દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

પરિમલ ગાર્ડન.
એક દાદા લાકડીના ટેકે પોતાના પૌત્ર સાથે આવ્યા. દાદાથી વ્યવસ્થિત ચાલતું નહોતું. તેના પૌત્રના હાથમાં એક ટેનિસનો બોલ હતો.. તે છોકરાએ પોપાયના કાર્ટૂનવાળું ટી-શર્ટ અને ઢીંચણ સુધીની કેપ્રી પહેરી હતી. દાદા એ ખાદીના કૂર્તા વડે ચશ્માં સાફ કરતા-કરતા પોતાના પૌત્રને ધીરે ચાલવાનું કહી રહ્યા હતા.

“નિસર્ગ, બેટા ધીરે ચાલ. પડી જવાય જો. પછી વાગી જાય. મારી આંગળી પકડી લે, જોઉં તો !”

“દાદા…દાદા… આપણે ત્યાં રમીશું?” તેમ કરીને નિસર્ગે એક ખાલી જગ્યા તરફ આંગળી કરી.

“હા, બેટા. ચલો. તું કહે ત્યાં જઈએ.” દાદા-પૌત્ર બંને ગાર્ડનમાં ખાલી જગ્યા તરફ ચાલતા થયા.

“નિસર્ગ, હું અહી સામે…આમ અહી જો બેટા…! સામે પેલા, બાંકડા પર બેઠો છું. જા, તું રમ.”

“ના, દાદા. મારી સાથે તમે પણ રમો ને..! ચાલો.” દાદાનો હાથ પકડીને નિસર્ગ તેમની લાકડી લઈને ભાગ્યો.

“નિસર્ગ, બેટા. લાકડી પાછી લાવ જોઉં. લાકડી મને આપી દે તો. હું પપ્પાને કહી દઈશ, પછી એ તારા પર ગુસ્સો કરશે.” એમ કહીને દાદા એ ડર બતાવ્યો.

નિસર્ગ દોડીને પાછો આવ્યો. અને બોલ્યો, “તમે પપ્પાને નહિ કહો ને? હું જો.. લાકડી આપી દઉં છું.” નિસર્ગ ઉતરેલા ચહેરે પાછો ટેનિસ બોલ લઈને એક વૃક્ષ નીચે બેસી ગયો. એકબીજાના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. વોક-વે પર ચાલતા લોકો નિસર્ગને બાળક તરીકે બોલાવતા હતા. છતાં, તેનો મૂડ ઓફ થઇ ગયો હોય તેવું ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું. થોડો સમય દાદાએ નિસર્ગને નિહાળ્યા કર્યો.

નિસર્ગની નજીક આવીને દાદા બોલ્યા, “હેય ચેમ્પ, સોરી બેટા. ચાલ રમીએ. હું અહી બેંચ પર બેસીને બોલ ફેંકુ છું. તું મારી લાકડીથી બેટિંગ કર. અને જો, પછી મને પણ બેટિંગ આપવી પડશે.” નિસર્ગ તરત જ ખુશ થઈને ઉભો થયો. સીધો દાદાની લાકડી લઈને બેટિંગ માટે ઉભો રહી ગયો. ઉલટી લાકડી પકડી, જેનાથી બેટ જેવી ફીલિંગ આવે.

“દાદા, હું આઉટ જ નહિ થાઉં. તમને બેટિંગ નહિ મળે. ઓયે ઓયે. ડીંગો પોપો…!” દાદા તેની આ શરારતથી હસી પડ્યા. દાદા એ દડો ફેંક્યો. અને, બંનેની રમત શરુ થઇ.

“નિસર્ગ બેટા, ધીરેથી બેટિંગ કરવાની. આજુબાજુ ચાલતા લોકોને વાગી જાય ને..!” દાદા નિસર્ગને સમજાવતા જાય અને રમાડતા જાય.

દાદાએ કહ્યું, “જો બેટા, એક ઓવર થાય પછી એક સ્ટાન્ઝા (ઘડિયો) બોલી જવાનો. તો હું તને બોલ ફેંકીશ, નહિ તો તારે મને બેટિંગ આપવી પડશે.”

“દાદુ, મને પક્કમ-પાક્કા આવડે છે. દસ સુધી અમને સ્કૂલમાં શીખવાડ્યા છે. તમને બેટિંગ તો નહિ જ આપું.” એમ કરીને નિસર્ગે દસેય આંગળીઓ દાદાને બતાવી. શરારત કરીને પાછો બેટ લઈને ઉભો રહી ગયો.
નિસર્ગે નવમાં ઘડિયામાં ભૂલ કરી.

દાદા, તરત જ બોલ્યા. “લાવો, લાવો..હવે મારી બેટિંગ.” નિસર્ગે સામે ચાલીને બેટ દાદાના હાથમાં આપ્યું.

“દાદા, થોડા દૂર ઉભા રહો. હું બોલિંગ કરીશ. હું બહુ જોરથી બોલિંગ નાખીશ. તમે ના મારી શકો.” દાદા મનમાં હસી રહ્યા હતા. દાદા એ જાતે કરીને બોલ ફટકાર્યો નહિ.

દાદા-પૌત્ર બંને ઘરેથી લાવેલા શીંગ-ચણા ખાવા બેઠા. દાદા વાર્તા સંભળાવી રહ્યા હતા અને નિસર્ગ ધ્યાનથી સાંભળતો હતો.

અંતે, સુર્યાસ્ત થયો. રમતા-રમતા દિવસનો અંત આવ્યો. દાદા-પૌત્ર બંને ઘર તરફ ચાલતા થયા. નિસર્ગે દાદાની આંગળી પકડી લીધી. કાળી-ઘેલી ભાષામાં દાદા જોડે વાતો કર્યે જતો હતો. ક્યારેક, દાદાનો હાથ ફંગોળતો. આંગળી ખેંચતો. પેટ પર હાથ મુકીને ભેટી પડતો. દાદાને દોડાવી રહ્યો હતો. એટલામાં જ, નિસર્ગે વાંકા વાળીને કૈંક જોયું.

“દાદા, તમારી લાકડી ક્યાં છે?”
દાદાને પણ આશ્ચર્ય થયું. જે બેંચ પર દાદા બેઠા હતા તે જ બેંચ પર લાકડી રહી ગઈ હતી. ગાર્ડનના ગેટ પાસેથી લાકડી લેવા માટે દાદા પાછા ફર્યા.

એટલામાં નિસર્ગ બોલ્યો, “દાદા, ઉભા રહો. હું લઇ આવું છું.”

દાદાની લાકડી એ લાકડાની નિર્જીવ વસ્તુ નહિ, નિસર્ગ હતો. આ વાત કદાચ દાદા તરત જ સમજી ગયા હોય તેમ હૃદયના હાસ્ય સાથે સંતોષનો સ્વાદ લઈને તેઓ ચાલી રહ્યા હતા. ઘરે પાછા જતા સમયે લાકડી જમીન પર નહિ, હવામાં ફરતી હતી.

(૭:૦૦, પરિમલ ગાર્ડન. ૪ જાન્યુઆરી, ૨૦૧૬.)

related posts

પરિભાષા : વર્ષો પહેલાનો એક ‘રવિવાર’

પરિભાષા : વર્ષો પહેલાનો એક ‘રવિવાર’

“શિયાળાનું સૌંદર્ય…ઈરોટિક – સેન્સેશનલ – હેલ્ધી !!”

“શિયાળાનું સૌંદર્ય…ઈરોટિક – સેન્સેશનલ – હેલ્ધી !!”