#સફરનામા (બેગપેકર્સ : પ્રવાસ, ઈતિહાસ અને ધર્મ)

#સફરનામા (બેગપેકર્સ : પ્રવાસ, ઈતિહાસ અને ધર્મ)

સવારે સાડા સાત વાગ્યાનો સમય. મુસાફરી કરાવનાર વાહન તરીકે ભીનમાલ-અમદાવાદ બસ. થોડો થોડો તડકો અને કલરવ કરતું બસ-સ્ટેન્ડ. બેહાલ સરકારીતંત્રની ‘દશા’ દર્શાવતી બસને પ્લેટ્ફોર્મની બહાર કાઢવા માટેની ‘દિશા’ આપતો કંડકટર. ત્યાં જ એક જુવાનિયો ચાલુ બસે ચડ્યો અને બસમાં બેઠો. હાંફ ફેંકતો એ છોકરો છેલ્લી સળંગ સીટમાં બાજુમાં આવી બેઠો.
“ક્યાં જવાના?”
“અમદાવાદ.”
“અમદાવાદ?”
“ઇન્કમટેક્ષ.”
“હું, ગીતામંદિર. ત્યાંથી વલસાડ જવાનો છું. તીથલ. એ પછી તો સમગ્ર સમંદર સર કરવાનો છે, એના કિનારે કિનારે.”
“એટલે?”
“પછી ત્યાંથી જુહુથી માંડી કન્યાકુમારી સુધીના સી-શોરને એન્જોય કરવાનો છે.

થોડી જ વારમાં એ ઇન્સાન ગમી ગયો. બેગપેકર્સ બનીને ફરવાના જે સપનાઓ જુવાનીમાં આવ્યા કરતાં હોય છે, તેને એપ્લિકેબલ બનાવવા નીકળેલ જુવાનનું નામ ચંદ્રસિંહ ખેરાત. તે ભીનમાલનો રહેવાસી હતો. ઘરેથી પરમીશન લઈને તે આ સફરે નીકળ્યો હતો. તેણે કહ્યું કે, તેનું ગ્રેજયુએશન પૂરું થયું છે. એટલે અમુક સમય દેશ-દુનિયા જોવા માટે તેના મમ્મી-પપ્પાએ સામેથી કહ્યું. ઉપરાંત, મૂળે તેઓ વ્યાપારી માનસ ધરાવતા વ્યક્તિત્વો એટલે ભારતમાં ચાલી રહેલા ધીરધાર કે વહાણવટુ તેમજ દરિયાઈ સાહસોને લગતા ધંધા વિષે વધુ માહિતી લેવા માટે તે જઈ રહ્યો હતો.

“આપ શાયદ જાનતે હોંગે, મહાકવિ માઘ હમારે ભીનમાલ સે બિલોંગ કરતે હૈ. મૈ પઢને કા શૌકીન હૂં. આમ તો ગુજરાતી અને મારવાડી બંને હું બોલું છું. મેઘાણી સાહેબની બહારવટિયાઓની વાર્તાઓ બહુ વાંચી. જયારે મેં રાજસ્થાની બહારવટિયાઓની વાર્તા વાંચવાની શરુ કરી ત્યારે એવું લાગ્યું કે ગુજરાતની આવી રસગાથાઓ વાંચવી જોઈએ. એ પછી મેં ઘણું ગુજરાતી સાહિત્ય વાંચ્યું. કાલેલકર સાહેબના સાહિત્યવિષયક લેખો પણ બહુ વાંચ્યા. પ્રવાસવર્ણનો મારા માટે બહુ માયને રાખે છે. મારું વિટામીન છે. એ જ મને ઉત્સાહ આપે છે.” આવું કહીને કાકાસાહેબનો એક લેખ મને વંચાવ્યો.

“આ છે પગદંડી.
એ ચાલી આવે છે વનમાંથી મેદાનમાં, મેદાનમાંથી પહોંચી નદીતીરે, નદીના ઘટ પર અઆવેલા વાળના ઝાડ તળે, ત્યારપછી સામે કિનારે તૂટેલા ઘાટ પર વળાંક લેતી એ ગામમાં પેઠી, આગળ અળશીના ખેતરની ધારે, આંબાવાડિયાની છાયામાં થઈને રથતળની આગળ થઇ ચાલતી ચાલતી એ ક્યાં ગામે પહોંચી હશે, કોણ જાણે.
આ પગદંડી પર માણસો પણ કેટલા બધાં ! કેટલાક મને વટાવી આગળ ગયા, કેટલાક મારી સાથે છે, જયારે કેટલાક ફક્ત દૂરથી જ મને દેખાયા, કોઈને માથે છેડો ઓઢેલો છે તો કોઈ ઉઘાડે માથે છે, કોઈ પાણી ભરવા જાય છે તો કેટલાક પાણી ભરી લઈને પાછા આવે છે.
દિવસ પૂરો થવા આવ્યો. અંધારું વધે છે.
એક દિવસ પગદંડી વિષે મને લાગેલું કે આ મારી જ – મારા એકલાની જ પગદંડી છે. હવે મને બરાબર સમજાયું કે હું આ પગરસ્તે એકવાર, ફક્ત એક જ વાર ચાલવાનો પરવાનો લઈને આવ્યો છું.”
એટલે જ એ દરેક રસ્તે રખડી લેવું છે.

અને, હું તેની જાગૃત અવસ્થાને જોઈ રહ્યો. તેને નોકરી, ધંધા કે ભવિષ્યનો ડર નહોતો. ભણ્યા પછી તરત જ અપેક્ષિત ભાવના સેવતા તેના માતા-પિતા નહોતાં. તરત જ લગ્ન કરીને પોતે પરવારી જવાની સોચ તેમનામાં નહોતી. માતબર રકમ ભરીને ટ્રેકિંગ, ટૂર્સ કે હિલ સ્ટેશનના ખર્ચાઓની સામે તેનો આ પ્રવાસ મને વધુ આહ્લાદક લાગ્યો. સાચા એડવેન્ચરની નિશાની હતી. છોકરો ઘડાય તે માટે મા-બાપો તેણે હોસ્ટેલ કે કોન્વેન્ટ સ્કૂલોમાં મૂકે છે. જયારે આવા પ્રવાસોથી ઇન્સ્ટોલ થતાં ઘડામણની બહુમૂલ્ય કિંમત અનન્ય હોય છે.

ખરેખર, યુવકે આ ત્રણ વસ્તુઓ ન ભૂલવી જોઈએ. પ્રવાસ, ઈતિહાસ અને ઘર્મ. પ્રવાસ બૃહદની ઝાંખી કરાવે છે. નિસર્ગના સાહચર્યમાં સંવેદન વ્યાપક બને છે. ઈતિહાસ – જગતનો અને જગતમાં વિકાસ પામેલા વિજ્ઞાનો, માનવવિદ્યાઓ અને કલાઓનો ઈતિહાસ માનવપ્રવૃત્તિની ફલશ્રુતિ રજૂ કરે છે. ઇતિહાસના પલ્લાની સામે બીજું પલ્લું મૂકવાની આપણી અંદર આકાંક્ષા જાગે છે. પ્રવાસથી જાગતી ક્રિયાત્મકતા, ઇતિહાસથી જાગતી આકાંક્ષા અને ધર્મથી આવતી જાગૃતિ વ્યક્તિમાત્ર માટે ઉપાસ્ય છે.

આ સમગ્ર ચર્ચા જયારે લખવા બેઠો ત્યારે રઘુવીર ચૌધરીની અહર્નિશ સુંદરતમ નવલકથા ‘અમૃતા’નો આ પેરેગ્રાફ સૌથી વધુ સ્યૂટેબલ લાગ્યો. વધુ ઝાંઝવા અને ખડબતર રસ્તાઓની મજા સાથે મળતું ભાથું અમૂલ્ય હોય છે. આર્યાવર્તની સંસ્કૃતિના પદચિહ્ન સ્વરૂપ સ્થળોની મુલાકાત સ્વદેહે થાય તેનાથી ઉત્તમ કશું ન હોય શકે. ધર્મ, અર્થ અને કામને નમસ્કાર હો ! તેવી જ રીતે યુવાનના મંઝિલ તરફના ગંતવ્યસ્થાનો તરીકે પ્રવાસ, ઈતિહાસ અને ધર્મને નમસ્કાર હો !

related posts

ધીખતે તડકે રોંઢડિયું (1)

ધીખતે તડકે રોંઢડિયું (1)

પ્રેમ-અપેક્ષા વગરનું સમર્પણ….

પ્રેમ-અપેક્ષા વગરનું સમર્પણ….