હું, મારું હૃદય એક ‘બાળક’…! આંખ તો ભીની થાય જ :-)

અદ્ભુત દિવસ.

કોલેજના દોસ્તની સિસ્ટરના મેરેજમાં દરેક ફ્રેન્ડ્સને મળવાનું થયુ. ઘણા સમયે બધા મળ્યા. એકબીજાને હાલ-ચાલ પૂછ્યા અને ‘એઝ યુઝઅલ’ જોબ સેટિસ્ફેકશનની વાતો થઇ. અમુક-તમુકને કોમ્પિટિટીવ એકઝામ્સની તૈયારી માટેની તૈયારીઓ વિષે વાતો થઇ.

ત્યાં જ, લેડિઝ સેક્શનમાં બેઠેલી એક વ્યક્તિને હું બહુ નજીકથી જાણતો હોઉં તેવું લાગ્યું. હું તરત ઉભો થયો અને એમની નજીક ગયો. એ લેડી પીઠ ફેરવીને ઉભા હતા. મનમાં થયું, ‘મોટા બહેન?’
“મોટા બહેન?” હું ધીરેથી બોલ્યો. પ્રેમથી અમે અમારા આચાર્યને ‘મોટા બહેન’ વિશેષણથી જ બોલાવતા.

એ મારા તરફ ફર્યા. અમારા બંનેના ચહેરા પર સ્મિત રેલાયું. તેઓ મારી પ્રાઈમરી સ્કૂલના આચાર્ય મંજુલાબેન સવાણી હતા. ઘણા સમય પછી મળ્યા હોવા છતાં, નમસ્કાર કરવાનું ચુક્યો નહિ.
તેઓ પણ બોલી ઉઠ્યા, “અરે, કંદર્પ ! બહુ દિવસે જોયો દીકરા. શું ચાલે છે આજ-કાલ? તારું સ્ટડી તો પૂરું થયું આ વર્ષે આઈ થિંક, હે ને?”

હું ખરેખર સરપ્રાઈઝડ હતો. આટલી બધી વાતો કઈ રીતે યાદ રહેતી હશે? ૨૫ વર્ષ સુધી સ્કૂલના કેટલા બધા બાળકો એમના પાસેથી ભણીને નીકળ્યા હશે. છતાં, તેમને હું યાદ હતો.
સ્કૂલમાં હંમેશા ૧ થી ૩ નંબર વચ્ચે જ રહેવાનો નિયમ હતો. રિઝલ્ટ આવે એટલે પપ્પા સાથે મોટા બહેનની ઓફિસમાં જવાનું અને તેઓ એક ચોકલેટ આપે. રિઝલ્ટ જુએ અને અમારા વખાણ કરે. તે સમયે હંમેશા તેઓ કહેતા, “જ્યારે પણ તમને તમારા શિક્ષક રસ્તામાં મળે ત્યારે શરમ રાખ્યા વિના જ એમને નમસ્કાર કરજો દીકરાઓ…!” એમની દરેક શીખ આજે પણ અમલમાં મુકવાનું ચૂકતો નથી.

“હા, મોટા બહેન. હું અમદાવાદમાં છું અને મારું મિકેનિકલ એન્જિનિયરિંગ …” મને અટકાવી ને તેઓએ વાક્ય પૂરું કર્યું.
“મિકેનિકલ એન્જિનિયરિંગ આ જ વર્ષે પૂરું થયું છે, મને ખ્યાલ છે. તમારી જેવા બાળકો અમને મળે ત્યારે મને બહુ ખુશી થાય. મને બહુ ખુશી થઇ કે આજે પણ તું પ્રાથમિક શિક્ષણ દરમિયાન આપેલી પ્રાથમિક શીખ ને ભૂલ્યો નથી.” મારો ચહેરો હાથમાં પકડીને તેઓ બોલ્યા.

હું ખરેખર એ હાથનો સ્પર્શ જોઈ ખીલી ઉઠ્યો. જયારે-જયારે રિઝલ્ટ આવે અને એમની ઓફિસમાં જવાનું થાય ત્યારે એ હાથ હંમેશા માથા પર ફરતો. હું પણ ખુશ હોઉં અને તેઓ પણ ખુશ હોય. એ જ સ્પર્શ આજે થયો. આજે ફરી એવું લાગ્યું કે હું આજે પણ પહેલા નંબરે પાસ થયો છું અને તેમની પાસે રિઝલ્ટ લઈને આવ્યો છું.

તેમની સાથે બીજા પ્રાથમિકના શિક્ષકો પણ હતા. તેમને બોલાવીને કહ્યું, “કંદર્પ આવ્યો છે. મળ્યા કે નહિ તમે બધા? મારો સૌથી પ્રિય વિદ્યાર્થી હતો. અને હા, બાલમંદિર અને પ્રાથમિકના મળીને ૯ વર્ષ મોનિટર હતો. એ કેમ ભૂલાય? તમે બધા જયારે ક્લાસમાંથી કોઈ તોફાની બાળકને મારી પાસે આવવાનું કહેતા ત્યારે એ તોફાની છોકરાઓને લઈને મારી ઓફિસમાં આવતો. એ છોકરાનો બચાવ કરીને પાછો વર્ગખંડમાં લઇ જતો.”
“અને હા, તમને ખ્યાલ હોય તો…! આપણી સ્કૂલમાં સ્વાધ્યાયપોથી બંધ કરાવનાર એ આ જ છોકરો. એક દિવસ મારી ઓફિસમાં આવીને મને સમજાવવા લાગ્યો, ‘મોટા બહેન, આ સ્વાધ્યાયપોથી પૂરવાની મેથડ ખોટી છે. બધા એકબીજામાંથી કોપી જ કરે છે. તેનો કોઈ અર્થ નથી.’ ડર રાખ્યા વિના નીચું માથું કરીને બોલી ગયો અને ચાલતો પણ થયો. એ જ સમયે મેં સ્વાધ્યાયપોથી બંધ કરાવેલી.” મોટા બહેન દરેક શિક્ષકોને વાત કરી રહ્યા હતા.

“કદાચ, જો તમે ના હોત, તો અમે આ સ્ટેજ સુધી ક્યારેય ન પહોંચી શક્યા હોત. શિક્ષકો બાળકોમાં રસ લઈને ભણાવતા હતા, શીખવતા હતા. કોઈ સ્વાર્થીપણું નહોતું.”
ત્યાં જ એમની આંખમાંથી આંસુ સરી પડ્યા. પહેલી વખત એવું બન્યું હશે કે, કોઈ શિક્ષકને વિદ્યાર્થી નો ખભો મળ્યો હોય. હું એ સમયે પોતાને બહુ ભાગ્યશાળી સમજતો હતો.

“બેટા, મળતો રહેજે. અને હા, સ્કૂલના અન્ય શિક્ષકો તરફથી તું લખે છો એ મને વાત મળી હતી. મારો કોઈ વિદ્યાર્થી લખતો હોય એ મારા માટે ગર્વની વાત છે. મને આપજે તારું લખાણ.” ઘણી બધી વાતો કરી.
આજે પણ જયારે મિત્રો મળીએ છીએ ત્યારે સ્કૂલની વાતો તરત જ જીભે ચડી જાય છે.

છેલ્લે તેમણે એક સરસ વાત કહી, “હિરો જયારે એરણ પર ઘસાઈને અમારી પાસે ફરી આવે છે ત્યારે તેની ચમક પાછળ અમારો હાથ હોય તેવું જરૂરથી લાગે છે. ‘ગોલ્ડન ડેયઝ’ જયારે પૂરા થાય પછી જ તે સમય સુવર્ણકાળ હતો, તે પ્રતીત થતું હોય છે. આગળ વધો અને હંમેશા પ્રગતિ કરતા રહો.”

ખરેખર, મારા માટે એ ઓસ્કર વિનિંગ મોમેન્ટથી વધુ કિંમતી ક્ષણ હતી. વૃક્ષની મજબૂતાઈ તેના મૂળ ને લીધે હોય છે, જે આજે અનુભવી શકાય છે.

(૧૬ ડિસેમ્બર, ૨૦૧૫. સાંજના ૯:૦૦ વાગ્યે)

related posts

ગામને છેડે, એક બીમાર શહેર હોય !

ગામને છેડે, એક બીમાર શહેર હોય !

પરિધિ, જ્યારે તારા હોવાના સમાચારે અમને રડાવ્યા!

પરિધિ, જ્યારે તારા હોવાના સમાચારે અમને રડાવ્યા!