો અશ્વિની હતો.”
જેમના પ્રત્યે પ્રેમ હોય, તેને તું-કારથી બોલાવીએ તો જે-તે વ્યક્તિનું સન્માન વધી જતું હોય છે. તેઓએ વાત આગળ વધારતાં કહ્યું,
“એને હું ત્રણ વખત મળ્યો છું. અમારે ભાવનગર SNDT યુનિવર્સીટીમાં આવેલા. એમની સ્પીચ હતી. હું સાંભળવા ગયેલો. હપ્તાવાર કટિંગ્સ હું સાચવી રાખતો. એમની નવલકથા પબ્લિશ થાય એ પહેલા મારી પાસે કટિંગ્સ તૈયાર હોય. એ કટિંગ ભેગાં કરીને તેની બુક બનાવતો. ઘરે પેપરથી વધુ સાહિત્ય ખરીદી શકાય તેવી પરિસ્થિતિ નહોતી. અશ્વિનીભાઈની દરેક નવલકથાઓની નાયિકા મારા માટે આદર્શ બની જતી. ગજબનું આકર્ષણ ઊભું થતું. આશકાનો હું એટલો મોટો આશિક હતો કે મારી પત્ની ને પણ હું ‘આશકા’ કહેતો. એ હંમેશા ચીડાઈ જતી અને મને તેની સાથે સરખામણી કરવાની ના પાડતી.”

“અચ્છા. શું વાત છે? આપનું નામ શું?” મેં જાણવા ખાતર પૂછ્યું.

“વિષ્ણુ પંડ્યા. પણ એ તો ઠીક, મને અશ્વિની ભટ્ટને લીધે મારે ઘરમાં જે ઝઘડો થતો એ કહેવો છે.”

“બેલાશક.” મેં પણ અશ્વિની ભટ્ટનો શબ્દપ્રયોગ કર્યો.

“હું જ્યારે મારી પત્નીને ‘આશકા’ કહું ત્યારે એ કશું ન કહે. પણ, જ્યારે મહિનો પૂરો થવાનાં પાંચ-સાત દિવસ બાકી હોય ત્યારે એ હંમેશા ‘શૈલજા’નું ઉદાહરણ આપે. એ કહે, હું ભલે આશકા ન હોઉં, પરંતુ તમે શૈલજાના સંજીવ જેવું ઘર તો મને આપો. મહિનો પૂરો થતો નથી, તાણમાં ને તાણમાં મહિનો ખેંચવાનો. તમેય સાગરમહાલ બનાવી આપો એટલે હું ‘આશકા’ બનવા તૈયાર જ છું. બોલો, છે મંજૂર?”

“એ પછી હું ચૂપ થઈ જાઉં.” અને, અમે બંને હસી પડ્યાં.

“પરંતુ, જ્યારે અમારી વચ્ચે ઝઘડો થાય ત્યારે અમને ભેગા કરવા માટે પણ અશ્વિનીભાઈની નવલકથાનું કોઈક પાત્ર જ અમારું કાઉન્સેલિંગ કરતું. એ પાત્રને ધ્યાનમાં રાખીને અમે ચર્ચાઓ કરતાં. નવલકથામાં તેઓ કઈ રીતે મળ્યાં હતાં? આવા પ્રશ્નો પૂછીને અમે એકબીજાને જવાબો આપતાં. એ પણ અશ્વિનીભાઈને બહુ વાંચતી.”

મેં તેઓને અટકાવ્યા નહીં. તેમની વાતોમાં તણખો હતો. તેઓ ગુજરાતી સાહિત્યમાં ભવ્ય ભૂતકાળનાં સાક્ષી તરીકે બોલી રહ્યાં હતાં.

“હું આવા જ તડકામાં ભાવનગર છેકથી એમ.જે. લાઈબ્રેરી સુધી આવેલો છું. તડકે ઉભા રહીને નવું સંસ્કરણ વહેંચાય તેની રાહ જોઇ છે.”

“પહેલાં લોકો બસ, ટ્રેન કે રીક્ષામાં બેસે તો પણ તેમનાં હાથમાં પુસ્તક, મેગેઝિન કે અન્ય કશુંક વાંચવા માટે હોય જ ! આ દરેક વસ્તુઓ વિશ્વ સાથે નાતો બાંધતા શીખવતી હતી.”
ત્યાં એક છોકરો અંબિકાથી ચડ્યો અને ડ્રાઈવરે તરત જ બ્રેક મારી. એ હજુ બેગ ગોઠવતો હતો એટલે એ ધક્કો મારી બાજુમાં રસપૂર્વક વાત કરી રહેલા અંકલને વાગ્યો. એટલે તેમણે આગળની વાતને જ જોડી દીધી,
“પણ આ ઈયરફૉન્સો એ તો દાટ વાળ્યો છે. મારા બેટા પંદર-વીસ વર્ષના છોકરડાઓ જયાં હોય ત્યાં ભાટકયા કરે છે ‘ને ભટકાયાં કરે છે. કોઈ વાતમાં ધ્યાન જ નથી હોતું તમારે !”

“પણ હા, અશ્વિની મારી પત્ની જોડે ક્યાંક ચાલું ના થઈ ગયા હોય તો સારું. એ પણ જતાં રહ્યાં અને પેલીયે મને છોડીને એ જ મહિને જતી રહી. છેલ્લે જતી વખતે પણ મને ‘શૈલજા’નો ટોણો મારીને ગઇ.” તેઓ થોડા ગમગીન થયાં પણ ફરી સ્વસ્થ થઈને વાતો શરુ કરી.

અંતે, ઘણાં પ્રસંગો સાંભળીને મજાની સફરની ટૂંકી મજલ કાપી.

એક સાચો લેખક કોઈના ઘરમાં આવો પ્રેમસંબંધ પણ ઉભો કરી શકે!

related posts

“મેઘદૂત” -કાલિદાસ

“મેઘદૂત” -કાલિદાસ

“એ જિંદગીના અમૂલ્ય 30 કલાક…..”

“એ જિંદગીના અમૂલ્ય 30 કલાક…..”