‘ગીતાંજલિ’, સુરતના ઠેકાણાનું નામ મારી પ્રસૂના નામ પરથી. ના, નહીં. જરાયે બંગલો નથી કે કુટુંબમાં સાહિત્ય પ્રત્યે ઊંડી સૂઝ નથી કે નથી રવીન્દ્રનાથ ઠાકુરનું કોઈ કનેક્શન. બસ, છે. આવું જ છે. સામાન્ય ગાળા પ્રકારનું મકાન અને અમારા માટે એ ધરતીનો છેડો.
સૌથી પહેલા હું અમદાવાદ દોડી આવ્યો. એ પછી ધીરે-ધીરે ઘરના દરેક સભ્યોને અહીં સાથે ભેગાં કરવાની જવાબદારી આજે બે વર્ષે પૂરી કરી. પણ, એ સુરતનું ઘર છોડતાં અચકાટ અનુભવાય, ક્યાંક ઊંડે-ઊંડે અસહ્ય વેદના જેવું ખૂંચે પણ ખરાં! કારણ કે, તે ચાર દીવાલોની વચ્ચે અમારા ચારનું જીવન એક પેઢી આગળ નીકળી ગયું. પહેલે દિવસે પપ્પા મારી જેવડા જુવાન હશે, આજે હું એના જેવડો. એ સૌરાષ્ટ્રના ગામડામાંથી સુરત પહોંચ્યા, હું સુરતથી અમદાવાદ. દર પેઢીએ ગામ બદલવાનું જાણે નક્કી જ ન કર્યું હોય!
ખૈર, સમય, સંજોગ, સ્થળ અને સર્કમ્સ્ટન્સ આ ચારેયના આધારે લેવાતાં નિર્ણયોમાં પોતે સાધન બનીને સાધ્ય માટે કશુંક છોડવું પડે છે. સાડા ત્રણ મહિનાથી લઈને પૂરા બાવીસ વર્ષ. અલમોસ્ટ જન્મથી લઈને પરિપક્વતાથી એક માઈલ છેટે સુધીની દરેક ઘટનાઓનું સાક્ષી એટલે ‘ગીતાંજલિ’.
એની વે, અમારા ઘરમાં પહેલી રૂમ, રસોડું અને છેલ્લી રૂમ આવું કશુંક નામકરણ હતું. પહેલી રૂમ અમારો દીવાનખંડ, રસોડું અમારી રસવતી અને છેલ્લો રૂમ મારો ‘તોફાનોનો રૂમ’. આ જ છેલ્લા રૂમમાં બેસીને આંખો ફાડીને વાંચ્યું. ઢગલો ટકા લાવ્યા અને મબલખ પારિતોષિકો અને ઇનામો મેળવ્યાં. હજુયે દીવાલ પર પોસ્ટર્સ અને ફ્રેમ્સ લટકે છે.
ખૈર, એક દિવસ એવું બન્યું કે, દિવાળીનો દિવસ હતો. પપ્પાને તેજી જેવું
હશે, કે પછી મારા મનમાં છૂપાયેલી જિદને ઓળખી પુષ્કળ ફટાકડાઓ લઈ આપેલા. વિવિધ પ્રકારના, ભિન્ન ભિન્ન રીતે ફોડવાના. રંગીન માચિસ સળગાવી. ઓલવાઈ નહીં અને આંગળીએ અડવા આવી. એ સળગતી દીવાસળી પડી સીધી ફટાકડાંના ટોપલામાં. ઘરમાં જ ધડાધડ. દે ધનાધન, ચારેકોર ધૂમાડો-ધૂમાડો. ગાળામાં આડા રોકેટો દોડે અને ચકરીઓ લાદી પર ચકરીએ ચડી. દાડમો ફૂટે અને લવિંગીયા ફૂટુક-ફૂટુક થયાં કરે. પહેલી રૂમમાં કોઈ આવે એ પહેલા તો માહોલ જામી ગયેલો. મારી ગંજીમાં કાણા અને લવિંગીયાની ડટ્ટીઓ સટ્ટાક કરતી વાગે. પણ ભૂલ આપણી એટલે શું બોલીએ? મારો ભાઈ હજુ એકદમ નાનો હતો. એ ઘોડિયામાં અને હું એની બાજુમાં આ કાંડ કરું. પછી જે મેથીપાક મળ્યો છે એ આજેય યાદ છે. જો કે જીવનમાં મારા અનેકાનેક તોફાનોને લીધે સાતમાં ધોરણ સુધી એવરેજ દરરોજ મેથીપાક ખાધો છે.
સ્કૂલમાં ટેન્શન એ હતું કે, ક્લાસમાં મોનિટર પણ હોઉં, છતાં તોફાનમાં નામ આપણું જ હોય. ટકા આવે, પહેલો નંબર આવે એટલે દર વર્ષે પ્રિન્સિપાલની કેબિનમાં પહોંચી જવાનું અને બાકીના દિવસોમાં એ જ પ્રિન્સિપાલ પાસે માફીઓ માંગવા જવાનું. પણ, એક યાદ આવે છે તે વાત એટલે ઘરમાં પહેલું અને નવું લીધેલું ગોદરેજનું ફ્રીજ. એના ખોખામાં મહિનાઓ સુધી છૂપાઈ છૂપાઈને રમ્યો છું. સાંજે નવ વાગ્યે ડૉ. પપ્પા ઘરે આવે એટલે ફ્રીજના ખોખામાંથી અલગ અલગ જગ્યાએથી ‘હાઉકલી’ કરવા બહાર નીકળવાનું. શેરીઓની છોકરીઓના વ્રત વખતે બહાર જવાની અને એમની સાથે રમવાની અદમ્ય બાળઇચ્છા, એ ઇચ્છાને રોકી રાખવા માતુશ્રી દ્વારા દેવાયેલું બારણાનું ઉપલું સ્ટોપર અને એ સ્ટોપરને ખોલવા જતાં નીચે પડ્યાનું યાદ આવી રહ્યું છે. હાથ ભાંગ્યો. પીરસતી મમ્મી અને ભાખરી ખાતાં પપ્પા, રસોડામાં જ બધું પડી મૂકીને આખી રાત હોસ્પિટલમાં ભાગ્યા. સ્કૂલમાંથી આવતી નોટિસો બનતા સુધી ઘરે ન પહોંચે અને રસ્તામાં જ રફેદફે થઈ જાય તેવું બનાવટી નાટક હંમેશા કરવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે.
મમ્મીના પર્સમાં નાની ખીચીમાંથી સમોસા અને પફ ખાવા માટે રૂપિયાની ચોરી, મંદિરમાં ઉપરની બાજુએ રાખેલા અગરબત્તીના પેકેટની નીચે રાખેલા કપડાંની નીચે છુપાઈને રાખેલા સિક્કાઓની ઉઠાંતરી, એક રૂ. નો સિક્કો નાખીને ૧૦૦ નંબર પર પોલિસને કૉલ લગાડીને ભાગવું, જેને ખીજવવાનો હોય તેની ડાયરીમાંથી રિસેસમાં દાદાનું નામ વાંચીને તેની જાહેરસભા કાઢવી, ચાલુ પિરિયડમાં નીચે બેસીને આઈ-પોડ્સમાં નવા બોલિવુડના ગીતો સાંભળવા, સ્કૂલ છૂટ્યા પછી મસાલા પાંવ ખાવા માટે શેરીમાં દરેકને લખોટી અને સમોમાં હરાવવા અને બધું હારી ગયા પછી પૈસા મૂકાવીને તે ભેગાં કરવા, રસ્તે ચાલતા ઘરડાં દાદાની ચુગલી કરીને ભાગવું, ટયૂશન ક્લાસની બહાર ચીપકાવેલા રેન્કર્સના પોસ્ટરમાં તેમની આંખનો નિશાનો લઈને ફાડવા, દિલ્લગી અને મજાની મીઠી સોપારીના પેકેટોનું પેન્ટ ધોતી વખતે મુદ્દામાલ જપ્ત થવો-હિરાસતમાં કેદ કરવો-જાપ્તો ગોઠવવો, ડાયરીમાં સરખું લેશન ન લખી લાવતા અને વેઠ વાળતાં ઘરે પહોંચ્યા બાદ એનકેન પ્રકારે શરીરના દરેક અંગોને વાળવાની પ્રક્રિયા શરુ થવી, વાળ કપાવીને પાછાં આવવું-કોઈને બતાવ્યા વિના સીધા નાહી લેવું અને ચીપકું થઈને બહાર નીકળવું-ઘરમાં જન્મદાતાઓનું વાળની લટ પકડીને તેની લંબાઈ માપવી અને છેવટે ફરીથી એ જ દુકાને વાળ કપાવવા મોકલવો, ફિલિપ્સના રેડિયોમાં જૂના ગીતોની કેસેટોને ચડાવી એફ.એમ.માં આવતા નવા ગીતોની રેકોર્ડેડ કેસેટ્સ બનાવવી, વિડિયોમાં સસ્તામાં ફિલ્મો જોઇને વધેલા પૈસાનો ઢોસો ખાઈ જવો અને છતાં ઘરે આવીને પૂરું ભાણું જમવાનો શિરસ્તો જાળવી રાખ્યો હતો. હાથ-પગ તોડવા અને ફ્રેકચર કરી હોસ્પિટલમાં દાખલ થયા કરવું…અને છેલ્લે, સેલરીના અંકમાં થોડોક ઉમેરો કરીને, ખોટું બોલીને, સુરતથી અમદાવાદ આવવું. અંતે, સૌ સારાવાના થયાં.
કક્કોથી માંડીને જીવનના બારાક્ષરી સુધીના પાઠો સંસ્કાર સ્વરૂપે શીખવનાર બંને આજે અમારી સાથે સાથે તેની અત્યંત ખુશી છે.