લાઈફમાં જયારે કોઈ પણ….પહેલી વખત ઘટે – હોય – બને – થાય , એનો અહેસાસ જ કૈક અલગ હોય છે. જે શબ્દોમાં વર્ણિત કરવો શક્ય નથી. એ બસ, માત્ર હોય છે. કઈક હૃદયની લાગણી – ભીતરની ભીનાશ – અંતરની અંતરાશ – એ ઘટના – સમય – પ્રસંગને યાદગાર બનાવી જાય છે. આવા હૃદયભીના સુખથી નીતરતા પ્રસંગો કદાચ આપણા પૂર્વજોના કઈક કરેલા પુણ્ય કર્યો હશે કે જેથી , ડગલે-પગલે આ દુનિયામાં ટકી રહેવા કઈ ને કૈક ખોટું કરવું પડે છે છતાં ભગવાન આવા સુખના પ્રસંગો આપણા ઘરમાં-કુટુંબમાં-સમાજમાં હમેશા જી-મેઈલ પર ઓનલાઈન રહીને ઈ-મેઈલ કરતા રહે છે અને અપલોડ થયેલી યાદગાર મોમેન્ટસને ફેસબુક પર લાઇક કરતા રહે છે.
યાદ કરીએ કે જયારે આપણને મમ્મી-પપ્પા એ પહેલી ટ્રાઈસિકલ લઇ આપી હશે ત્યારે જે ખુશી થઇ હશે એ કદાચ અદભુત જ હશે. પ્રાઈમરીમાં પહેલી મોટી સાઇકલ લઈને ડગ-ડગ ચલાવતા શીખતા હોઈશું એ આનંદ જ અલગ હશે. સાઇકલ આવડી જાય પછી સીટ પરથી ઉભા થઈને ફાસ્ટ ચલાવવાનો આનદ જ કૈક અલગ હશે. મોટા થયા ત્યારે ‘ પાપા’ઝ ગીફ્ટ ’…બાઈક પર લખેલું હોય એ જુવાનીયાઓને પહેલી વાર મળેલી આવડી મોટી ગીફ્ટ. ધોળે દિવસે સપના જોવા જેવું. અને કુટુંબની પહેલી મોટી ગાડી …એ ય આપણા જ ઘરે આવી હોય તો એ ‘મા’ ને – એ કુટુંબના સભ્યોને કેટલી ખુશી થાય. આખી જીંદગી ગામડે વાડીમાં કામ કરીને છોકરાને ડોક્ટર બનાવ્યો હોય, અને એના ઘરે અખા કુટુંબમાં પહેલી ગાડી આવે તો એ માં ને હૈયે હરખની હેલીના ઘોડાપુર આવે અને હાશકારો થાય.
હા, આટલી વાત કરવાની જરૂર એટલા માટે પડી કે નવરાત્રીના પહેલા નોરતે પપ્પાએ ગાડી નોંધાવી દીધી છે. એ ખુશી છલકીને ઉમટી પડે છે. પણ હા, આમાં ‘ માં’ નું કનેક્શન કેમ આવ્યું હશે?…વેઇટ…વેઇટ.. આજે તો હું મારા માદરે વતનની રાહે છું. એ પણ મારા ‘બા’ ને ‘દેશ’ માંથી લેવા માટે. હા, કદાચ મારું ગામ એ જ મારો દેશ છે એવું જુના લોકો સમજે છે. અને એટલે જ ‘ગામડે’ જાઉં છું એના કરતા ‘દેશ’માં જાઉં છું એ કહેવામાં વધુ પોતીકાપણું લાગે.
“વાડીની ડાળીએથી કોયલ જયારે ટહુકે,
સવારે દળણાના ઘર..ઘર..ઘૂરકિયા થાય,
ખેતરે ઉભેલો ચાડિયો જીવંત લાગે,
લીલો લહેરાતો ઉભો પાક સરસરે,
શિરામણ ટાણે શહેરમાંથી ‘આંગડીયું’ આવે,
ચોરા પર જુવાનીયાઓની જુવાની ખીલવે,
સરકારી સ્કુલમાં છોકરો ‘મોઈ-દાંડિયો’ રમે,
ચણીયા-ચોલીમાં છોકરી હરકતો કરે,
માથે હાંડો-ઘડો અને પાતળી કેડ મોહક કરે,
રઘુભા એની દમદાર મૂછોને તાવ દે,
મંદિરની આરતી ગામ આખામાં રણઝણે,
ત્યારે મને મારું ‘કાઠિયાવાડ’ સાંભરે.
આજે એ જ મારા ‘બા’ ને લેવા નીકળી પડ્યો છું. હા, આ ગાડી જોઇને કદાચ ‘બા’ ની ખુશી પ્રત્યક્ષ જોવી છે. કદાચ અંતરથી એ પણ આશીર્વાદ આપશે. ટૂંકમાં ‘માં’ ને વર્ણવી જ ના શકાય. દુનિયાના દરેક કવિ – લેખકોની કલમ ટૂંકી પડે. મમ્મી એટલે ,
ટહુકો : “ શિયાળામાં હૂંફ આપતું ઉનનું સ્વેટર. ઉનાળામાં ઠંડક આપતું સાયલન્ટ એરકન્ડીશનર. ચોમાસામાં પલળવાથી બચાવતો રેઈનકોટ . ઘૂઘવતા દરિયાની ભરતી અને ઓટ.ધુળેટીના રંગ, સંક્રાંતની પતંગ, જન્માષ્ટમીની પુરણપોળી, દિવાળીની રંગોળી, ઇદનો ચંદ, ક્રિસમસનું ઝાડ, સોનેરી ઉષા, કેસરી સંધ્યા, દિવસનું ચમકતું ગગન, રાતનો ખુલ્લો પવન, હોઠો પર આવીને હાલરડું બનેલું ગીત, ચહેરા પર આવીને સંગીત બનેલું સ્મિત…!
પાણિયારે વીંછળાતું ચોખ્ખું માટલું. ફ્રિજમાં મૂકાતો મેળવેલા દૂધનો દહીં બનાવવાનો છીબું ઢાંકેલો વાટકો. ગેસ પર લાઈટરમાંથી ઝબૂકી બ્લ્યુ ફ્લેઈમનો બનતો તિખારો. થપ્પી વાળીને એકસરખા ગોઠવેલા નેપ્કીન. ફળિયામાં અથડાતી સાવરણાની સળીઓના ઘસાવાનો અવાજ. વાસણ માંજવાના પાઉડરથી પાણીની ડોલમાં બનતા મેઘધનુષી પરપોટાં. કોઠીએ ભરેલા કાંકરા વીણ્યા પછી એરંડિયાથી ચળકતા ઘઉં. કાચા રોટલા પર ઉઠેલા હાથના પંજાની છાપ. ભાખરી પર વેલણથી પડતા ખંજન જેવા ખાડા. કટકી-છૂંદાની તપેલી પર તાણીને બાંધેલું સફેદ કપડું, કપડે બાંધેલા નીતરેલા દહીંમાં ભળતો સાકર-એલચીનો ભૂકો. મુરબ્બાના ફીંડવા પર તજની બાજુમાં જ ચોંટેલો કેસરનો તાંતણો. ગરમ-ઘી ગોળવાળી સુખડીઓ માટે બાઉલમાં ફરતો તવેથો. ”
આ એટલે મારા ‘બા’(પપ્પાના મમ્મી).
ટહુકો: “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ…” એમાં પણ ‘માં’ નો ‘વ્યાજ’ પરનો પ્રેમ ‘મુદ્દલ’ કરતા વધુ જ હોય છે.