ભારતીય તત્વજ્ઞાન, અલૌકિક વિચારસરણી, આધ્યાત્મિકતા અને ધર્મ વિશેની તાર્કિક સમજણનો સીમાસ્તંભ રોપનાર ભારતના આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ એટલે સ્વામી વિવેકાનંદ. ‘બ્રાન્ડ વેલ્યુ’ આવડી મોટી હોય તો જ યુવાધન એમનાથી આકર્ષાયું હોય. સ્વામી વિવેકાનંદ એટલે ‘વિવેક + આનંદ’ નો એવો તે સુભગ સમન્વય જે ભારતકાળમાં રામ-કૃષ્ણ જેવા અવતારના વર્ષો પછી જોવા મળ્યો હોય. ભારતીય વિચારધારાને તેના મૂળ રૂપે દુનિયાની સમક્ષ લઇ જઈને ૩૦ જુલાઈ, ૧૮૯૩,શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં એવો તે પરચમ લહેરાવ્યો કે દુનિયા આજે પણ તેમને ગર્વાન્વિત નજરેથી જુએ છે. ‘હિંદુઓના ધાર્મિક વિચારો’ વિષય પર બોલવાનું શરુ કર્યું અને એ પૂરું થતા જ હિંદુ ધર્મનું નવસર્જન થઇ ચુક્યું હતું એમાં કોઈ અવકાશને સ્થાન નથી.
૪૪ સંસ્કૃતિઓનો કાળખંડોમાં વિધ્વંસ થયા છતાં હજુ ભારતીય સંસ્કૃતિનો વાવટો કેમ હજુ ગગનમાં વિહરે છે? તેની ઝાંખી કરાવતી તાર્કિક વાતોને દુનિયા જે સાચા ભારતને ભૂલી ગઈ છે તેની સામે પ્રતિનિધિ બનીને બખૂબી વર્ણવે છે.
‘શા માટે ભારત હજુયે જીવે છે ?’ – આ વિષય પર સ્વામી વિવેકાનંદનું વક્તવ્ય દરેક હતાશના હૃદયમાં એક નવો પ્રાણ ફૂંકીને સજીવન કરવા માટે પરતું છે.
“યુગયુગાન્ત સુધી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઉઠતો જણાય છે; અને દુર સુદૂર જે ભૂતકાળના અંધકારમાં ડોકિયું કરવામાં ઈતિહાસ અને પરંપરા પણ નિષ્ફળ નીવડે છે, ત્યાંથી આવી રહેલો, જ્ઞાન, ભક્તિ અને કર્મના વિરાટ હિમાલયના શિખરે પ્રતિઘોષ પાડતો, ચાલ્યો આવતો, મૃદુ, સુદૃઢ અમે છતાં પોતાના વચનોમાં અચૂક, તેમ જ વખતના વહેવાની સાથે વિસ્તારમાં વધતો જતો એક ગેબી અવાજ આપણી તરફ આવી રહ્યો છે ! અને જુઓ, એ સાથે જ આપણી માતૃભૂમિ ભારત નિદ્રાધીન અવસ્થામાંથી જાગ્રત થઇ રહી છે; હિમાલયમાંથી વહી આવતી વાયુ લહરીની પેઠે તે તેના મૃત:પ્રાય અસ્થિ અને સ્નાયુઓમાં પ્રાણ પૂરી રહ્યો છે. સુસ્તી ઉડતી જાય છે અને માત્ર ચક્ષુહીન જ જોઈ નહિ શકે અગર તો જાણી જોઇને મતિવાળાઓ જ નહિ જુવે કે આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ ગઢ નિદ્રામાંથી જાગ્રત થઇ રહી છે. હવે એનો કોઈ સામનો કરી શકે તેમ નથી; હવે એ કદી પછી જવાની નથી, કારણ કે એ વિરાટકાય રાક્ષસ આળસ ખંખેરીને પોતાના પગ પર ઉભો થા રહ્યો છે.”
પશ્ચિમની લગભગ રગદોળાઈ ગયેલી, અધમુઈ થઇ ચુકેલી અને રાજકીય મહેચ્છાઓ તથા સામાજિક ષડ્યંત્રો વડે અધ:પતન પામી ચુકી છે. બીજી પ્રજાઓમાં નવું જીવન અને નવી પ્રાણશક્તિ પૂરવાને માટે જેમણે ઉભરાઈ જઈને જગતને જળમય બનાવી દેવું પડશે, તે ધર્મ અને આધ્યાત્મિકતાના ઝરણાઓ હજુ આ ભૂમિ પર વહે છે.સંવાદી અને વિસંવાદી અસંખ્ય અવાજોમાંથી, ભારતીય વાતાવરણને ભરી દેનારા અને સુરોના મેળામાંથી, સૌથી શ્રેષ્ઠ, સૌથી અલગ તરી આવે તેવો, પુરા જોશથી એક સુર ઉઠે છે. જે એકતાનો મંત્ર છે અને તેથી જ ભારત હજુયે જીવે છે, વૈદિક સંસ્કૃતિનો વાવટો આજે પણ પૂરી આન, બાન અને શાનથી ગગનના વિશાળ ફલક પર વિચરે છે.
“જયારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી,
તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી,
જયારે મેં પ્રભુ પાસે બુદ્ધિ માંગી,
તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા આપ્યા,
જયારે મેં પ્રભુ પાસે ખુશી માંગી,
તેણે મને દુઃખી લોકો બતાવ્યા,
જયારે મેં પ્રભુ પાસે સંપત્તિ માંગી,
તેણે મને મહેનત કરીને તક મેળવતા શીખવ્યું,
જયારે મેં પ્રભુ પાસે મનની શાંતિ માંગી,
તેણે મને મુસીબતમાં રહેલાની મદદ કરતા શીખવ્યું,
પ્રભુ એ મને જોઈતું હતું તે ન આપ્યું,
તેણે મને એ બધું આપ્યું જેની મને જરૂર હતી.”
– સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ અને તેમના બેલુર મઠના શિષ્યો વચ્ચેની પ્રશ્નોત્તરીમાંથી એક પ્રશ્ન:
શિષ્ય : ભારત ફરીથી કેવી રીતે જાગી શકશે ?
સ્વામીજી : પૂર્વના આકાશમાં ઉષા આવી ચુકી છે અને સૂર્યોદયને હવે થોડી જ વાર છે. તમે એના રથના ચક્રને તમારા ખભાનો ટેકો આપો. અર્થાત્, લોકો પાસે પહોચીને તેમની સ્થિતિ કઈ રીતે સુધારવી તેની સલાહ આપો, શાસ્ત્રોમાં સર્વોચ્ચ સત્યોને સરળ સ્વરૂપમાં અને લોકભોગ્ય રીતે રજુ કરી તેમના અંતરમાં ઉતારો. તેમના હૃદયમાં વાત સિદ્ધ કરો કે ધર્મ પર જેટલો બ્રાહ્મણોનો હક છે તેટલો જ તમારો છે. હાથપગ જોડીને બેસી રહેવાથી કશું નથી થવાનું, લોકોને તેમની સ્થિતિનું ભાન કરવો અને કહો કે, “ભાઈઓ ! ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”
ટહુકો : “પ્રાચીન ધર્મ એવું કહેતો કે જેને ઈશ્વર પર વિશ્વાસ નથી તે નાસ્તિક છે. અર્વાચીન ધર્મ એવું કહે છે કે જેને પોતાના પર વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” – સ્વામી વિવેકાનંદ.