હોળી : વસંતના વૈભવને વધારતો ઉત્સવ ….!

સભ્યતાના ભારેખમ બંધનને દુર કરીને મુક્ત મને સ્વૈર વિહાર કરવાનો દિવસ એટલે ‘હોળી’. અતિ બંધનોમાં અટવાયેલો ને અકળાયેલો માણસ અતિ મુક્તતાને હંમેશા ઝંખતો હોય છે. વસંતના વધામણામાં પોતાના મનને ખુલ્લું મુકીને દુનિયા સમક્ષ ‘ખુલ્લી કિતાબ’ બનવાનો પ્રયત્ન કરે છે. હોળીના અવનવા રંગોને લઈને આવતો ફાગણીયો જીવનના એક ના એક રંગોમાંથી મુક્ત કરીને નવજીવનનો સંદેશ આપી જાય છે. ભારતીય સંસ્કૃતિ જ એક એવી સંસ્કૃતિ છે જેમાં વ્યક્તિને ઉત્સવોના મસ્તીભર્યા માહોલમાં મશગુલ થઈને વિહરવાની સ્વતંત્રતા મળી રહે છે. અગ્રેજીમાં સંસ્કૃતિ માટે બે શબ્દો બહુ પ્રચલિત છે અને વપરાય છે, Civilization અને Culture. “Our civilization is what we use and our culture is what we live.” આપના પ્રતીકો એ ઉત્સવોને સભ્યતા કરતા સંસ્કારો જોડે ગાઢ સંબંધ છે. સંસ્કાર સર્જનમાં સંસ્કૃતિક ઉત્સવોનો ફાળો અતિ પ્રસંશનીય અને મહત્વનો છે.

Holi-India-Colorful-Wallpaper

રઈશ મણિયારની કલમ…

ધુળેટીના તમાશાઓ બહું રંગીન લાગે છે,

આ પરણ્યાઓ, કુંવારાઓ બહું રંગીન લાગે છે.

તેં ખેંચ્યા એ દુપટ્ટાઓ બહું રંગીન લાગે છે,

પડ્યા ગાલે તમાચાઓ બહું રંગીન લાગે છે.

પાડોશણને તું રંગે ત્યાં જ પત્ની જોઈ ગઈ, માર્યા !

ધુળેટીના ધબડકાઓ બહું રંગીન લાગે છે.

કયા મારા, પાડોશીના કયા એ પણ કળાતું ક્યાં,

સમી સાંજે આ ભૂલકાઓ બહું રંગીન લાગે છે. 

જે નિકળ્યા શ્વેત ટોપી, શ્વેત કફની, શ્વેત ધોતીમાં,

ફર્યા પાછા તો કાકાઓ બહું રંગીન લાગે છે. 

લપસવું, ભાગવું, પકડાવું, ભીંજાવું ને ખરડાવું,

નર્યા ગમગીન કિસ્સાઓ બહું રંગીન લાગે છે.

હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપના જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો અને માનવ મનમાં રહેલ અને વસેલ અસદ્વૃત્તિને બળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. હોળીનો ઉત્સવ એટલે ‘અગ્નિ’નું મહત્વ સમજવાનો ઉત્સવ. વિકારો-વિકૃતિ-વાસનાને હોળીના અગ્નિમાં હોમ કરવાનો દિવસ. સમસ્ત પાપની પોટલી અગ્નિ પાસે ખુલ્લી મુકીને શક્તિ, બુદ્ધિ અને વૃત્તિનું ભાથું ઈશ્વરના પ્રસાદ તરીકે મેળવીને કૃતકૃત્ય થવાનો દિવસ. જીવન સમા પુષ્પની પાંખડી વિખરાયેલી, ખરેલી કે ખંડિત જણાય તો તેને ભાવપૂર્ણ રીતે “દોષ મારો છે પરંતુ માળીનો નહિ”, આવું સમજીને તેને ફરીથી ખીલવીને વાતાવરણમાં સુગંધ ફેલાવવી એ જ મુખ્ય કર્મ છે. હોળીની પ્રાચીનતા કે અર્વાચીનતાના નાદમાં ન પડતા શ્રેષ્ઠતાનો નિ:સંકોચ સ્વીકાર કરવો તે જ બુદ્ધિમત્તાનું લક્ષણ છે.

મહાકવિ કાલિદાસે ખુબ સરસ કહ્યું છે,

પુરાણમિત્યેવ ન સાધુ સર્વં ન ચ અપિ કાવ્ય નવમિત્યવદ્યમ |

સંત: પરીક્ષાન્યતર ભજન્તે મૂઢ: પરપ્રત્યયનેબુદ્ધિ: ||   

અર્થાત, “સારાસાર વિવેક ખોઈ બેઠેલો માનવ, સંસ્કૃતિના તત્વોમાં રહેલા સત્વને સમજ્યા વગર, નિરર્થક વાતો માટે દુરાગ્રહી બની ભટકતો જોવા મળે છે.”

પ્રશ્ન થાય કે હોળીકાએ પ્રહલાદ જેવા પ્રભુભક્તને બળવાનો પ્રયત્ન કર્યો તે હોલીકાનું હજારો વર્ષોથી આપણે પૂજન શા માટે કરીએ છીએ? આ દહનની પાછળ એક બીજી વાતનું સ્મરણ રહેલું છે. હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેથી તે દિવસે નગરના બધા લોકો એ ઘરઘરમાં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને ન બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. લોકહૃદયને પ્રહલાદે જીતી લીધું હતું તે આ ઘટનામાં પ્રતિબિંબિત થાય છે. અગ્નિદેવ એ લોકોના અંત:કરણની પ્રાર્થના સ્વીકારી , હોલિકા નષ્ટ થઇ અને અગ્નીકાસોતીમાંથી પર ઉતરેલો પ્રહલાદ નરશ્રેષ્ઠ બન્યો. કાળક્રમે અગ્નિદેવની પૂજાનું રૂપ સ્પષ્ટ થતું ગયું અને અસદવૃત્તિના નાશ માટે અને હૃદયમાં રહેલો લોકોની શુભ ભાવનાને પ્રતીકાત્મક રીતે ભગવાન સુધી પહોચાડવાનું લાર્ય હોલિકા પૂજા દ્વારા શરુ થયું. તેથી જ લોકો હર્ષપૂર્વક હોલીકાનું સ્વાગત કરે છે.

હોલિકામાગતાં દૃષ્ટ્વા હૃદિ હર્શાંતિ માનવા: |

પાપમુક્તાસ્તુ સજ્જતા ક્ષુદ્રતા વિલયંગતા ||

  • હોલીકાદહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ ઉજવ્યો. આનંદના વાતાવરણથી રંગીન બનેલા લોકો એકબીજા પર રંગ, ગુલાલ વગેરે ઉડાવવા લાગ્યા. કોઈકે ધૂળ ઉડાવવાનું શરુ કર્યું અને તેમાંથી ધૂળેટી સર્જાઈ.આસમાની રંગો અને ધરતીની ધૂળનું આ ઉત્સવમાં મિલન સર્જાયું. નાના મોટા ભેદ ભૂલી, મહેલ અને ઝુંપડીના લોકો એકત્ર આવી નાચવા લાગ્યા.

સુરેશ દલાલની કેટલીક નયનરમ્ય પંક્તિઓ…

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;

રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

 

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;

ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.

આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;

રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

 

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;

નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!

થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;

રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

ટહુકો:

શક્તિ અને સમાજના અભાવમાં હૃદય રહેલી કેવળ ભોળી ભાવના કે આશા કાર્યસાધક બનતી નથી; તેથી જડવાદ કે ભોગવાદની સામે લડનારો પ્રભુનિષ્ઠ સૈનિક ભાવયુક્ત બુદ્ધિ તેમજ બુધ્ધિનિષ્ઠ ભાવનાથી સુસજ્જ હોવો જોઈએ. 

related posts

કૂદકો લગાવું…? વાગશે તો નહિ ને…!

કૂદકો લગાવું…? વાગશે તો નહિ ને…!

મંત્રદ: પિતા

મંત્રદ: પિતા