પ્રેમ-અપેક્ષા વગરનું સમર્પણ….

‘છોકરી અચાનક સાવ આંખો ઢાળે, અને છોકરો નવી નોટના પાના ફાડે’ ની ઉંમર જીવનમાં એક જ વાર આવતી હોય છે. એ જ તો ટીનએજ છે ને યાર…! જો ઉંમર આવી ના રહી હોય તો અખો મનખાદેહ એવો ફ્લોપ ગયો – ગરોળી કે ગોકળગાયનો અવતાર મળ્યો હોત તો પણ ચાલી જાત કદાચ….

“એક છોકરો ગંજીપાનો કાચો મહેલ, એક છોકરી યાને કે ફૂંક….બંને સામ-સામેની બારીએથી કરતા હાઉક…” મોસમ વરસાદની છે. ખુશ્બુ પ્રેમની છે. ભીનાશ હૃદયની છે. વાતાવરણમાં થોડી ઠંડક સાથે ગરમાહટ છે. કામણ કાનુડાના છે અને રૂપના અંબર સમી (સેટિંગ વાળાને રાધા – બાકીનાને ગોપી) ઓ છે. ચેટ અને એસએમએસ આવી જતા સેટિંગ તો થાય છે પણ …આ હા હા હા…. ‘લાઈન મારવા’ જેવી મજા અને લિજ્જત સર્કસના સિંહની ગર્જનાની જેમ વિલુપ્ત થતી જાય છે.  ‘લાઈન મારી’ને છોકરીને ‘ચાલુ કરવી’- ભલે શબ્દકોશ સ્વીકારે નહિ, ગુજરાતી ભાષાના આ તો સૌથી માનીતા અને મોજીલા રૂઢિપ્રયોગ છે. મગજ બંધ થઈ જાય, ત્યારે જ દિલ ‘ચાલુ’ પડી જતું હોય છે! પ્રેમપત્રોની માફક આ ઉમદા ‘વારસો’- યોગ્ય તાલીમ અને અનુકુળ વાતાવરણના અભાવે દિવસે દિવસે ઉંધા છેડા સાડી તથા ગાંધી ટોપી- ધોયિતાંની જેમ લુપ્ત થઈ રહ્યો છે.

અરે..જોરદાર વરસતો વરસાદ શરીરને લથબથ ભીંજવી દે ત્યારે ‘મિસ અને કિસ ની એ મેચ કેવી ફિક્સ થતી..શબનમ જેવી છોકરીના લીપ્સમાં અટવાયેલો ઝાડની ડાળીએ ટીંગાતો અને એની આજુબાજુ ભમરડો બનીને એને ધરી રાખીને ફરતો…એ ખિસકોલીની જેમ ચડવું-ઉતરવું-ઉભવું-અથડાવું-દોડવું…જો અમથી પસાર થયા હોવ તો વારે-વારે રીવાઇન્ડ કરવાની ભરે મજા આવે. જાણે તાજી મૂછો અને ગુલાબી ગાલની પીપરમિન્ટ. ફિલ્ડીંગ ભરવાવાળા હમેશા બેન્કની લોન ભરવા જ આવ્યા હોય એવું લાગે. કારણ કે કુદરત એ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારથી ડિમાન્ડ તો માદાની રહી છે અને કળા તો નરને જ કરવાની હોય છે. અને બાકીના ને બેન્કના પગથીયા જ ઘસવાના હોય એવું લાગે.

મોટે ભાગે ‘લડકી’ ને ફેરવવાની ઉમર આવે ત્યારે ખિસ્સામાં તો ‘કડકી’ જ હોય. એમાય રસ્તા પર ‘તડકી’ હોય, પણ ગર્લ ફ્રેન્ડ ‘ફટકી’ હોય. ત્યારે પપ્પાના ખિસ્સાની ‘કટકી’ થઇ હોય, એમાય ઘરે મોડા પહોચીએ તો મમ્મીની ‘વડકી’ હોય.

આવા કેટલાય પેંતરા કર્યા પછી છેવટે નીચે સ્કુલ છૂટીને ઉભા રહેવા કે, ‘એની’ કોઈ ફ્રેન્ડ જોડે. સ્કુલ પૂરી થાય પછી એટીટ્યુડની દીકરી કઈ ખબર ના હોય એમ ઉભી રહે અને આ વીર મહારાજ પાસે જઈને ઉભા રહે અને બોલે…”તને ખોટું ના લાગે તો એક વાત કહેવી હતી….” બાજુમાં ઉભેલી એની ફ્રેન્ડ પછી એ મહાવીરની સામે જુવે. અને આ નર-વીર હિંમત કરીને કેય, ‘ફ્રેન્ડશીપ કરીશ..?’ અને જો સ્માઈલ મળે સામેથી નાની એવી..એટલે ભાઈ તો દિવસે દીવા-સ્વપ્ન જોવાનું ચાલુ કરી દે(ખબર નહિ પણ એનું એન્ટેનાનો ટાવર ક્યાં પકડાવ્યો હશે?). જાણે સાક્ષાત ‘ભારત-રત્ન’ નો અવોર્ડ મળી ગયો હોય એવી ખુશી વ્યક્ત કરે…ઈનોસેન્ટ ટીનએજ….! પણ મજા આવતી હશે…કદાચ કોઈને ૧૧-૧૨ ના દિવસો યાદ આવે તો…

ટહુકો:

“સપનાને ના રાખીશ બંનેની વચ્ચે,

ક્યાંક વહેચી દેશે એ ગોળ-ધાણા

છોકરીને મેળવવા કીધા હતા એ

ફોગટ જશે ‘એકટાણા’..”

related posts

સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ

સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?