અપેક્ષાના સમપ્રમાણે દુઃખ !

 

“૨૪૫ રૂપિયા મહિનાનો પગાર હતો મારે…! આ પગારમાં કોણ છોકરી આપે?”
’૭૫ની સાલમાં આ પગારમાંથી પાછું ફંડ કપાય એ વધારાનું. રિટાયરમેન્ટને દોઢ વર્ષ રહ્યું છે. આજે ૧૯ હજાર થયો છે. એ પણ, બે-ત્રણ વર્ષ પહેલા એકસાથે ૮ હજાર વધ્યા ત્યારે આટલો આંકડો પહોંચ્યો. એક સાંધો ‘ને તેર તૂટે, એ પરિસ્થિતિ અમારે છેલ્લા ચાલીસ વર્ષથી છે. ભગવાનની દયાથી બૈરું સારું મળ્યું.
હાંક્યે જાય છે એ અમારી ગાડી. છોકરા ભણીને મોટા થઇ ગયા. હવે એમના પણ લગ્ન કરાવી દીધા છે. તેમના માટે એક ફ્લેટ લેવાઈ ગયો છે. હપ્તા ભરાઈ રહે અને તેનું ઘર ચાલી જાય એટલું છોકરો કમાઈ લે છે અને વહુ પણ સારા મળ્યા છે. બીજું તો શું જોઈએ આપણે?
ભાઈ, દુઃખના દિવસો અમારે આમ તો ચાલીસ વર્ષથી ચાલે જ છે. પરંતુ, અમે તેને સ્વીકારી લીધું છે. આ સમય ક્યાં જતો રહ્યો એ સરવાળો કરવા બેસું તો ખાલી ખિસ્સું જ હાથમાં આવે છે.
લોકો કહે છે, મોંઘવારી વધી છે. પણ મારું ઘર ચાલીસ વર્ષથી એકદમ ચકાચક ચાલે છે. આજ સુધી કોઈ મહેમાન ભૂખ્યો નહિ ગયો હોય ઘરેથી…! અપેક્ષાઓ નહોતી અમારી.
અપેક્ષાઓ માત્ર છોકરાઓને સારી જગ્યાએ ભણાવી-ગણાવીને સ્થાયી થતા જોવાની હતી. જે પૂરી થઇ ગઈ.”

આ વાર્તાલાપમાં ઘણી વાર યાદોને વાગોળતા એ વ્યક્તિની આંખોમાં ચમક આવી. ક્યારેક, આંખ આડે અંધારા આવ્યા. કોઈ વાર હાસ્યાસ્પદ બાબત યાદ કરીને ખડખડાટ હસ્યા.
આ સાંભળીને મને પણ કંઇક સમજાયું.

આ સામાન્ય જીંદગી લગભગ મોટાભાગના દરેક વ્યક્તિની હોય છે. દરેક વ્યક્તિ કલાકાર કે કલાપ્રેમી નથી હોતો. દરેક રિયાલીટી શો માટે નથી બન્યો હોતો. બધા જ સ્ટાર બનવા નથી માંગતા. ઘણા એવા જીવડા ઓ પણ હોય છે, જે ચૂપચાપ પૃથ્વી નામના એપાર્ટમેન્ટમાં ભાડાનું મકાન રાખીને અમુક સમય ત્યાં રહીને તે ખાલી કરીને પાછા ચાલ્યા જાય છે. દરેક માતા-પિતા આજે પોતાના દીકરા-દીકરીઓને કલાકાર જ બનાવવા માંગે છે. વેકેશનમાં પણ જાત-જાતના કલાસિસ બંધાવી આપે છે.

ક્યારેક એમને, વિડીયો ગેમ્સ – લખોટી – ભમરડો – ફૂલરેકેટ – ગલીક્રિકેટ જેવું કંઇક મજા આવે એવું રમવા દો યાર…! ફોર્સફૂલી કળા ન શીખવી શકાય. ઉધામા કર્યા વિના વર્ષો સુધી એક જ ઓફિસમાં કામ કરવાની મજા લેવા માટે પણ કેટલાક જન્મ ન લઇ શકે? અને, એ પણ એક સિદ્ધિ જ છે ને…! ભલે ‘મોટીવેશનની ભંગાર મોટરો’ ક્રિએટીવ બનવાની પિપૂડી બજાવ્યા કરે…! પરંતુ, એમને કોણ સમજાવે કે ભાઈ તું પણ વર્ષોથી રોજ સવારે ઉઠીને ગામની મેથી મારવાનું જ કામ કરે છે. તેના કરતા સામાન્ય વ્યક્તિ પોતાના ઘરની ‘મેથી’ની ભાજી માટેના પૈસા ખોટી ખટપટ વિના જ કમાઈને ઘરે આવતો હોય તો એ વધુ સારો માણસ કહી શકાય.

ચાલી જાય ભૂરા, ઘર ચાલી જ જાય. ‘મુફ્તી’ના શર્ટ ન લઇ શકીએ પણ શનિવારીમાંથી ‘મફત’ના ભાવે વિદેશી શર્ટ તો લઇ જ શકાય ને…!

અપેક્ષાઓ ના સમપ્રમાણમાં જ મોંઘવારી નડે…!

related posts

હું, મારું હૃદય એક ‘બાળક’…! આંખ તો ભીની થાય જ :-)

હું, મારું હૃદય એક ‘બાળક’…! આંખ તો ભીની થાય જ :-)

ધીખતે તડકે રોંઢડિયું (1)

ધીખતે તડકે રોંઢડિયું (1)