ભૈલું, ભઈલો, ભાઈ : નાની, ટેણકી, છોટી

નાની ટેણકી હાથમાં ખંજરીનું રમકડું લઈને ઘોડિયામાં રમતી હતી. ત્યારે નહોતી ખબર કે એ, દીદુડી છે. નર્સરીમાં ભણતો ભઈલો તે રમકડું લઈને ભાગ્યો. ત્યારે એ માત્ર રડી. મમ્મી ભઈલાને વઢી. તે રમકડું ફરી ઘોડિયામાં પહોંચ્યું.

ટેણકી મોટા ભાઈની આંગળી પકડીને સ્કૂલે જવા લાગી. રોજ ઘરે આવીને બંને ઝઘડો કરે. “મમ્મી, આને કંઇક કે ને ! મને હેરાન કરે છે.” મમ્મી દર વખતે ભાઈને વઢે. ભઈલો મમ્મીને ફરિયાદ કરે અને દીદુડી પપ્પાને !

“તું કેટલા બધા કપડાં નાની ને લઇ આપે છે. મને ક્યારેય નથી લઇ આપતી.” ત્યારે મમ્મી એમ જ કહે, “મોટો થઈશ ત્યારે તને પણ લઇ આપીશું !”

ભઈલાના લગ્નમાં ટેણકી મન મૂકીને નાચે છે. ખુબ ખુશ થઈને ભાભીનું સ્વાગત કરે છે. પોતાના ભાઈ વિષે સારી-સારી વાતો ભાભીને કરીને તેમનો પ્રેમ વધારવામાં કારણભૂત બને છે. હજુ મોટોભાઈ નાની ને શોર્ટ્સ અને જીન્સ પહેરીને બહાર નીકળવા માટે વટહુકમ બહાર પાડે છે.

માહ્યરામાં બેઠેલી પોતાની ટેણકીને બહુ મોટી થયેલી જુએ છે. ઉંમરભરની શરમ પાંપણ પર અટકાવીને બેઠી છે. ચંચળતા, જીદ, શરમ, નજાકત બહુ દૂર છોડી મૂક્યા છે. પોતાની નાની ટેણકીના લગ્નમાં ભાઈ એકલો જ દૂર-દૂર રહ્યા કરે છે. ‘કન્યા પધરાવો સાવધાન’ના ગોર-મહારાજના શબ્દો સાંભળતાની સાથે જ ભઈલો તૂટતો જાય છે. બાણની પણછ છૂટે તેમ ભઈલાના ગળે એક ડૂસકું આવી જાય છે. ભઈલો તેનું વીસ વર્ષ પહેલાનું ખંજરીનું રમકડું, વરંડામાં પડેલી સાઈકલ, મનગમતી ચાદર, તેને પસંદ સ્કૂલબેગ, ફ્રીજમાં પડેલ ચોકલેટનો ડબ્બો, મનપસંદ ગીતોની CDs, તેના બેડની બાજુના ડ્રોઅરમાં પડેલ નોવેલ્સ, તેના બર્થ ડે પર લઇ આપેલું પિંક ફ્રોક, અલગ-અલગ સિરિયલ જોવા જેના પર તેની આંગળીઓ ફરે છે તે રિમોટ – આપીને પોતાની ટેણકીને પાછી બોલાવી લેવા માંગે છે. જે હાથ ટેણકીની ચોટી ખેંચીને ભાગી જતા હતા તે માથામાં તેની જાતે જ આશીર્વાદ આપવા ઉઠે છે. આત્મા સાથે વણાયું હોય તે કેમ કરીને છુટું પડી શકે ?

ભઈલો મામા બને. ટેણકીનો ટેણિયો મામા-મહિનો કરવા ઘરે વેકેશનમાં આવે ત્યારે, મામા જાણે પોતાની દીદુડીને જ વ્હાલ કરતા હોય તે રીતે સાચવે. બહેનનો પ્રેમ તેમના બાળકોને આપે. મમ્મી કંઇક ભાવતું બનાવે ત્યારે, ટેણકીની થાળીમાંથી થતી ભોજનની ચોરી આજે સાસરે વળાવેલ બહેનને ત્યાં ભાઈબીજના દિવસે માંડ એક ટંક જમવા પૂરતી રહી જાય છે. જયારે-જયારે ઘરે દીદુડી આવે ત્યારે ઘરની આર્થિક સારી-નરસી પરિસ્થિતિ જોયા વિના તેના બેગમાં કેટ-કેટલીયે વસ્તુઓ ભરીને તેને આપે. જે હાથ હંમેશા છીનવી લેતા હતા તે હાથ ઝોળી ભરીને આપવા માટે ઉઠવા માંડે.

ટેણકીના ઘરે તેના દીકરાના પ્રસંગમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભઈલો મન મૂકીને મામેરું આપે. નાની ત્યારે પણ પોક મૂકીને રડી પડે અને ભાઈને ભેટે. એ સંબંધ ઉંમરથી પર થઇ જાય. હંમેશા તાજો, ખીલતો અને રસપૂર્ણ રહે. વિશુદ્ધ, શુભ્ર અને એકસૂત્રતાથી વણાયેલ રાખડીના તાંતણા જેવો નિખાલસ સંબંધ.

દર રક્ષાબંધનના દિવસે તિલક માટે ઉઠતો હાથ, મીઠાઈ માટે ખુલતું મોં, સૂતરને સંબંધનું પ્રતિક બનાવવા આગળ વધતો જમણો હાથ અને બહેનની મનપસંદ વસ્તુને યાદગીરી જેવી ગિફ્ટ મળે – આ પ્રસંગ એકબીજાની રક્ષા માટે જ અસ્તિત્વ ધરાવતો હશે.

રાખડી બંધાવતી વખતે ભઈલો જો મજાક કરે એટલે તરત ટેણકી બોલે,
“એ મમ્મી ! આને કંઇક કે ને !”
“બંને ગાંડુડિયા છો. આટલા મોટા થયા તોયે ઝઘડવાનો એકેય મોકો નથી ચૂકતા. અને તું મોટા, તેને હેરાન કરવાનું બંધ કર તો !”
“પણ મમ્મી…શરૂઆત તેણે..”
“બસ, મારે કઈ નથી સાંભળવું.” અને, રાખડી બાંધતી-બાંધતી ટેણકી મનમાં હસી પડે.

~ લિ. સ્કૂલમાં અનેક બહેનો દ્વારા રાખડી બંધાવતો ભાઈ (સગી બહેન ન હોય તેને સૌથી વધુ બહેન સ્કૂલમાં જ હોય ! 😉 

related posts

વર્ષાંતે, પ્રેમનું લેખું-જોખું!

વર્ષાંતે, પ્રેમનું લેખું-જોખું!

પરિસ્થિતિનો ‘પામર’ પામે કેટલું? ‘માર્ક્સ’ને મળે માર્ક્સ માત્ર પુસ્તકોમાં !

પરિસ્થિતિનો ‘પામર’ પામે કેટલું? ‘માર્ક્સ’ને મળે માર્ક્સ માત્ર પુસ્તકોમાં !