એક સારો એન્જિનિયર પ્રાથમિક શાળાનો શિક્ષક કેમ ન બની શકે?

એક સારો એન્જિનિયર પ્રાથમિક શાળાનો શિક્ષક કેમ ન બની શકે?
  • સ્થળ: નવા વાડજ મ્યુનિસિપલ શાળા નંબર ૩-૪, ભરવાડવાસ.

મુખ્ય શિક્ષક/આચાર્યા: કિન્નરીબેન

બપોરના સાડા અગિયાર વાગ્યા આસપાસનો સમય. નવા વાડજના ભરવાડવાસ ખાતે મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળા નંબર ૩,૪ આવેલી છે. શિક્ષકો બાળકોના ગ્રૂપમાં મોટા મેદાનની બહાર ક્લાસ લઈ રહ્યાં હતાં. પતંગના બંચ લઈને હું આચાર્યા ઓફિસમાં પહોંચ્યો. હસતાં ચહેરે (ગવર્મેન્ટ સ્કૂલ છે!) આવકાર આપ્યો. એક છોકરાને પાણી લઈ આવવા કહ્યું.
‘ટેક ઈટ, સર પ્લિઝ.’ હું એ છોકરા સામે જોઈ રહ્યો. કારણ કે, તેના જેટલી ઉંમરે કે હજુ આજે પણ આવું બોલતા નથી આવડતું. મેં કહ્યું, ‘થેંક યુ, સર.’
‘યૂ આર વેલકમ, સર. વેલકમ ટુ અવર સ્કૂલ.’
આવું કહીને તે નીકળી ગયો. પછી મને તેમના મુખ્ય શિક્ષક કિન્નરીબહેને સ્કૂલ વિષે કહ્યું.
“આ ૨૫,૦૦૦/-નો ચેક આપણી શાળાના વિદ્યાર્થીને વડાપ્રધાન તરફથી મળ્યો છે. લેખનમાં ખૂબ સારો છે અને અવનવું વિચારી શકે છે અને તે લખી શકે છે.”
હું ખરેખર અચંબિત રહી ગયો.
તેમણે વાત આગળ વધારતાં કહ્યું, “હું પોતે DDIT પાસઆઉટ છું અને મેં કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. ત્યારબાદ, મેં B.Ed અને MA કર્યું છે.”
એક શિક્ષક ઇજનેર બનીને શિક્ષક તરીકે કામ કરી રહ્યા હોય ત્યારે ત્યાં ખાસ વાતાવરણ હોય. સમગ્ર રૂમમાં ટેલેન્ટેડ વિદ્યાર્થીઓના કટિંગ અને એચીવમેન્ટ લખેલ હતી.

આ સ્કૂલ ભરવાડવાસમાં હતી, એટલે ઓબ્વિયસ વાત છે કે ત્યાં તબેલા, મળમૂત્ર અને થોડું અસ્વચ્છ વાતાવરણ હોય. અને, હતું પણ એવું જ!
પરંતુ, આ શાળામાં પગ મૂકતાં જ ચોખ્ખાઈ આંખ સામે તરવરે. શાળા અને આજુબાજુની જગ્યા અંગે કોન્ટ્રાસ્ટ જોયા પછી શાળાની કામગીરી અંગે જાણવાની અપેક્ષા વધી ચૂકી હતી.
હું હજુ વિચારું તે પહેલા જ તેઓ મને એક દીવાલ પર ટીંગાડેલી ફ્રેમ્સ બતાવી. ફોટોગ્રાફ્સમાં જોયું તો કેટલાંક એવોર્ડ્સ પકડીને વિદ્યાર્થીઓ ઊભા હતાં. આ એવોર્ડ્સ ‘સ્વચ્છતા’માં રાજ્યસ્તરે પ્રથમ ક્રમે રહ્યા હોવાનો હતો.
એટલીવારમાં એક બહેન તેમને મળવા આવ્યા. તેમણે કહ્યું, ‘મારા સોકરાનું નામ કમ કર દ્યો, ટીસર બેન… મું એની નિહાર ભણવા મેલું સ ને ઇ ગોમમાં રખડવો ભાગી ઝાય સ. માર નહ ભણાવવો.’
આ બહેનને તેમણે શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું. શિક્ષણ બાળકના જીવનમાં કેવો રોલ ભજવે છે, તેના વિષે કહ્યું. કેટલાંયે ઉદાહરણો આપ્યા અને દીકરાને ભણાવવા માટેનું પ્રોત્સાહન આપ્યું.
“શું તમારા છોકરાને રીક્ષા ચલાવતો કરવો છે? ગેરેજમાં ગાડીઓ રિપેર કરવા બેસાડવો છે? કે પછી ભણીગણીને સારી જગ્યાએ નોકરી ધંધો કરતો દેખવો છે?”
આવું કહીને તેમને સમજાવ્યા. આજે પેરેન્ટ્સ પર્સનલ પ્રોબ્લેમ્સ માટે પણ આટલું કન્સલ્ટિંગ નથી કરતું. જ્યારે અહીં તો પરિસ્થિતિ જ વિરુદ્ધ છે. છેવટે વર્ગખંડમાં હું પ્રવેશ્યો.
વિવિધ કવિતાઓ અને નાવીન્યપૂર્ણ જોડકણાઓ સાંભળીને ક્રિએટિવિટીની સુગંધ સહેજે આવતી હતી. છેવટે તેઓએ કહ્યું, “મુલાકાત લેવા બદલ આભાર, સર! અમારી સ્કૂલમાં દસેક વિદ્યાર્થીઓ એવા છે કે જે અહીં-તહીં રહીને જીવી રહ્યા છે. તેઓ અનાથ છે અને મુખ્ય વાત એ છે કે તેઓ હોંશિયાર છે.

અહીં શિક્ષણની તાકાત સમજાય. જે ગવર્મેન્ટ શાળામાં ઇજનેર મુખ્ય શિક્ષક હોય, ભણ્યા પછી પણ બીજી બે શાખામાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય ત્યાં જ પુરુષાર્થ દેખાઈ આવે. જે રસપૂર્વક તેઓ વિદ્યાર્થી અને વાલીઓનું કન્સલ્ટિંગ કરી રહ્યાં હતાં તેવું માત્ર ‘પગારદાર માસ્તર સાહેબો/મેડમો’ની ત્રેવડ નથી.

આ જ તમે જે શીખ્યા છો તેનું પ્રતિબિંબ છે. આજે કોઈ સ્કૂલનો ટોપર, તેને મનપસંદ ફિલ્ડની પસંદગી કરે, તેમાં કામ કરવાનું વિચારે, તો જરૂરી નથી કે તે નબળો છે અથવા તેનું ફિલ્ડ અલગ છે. અલગ તો વિચાર કરનારી વ્યક્તિ છે, જે એવું માને છે કે અમુક પ્રકારની વ્યક્તિને અમુક પ્રકારનું જ કામ કરવું જોઈએ.

છેવટે, તે શિક્ષિકા બહેને કહ્યું, જો તમે શાળામાં લિટરેચર સંબંધી ઇવેન્ટ્સ કરવા માંગો છો તો મોસ્ટ વેલકમ છે. અમને ખૂબ ગમશે.

related posts

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

#સફરનામા (બેગપેકર્સ : પ્રવાસ, ઈતિહાસ અને ધર્મ)

#સફરનામા (બેગપેકર્સ : પ્રવાસ, ઈતિહાસ અને ધર્મ)