બાળકનું ‘બચપણ’ બચ્યું કે….?

આજે ૧૪મી નવેમ્બર એટલે કે, ‘બાળદિન’ ના દિવસે ‘રાષ્ટ્રીય શાયર’ શ્રી ઝવેરચંદ મેઘાણીની બહુખ્યાત ‘ચારણ-કન્યા’ની સરસ પંક્તિઓ આજે વર્ષો પછી યાદ આવે છે.

“સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !”

કદાચ આજના બ્રેડ-બટરના ભોજનમાં અને બ્રેડ-બટરને માટે જ ૧૭-૧૭ વર્ષો સુધી અભ્યાસ કરતા કુવાના દેડકાની જેમ જીંદગી જીવેલા કોઈ પણ વિદ્યાર્થીમાં આવો તરવરાટ-જોમ-હિમત-તાકાત કે શૂરવીરતા ના દેખાય એ કડવી પરંતુ સત્ય હકીકત છે. જેમ-જેમ બાળક મોટું થતું ગયું તેમ-તેમ આપણો દંભી અને સ્ટેટિક સમાજની એને ડરાવતો ગયો. આજે શ્રેષ્ઠ શિક્ષણ લીધા પછી પણ વિદ્યાર્થી રોટલીના ટુકડા માટે ડરતો હોય ત્યારે આ શિક્ષણ-સમાજ-સામાજિકતા-માનસિકતાનો ખરેખર, ઉપહાસ જ ઉડતો હોય એમ લાગે છે. ટયુશનીયા અને લેસનીયા યુગમાં બાળકના બાળપણનો સંપૂર્ણપણે રકાસ થયો છે એવું જયારે પોતાની આજુબાજુમાં માત્ર ‘મોટા’ થતા કોઈ નર્સરીના બાળકને જોશો ત્યારે ખ્યાલ આવશે. વાલીઓએ પણ ‘એજ્યુકેશનલ ઇન્ફલેશન’ ની લ્હાયમાં પોતાના બાળકની ‘વૃદ્ધિ’ કરતા ‘વિધ્વંસ’ વધુ કર્યો છે. કુમળા છોડને ખીલવા માટે પણ પુરતું વાતાવરણ જોઇને છે, એને પણ સુર્યપ્રકાશ-ધરતી-અમીછાંટણાંની હૂફ જોઈએ છે. પરંતુ વ્યવહાર સાચવવાની અને સમાજમાં માત્ર ‘કીર્તિ’ માટે રાત-દિવસ પૈસા એકઠા કરવામાં બાળક અંધારા ઓરડાના ખૂણામાં લેસન કરતુ જ રહી જાય છે. સતત ભીડમાં ચાલો, તો બીજાઓના ઠોંસા ખાઈને, ગરમીમાં શેકાતા પોતાનું સંતુલન જાળવવાની જગ્યા કરવાનો થાક તો લાગે ને ! પછી આપણી ‘નેક્સ્ટ જેન’ પાસે નવું શીખવાની હોંશ, નવું જાણવાની ફુરસદ નથી રહેતી. અરે એમની જીંદગી, કુદરત, લાગણી, સંબંધ અંગેની સમજ પણ બફાયા વિના ઉતારી લેવાયેલા કાચા બટાકા જેવી થઈ જાય છે. એટલે કહેવાતા સકસેસફુલ અને ઈન્ટેલીજન્ટ લોકો રોજીંદી બાબતોમાં સાવ ‘ડોબા’ પૂરવાર થાય છે. અને સા’બ કે મે’મસાબને અભણ રેંકડીવાળો પણ આસાનીથી ઉલ્લૂ બનાવે છે.

છતાં, આજે ‘સા વિદ્યા યા વિમુક્તયે’નું સૂત્ર આપણે દેશનિકાલ કરી દીઘું છે. શિક્ષણ એ છે કે જે સ્વતંત્ર બનાવે, જે જૂનું તોડીને નવું રચનારા સાહસિકો પેદા કરે. એજ્યુકેશન ફ્રીડમ આપે, તો ક્રિએટિવિટી આવે, તો પર્સનાલિટીની તેજ ધાર નીકળે, તો ઉક્રાંતિ થાય, ‘મા-નવ’ નિર્માણ થાય. આપણી ‘કંટ્રોલ ફ્રીક’ (અંકુશઘેલી) સોસાયટી એઝ્‌યુકેશનને એક જૂનવાણી ઢાંચામાં ફિટ કરીને રાખવામાં જ સલામતી સમજે છે. ઉચ્ચ શિક્ષણ રોજે રોજના બોજ માટે નથી. જીજ્ઞાસાની મોજ અને જ્ઞાનની ખોજ માટે છે. બીબાંઢાળ પરીક્ષાઓનો અતિરેક ચાઈલ્ડથીંગ્સનું ‘હીર’ ચૂસીને ‘બેનૂર’ બનાવે છે. એકઝામના ટેન્શનમાં ડિપ્રેશન વધે છે. બધા જ લોકો જીનિયસ નથી હોતા. પણ તો બધા જ લોકોએ સતત પહેલાં નંબરે પાસ થવાની ખોટી આશાઓ પણ છોડતા શીખવું પડે.

કદાચ આજે, કોઈક બાળકની દુનિયામાં પાછા જવાનું કહે તો આવી કૈક દિલની ઈચ્છા છે.

 મમ્મીના ખોળામાં ખુંદવા મળે,

બહેનની સાથે મસ્તી કરવા મળે,

જો કાશ..!હું બાળક હોત.

 

પપ્પા ‘પાપા પગલી’ કરાવે,

હાલરડાની ધૂનો સુવાડે,

જો કાશ..!હું બાળક હોત.

 

પ્રેમથી મીઠો અવાજ આવે,

બચીઓ લોકો ખુબ આપે,

જો કાશ…!હું બાળક હોત.

 

રમકડા ને ફેવરીટ ‘મોટર’ હોત,

પણ ગાડીનું કિચન વ્હાલું હોત,

જો કાશ…!હું બાળક હોત.

 

‘ચકી ચોખા ખાંડે છે’,

દાદી મારી સંભળાવે છે,

જો કાશ…!હું બાળક હોત.

‘લાલ-લાલ ટમેટું’, ‘મેં એક બિલાડી પાળી છે’, ‘પાપા પગલી-ફૂલની ઢગલી’, ‘નાની મારી આંખ’, ‘ ચકી ચોખા ખાંડે છે’ જેવા બાળ-જોડકણા તો આજે અલિપ્ત થઇ ચુક્યા હોય એવું ભાસે છે. ‘નમીએ તુજને વારંવાર’ જેવી પ્રાર્થનાઓ કે શિવાજીનું હાલરડું નથી સંભાળવા મળતું કે નથી જોવા મળતી દાદીના મોઢે ધ્રુવ-પ્રહલાદની વાર્તાઓ. ખેર, જ્યાં જીન્સ પહેરવા કે ચોકલેટ-રોઝ ડેની ઉજવણી પ્રતિબંધિત કરવાને શિક્ષણના શુદ્ધિકરણની જ્વલંત સિદ્ધિ માની લેવાતી હોય ત્યાં આ આક્રોશ અરણ્યરૂદન જ રહેવાનો !

“ધબકી રહેલા માણસો અમને ગમ્યા નથી,

પથ્થર બનાવી પુતળા ખોડીએ છીએ.”

ટહુકો: “કોરી પાટી જેવા દાનવી દિમાગોમાં ‘નચિકેતા’ જેવા બાળક પેદા કરવા સાચા શિક્ષણનું સોફ્ટવેર જ ‘ઇન્સ્ટોલ’ કરવાનું બાકી છે.

related posts

#સફરનામા : મોટા ભા, જેરૂપનું ઘર કટે હે?

#સફરનામા : મોટા ભા, જેરૂપનું ઘર કટે હે?

Express

Express