પ્રેમની પરિભાષાના પવન..પ્રેમી પરખંદા..!

મારો એક દોસ્ત. સ્વભાવે એકદમ શરમાળ અને શાંત. હમણાં-હમણાં એની સગાઇ થઇ, એન્જીનિયરીંગ પત્યું અને તરત જ. મહત્વની વાત એ છે કે, છોકરીના પપ્પાએ માત્ર માણસો અને મારા દોસ્તને જોઇને ‘બાર્ગેનિંગ’ કર્યા વિના ‘અપની પ્રાઈઝ’ પર ‘ડન’ કરી દીધું. એની સગાઈ પાછી અમારી સોસાયટીમાં જ થયેલી છે. હા, છોકરી પણ બહુ શાંત છે.

હવે ભાઈને અમારી સોસાયટીના ધક્કા (પ્રેમભર્યા) વધી ગયા છે. ક્યારેક, મારા ઘરે પણ આવી જાય છે બેસવા માટે.(ભાભી ઓછું ભલે બોલે, પણ ઘરની બહાર તો નીકળે છે.) એટલે આરામ કરવા લાટ સાહેબ બપોરના આવી જાય. ક્યારેક અમારી ગેલેરીમાં જુવાન ઉભો રહીને ઈશારામાં વાતો કરી નાખે. સામેથી એટલો જ શરમાળ રિપ્લે આવે.

આજે પણ એવું જ થયું. ભાભી(હવે ભાભી કહેવા પડે ને યાર..!) શાકભાજી લઈને આવ્યા અને આ બંદો ગેલેરીમાં તેની રાહ જોઇને ઉભો હતો. ખબર નહિ, પણ પ્રેમના સેન્સર એટલે જોરદાર હોય છે કે પોતાના પ્રેમને તરત જ સેન્સ કરી લે અને તેને કોઈ પ્રકારના સેન્સર બોર્ડ અટકાવી શકે નહિ. ધીરેથી ભાભીએ ઉપર જોઇને ઈશારો કર્યો કે, “હું આવી ગઈ છું, હવે ઘરે આવો.” અને ગાલમાં હસીને ચાલ્યા ગયા. ફરી પાછા ઘરના દરવાજે ઉભા રહીને પાછળ ફરીને જોયું, થોડો હોઠ એક બાજુથી અંદરની બાજુ સંકોચી, હાથથી પોતાની લટ એકબાજુ કરીને ફરીથી ઉપર અમારા વરરાજા સામે જોયું અને પ્રેમનો એક મીઠો ઉંહકારો આપીને ચાલતા થયા. હા, રાજા પણ એકીટશે એને જોઇને જ ઉભેલો.

પછી, મને કહે “ચલ ભાઈ, હવે હું જાઉં.” પણ આંખમાં આંખ નાખીને બોલતા શરમાયો. હું પણ હસ્યો. હું તેની વાતને સમજી ગયો. મેં કહ્યું, “આવજે ભૈલા. એન્જોય.” ધીરે ધીરે વાદળ ઘેરાયા અને વરસાદ પડશે એવું લાગ્યું. વાતાવરણ એકદમ ખુશમિજાજ અને ખુશનુમા લાગતું હતું. નાના ઘરોમાં એકલા બેસીને વાતો કરી શકાય એવી જગ્યાઓ નથી હોતી. ઉપરથી, ભાભી તેમના મમ્મી-પપ્પા સાથે ઘણા વર્ષોથી ભાડે રહેતા હતા. એટલે એમના મમ્મી એ સામે ચાલીને કહ્યું હશે કે, “બેટા..! અગાસી પર જતા રહો.”
હું આ વરસાદી વાતાવરણ જોઇને અગાસી પર ચડી ગયો હતો. આજે પુરેપુરો નાહવાનો મૂડ હતો. વરસાદ પડે એટલી જ વાર હતી. એ બંને પણ મારી સામેની લાઈનમાં ૨ મકાન મુકીને અગાસી પર એકબીજાનો હાથ પકડીને આવ્યા. ડ્રેસનો દુપટ્ટો વારે ઘડીએ પવનની લીધે ઉડી જતો હતો. અમારા દોસ્ત સાહેબએ ભાભીનો હાથ પકડીને એની સામે ઉભો રહ્યો. કદાચ, કોઈ નારાજગી હશે એટલે ભાભીએ રાજાની છાતી પર ધીરે-ધીરે પ્રેમભર્યો મુક્કો માર્યો અને ત્યાં માથું રાખીને એકબીજામાં ખોવાઈ ગયા. એ દાદરના ટેકે બંને ઉભા હતા. અચાનક જ વરસાદી વાદળ ગરજ્યા અને વરસાદ તૂટી પડ્યો. એ બંને પણ એકબીજામાં ખોવાયેલા હતા. હું વરસાદમાં પલળતો હતો અને ભીંજાયેલો હતો. એ બંને વરસાદથી પોતાનો બચાવ કરતા હતા. દાદરની ઓથે બંને બેઠા. તે મારા દોસ્તના આશ્લેષમાંમાં સમાઈને બેસી ગયા. દુપટ્ટો બંનેએ પોતાના મોઢા પર ઢાંકી દીધો અને ક્યાંક મસ્તમૌલા બનીને અદકેરી દુનિયાના અલાયદા ખૂણામાં સંતાઈ ગયા. કદાચ એમના એ દીર્ઘ-મૃદુ ચુંબનમાં પણ કોઈ અલગારી ઓલિયાના આશીર્વાદનો આલાપ સંભળાતો હશે.

હું પણ એ પડછાયાની બારીએથી મનમાં એમના યોગક્ષેમની કામના કરીને નીચે ઉતર્યો. ખુશ હતો. એ વાતની પાક્કી ખાતરી થઇ ગઈ કે ‘રીલ લાઈફ’ કરતા ‘રિયલ લાઈફ’ના પ્રેમ વધુ મજબુત અને પાક્કા રંગે રંગાયેલા હોય છે. માત્ર લકઝરીયસ લાઈફ હોય તો જ પ્રેમ શક્ય છે એવું નથી, ભાડાની રૂમમાં પણ પ્રેમનો પગરવ ચોક્કસ થાય. એમાં પણ, પહેલા વરસાદમાં પોતાના પ્રેમી સાથે હોવું અને એ પણ અનાયાસે…! આનાથી મોટું સૌભાગ્ય બીજું કોઈ ના હોઈ શકે. પ્રેમમાં પડવાની મોસમ છે દોસ્તો..! પ્રેમ કરીને માણો.

ટહુકો: ‘રિયલ લાઈફ’ને ‘રીલ લાઈફ’ જેવી બનાવીએ કે એ રીલનો હીરો શરમથી છળી ઉઠે. દિલને ફાડીને, ચીરીને, જોડીને, બાંધીને, પરોવીને, સાચવીને, જાળવીને, પ્રેમ કરીને હમેશા ધબકતું રાખો.

related posts

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

દિલવાલી દિવાળી (3/5)

દિલવાલી દિવાળી (3/5)