લગ્ન : વિવાહ : શાદી : નિકાહ : પરિણય

Image may contain: 2 people, people smiling, people standing

લગ્નના દિવસે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ એટલે ‘ભવસંસાર’ નામની ડેબ્યૂ ફિલ્મમાં મેઈનસ્ટ્રીમ ‘હિરો’ તરીકે પાત્ર ભજવી રહેલ નાયક.

જીવનમાં બધું પ્રથમ વખત જ થઇ રહ્યું હતું તેમાનું એક એટલે ફોટોશૂટ. ઇન્ડો-વેસ્ટર્ન પ્રકારનું બ્લેક-ગોલ્ડન મેચિંગ પહેરીને, એક સુંદર વાગ્દત્તા – કે જેના જોડે છેલ્લા નવ મહિનાથી વૈધ પ્રેમ-સંબંધ બંધાઈ ચૂક્યો હતો – તેના જોડે ગરબે ઘૂમવાનું હતું. ઇન્ફીનિટીનું અત્તર, કેસિયો એડિફીસની બ્રાન્ડેડ વોચ, એકાદ મહિનાથી સતત શેપમાં રાખેલી બિઅર્ડ અને વાગ્દત્તાને ગમતા ચશ્માં. જીવનમાં એકમાત્ર એવો પ્રસંગ આવે છે જયારે વ્યક્તિ મન મૂકીને , ખિસ્સું ખોલીને અને બુદ્ધિ બારણે જડીને ખતરનાક શોપિંગ કરે છે – છતાં, કોઈ અટકાવતું નથી. મિત્રો ની ટોળી, તેની તાળી અને પ્રેમની પાળીએ બેસીને ગજબનાક પોઝ સાથે શૂટિંગ શૂટ કર્યાની લિજ્જત લૂંટી.

ઢોકળીનું શાક અને રોટલા, લીલા જમરૂખનું જ્યુસ, મકાઈનો ચેવડો અને આલ્મંડ કાર્નિવલ આઈસક્રીમનું મેન્યુ હતું. પેટ ભરીને ખાધું અને મન મૂકીને નાચ્યા. ગળામાં કોઈકનો મોંઘોદાટ હાર ચડાવ્યો. મોજડીમાં ફાવતું ન હોવાથી તેમાં ટીસ્યૂ-પેપરના ડૂચા ઠુંસ્યા. અણવર તરીકે ‘લગને લગને કુંવારા’ એવા જીજાજી હતા. લેગ બાય અને થર્ડ એમ્પાયર ટાઈપ અણવર તરીકે કેટલાંક એવા મિત્રો હતા, જેને વરરાજાની વસ્તુઓ પહેરવા-વાપરવાની બાય-ડિફોલ્ટ મજા લેવી હતી. ખોટું-ખોટું હસવાનું અને ફોટો પડ્યા પછી જે સાચુકલું હસવું આવે ત્યારે ક્લિક લેતો ફોટોગ્રાફર. તૈયાર થઈને આવેલી હિરોઈનની બે’નપણીઓને પોતાનું પાણી બતાવતા હિરોના ભાઈબંધો. બે દિવસ સુધી કોણ કોને જોશે અને કોણ કોને ભાભી માનશે, તેની અન્ડર-ટેબલ થતી ડીલિંગ. સનેડો, શાહરૂખ અને બચ્ચનના ગીત પર થતાં સિગ્નેચર સ્ટેપ્સ. ગરબામાં એકધારી તાળીઓ પાડીને ડી.જે.ની આતુરતાથી રાહ જોઈ રહેલા હિરોના અલમસ્ત દોસ્તો. ‘કાકા, હજુ થોડીકવાર ચલાવો’ – બોલીને હિરોના બાપને મનાવતો અને પોતાને મેચ્યોર ગણતો મિત્ર. આંખમિચોલીની થતી રમતો.

લગ્નમાં સૌથી મજાની વસ્તુ રાસ-ગરબા છે. રાસનો રસ એટલો ઘેરો હોય કે થાકી-પાકીને મિત્રો ઘરે જવાને બદલે બીજે દિવસે લગ્ન-સ્થળે રાખેલ વાડી-ફાર્મમાં પહોંચીને ગાદલા પાથરતા હોય છે. મહેમાનોવાળા ઘરમાં પણ રાજાની જેમ એક અલાયદો રૂમ આપીને તેને આરામ કરવાનું કહેવામાં આવે છે અને સમગ્ર રાત દરમિયાન મહેમાનો અને યજમાન વાતોએ વળગેલા રહે છે.

પહેલી અને આખિરી સમય મળતી રાજાની ફીલિંગ, મલમલનું કપડું, ગળે બંધાતું શાહી ગળાબંધ, મોતીની સેરથી સજેલો ખેસ, માથે બાંધેલ ફેંટાની ઉપર ખોટા પ્લાસ્ટિકિયા રત્નજડિત ચમકતી કલગી, ભીંસાતો કાન, ફાટફાટ થતી ફાંદ, ભીંસાતું શરીર, શો-કેસમાં પડેલ મસ્ત વસ્તુ જેવો બાહરી દેખાવ અને ફોટો પડાવવાની દિલી-ચૂલ, પોઝ આપવાની દિલ્લગી અને ફોટોમાં પત્નીને સાથે રાખીને રૂપાળા દેખાવાની એષણાઓ, હાથમાં ફૂલગજરો અને દરબારને ઘેરથી આણેલી મોટી તલવાર. મ્યાન અને તલવાર વચ્ચે બાંધેલ કોમળ રૂમાલ પણ એ વાતની સમજણ પૂરી પડે છે કે, અમે બંને એકબીજાને જકડાઈને રહીએ છીએ, તો જ શાન છે. તેથી તકલીફોને પેલા રૂમાલની જેમ કોમળહૃદયે સહી લેવામાં જ મજા રહેલી છે.

અનેક સ્ત્રીઓ, બહારથી હસતો અને ભીતરથી મૂંજાતો તેવો વર, લલાટે વારંવાર થતાં ચાંદલા, શરબતી ટૂકડી ચોખાનો હવન, મિત્રોની સેલ્ફી, સોશિયલ અપડેટ્સ, ગળે ડૂમો લઈને ત્રણેક કલાક બેસતી હિરોઈન, ચમકીલા ભારે-ભરખમ વસ્ત્રો, માહ્યરામાં સતત પ્રજ્વલ્લિત રહેતો અગ્નિ, લગ્નની દરેક વિધિઓ સમજાવતા ગોરપદું કરતા મહારાજ, વારે ઘડીએ ચહેરા પરનો પરસેવો લૂછવાની કાકલૂદી કરતા હિરો-હિરોઈન, હિરો-હિરોઈનની સીટ પાછળ ઉભા રહીને પોતાનું ક્ષણિક પ્રેમ-પ્રકરણ ચલાવતા અજાણ્યા યુવક-યુવતીઓ, મળવાપાત્ર સોનાની વસ્તુઓ પર ટકી રહેતી નાયકની બાઝ નજર, ડબ્બાઓની અંદરની બંધ વસ્તુઓ વિષે ખુલ્લા મને લગાવાતો અંદાજ, નાક પર ટીલું-ટપકું કરીને ચહેરો બગાડવા આવતી નાની-મોટી બાળાઓ, મોજડી ચોરવા તૈયાર રહેતા હિરોઈન-પક્ષની ચુનંદા સાથીઓની ફોજ, ત્રાંસો અંતરપટ પકડીને ઉભેલા રંગરેલિયા મનાવતા બે લાઈવ મિત્રો અને હિરોઈનની ફર્સ્ટ એન્ટ્રીને ‘હાઉકલી…’ કરીને જોતો હિરો, બનવા જનાર પત્નીને પગના ઠેબે હસાવવાનો પ્રયત્ન કરતો નાયક, જ્યૂસ-પાણી અને અવનવી વસ્તુઓની ડિમાન્ડ કરતો તેમજ લીલા-પોચા-નરમ-ભરતકામ કરેલ ગાદી પર બેઠેલ હિરોઈનના ‘ઈ’, વરરાજાને ભગવાન ગણીને થતી પૂજામાં હિરોનો જીવનમાં પહેલીવાર વધતો ખોટો આત્મવિશ્વાસ, કમસેકમ અમુક પ્રકારના દ્રવ્યો મિત્રો દ્વારા રૂમમાં ગોઠવાય તેવા સ્વપ્ના સેવતો માહ્યરામાં બેઠેલ નાયિકાનો સુહાગ, ફૂલ તોડવાની રાહમાં ઉભેલ બંને તરફના કેટલાંક ઉત્સાહી જંતુઓ, ફેરા ફરતી વખતે આંખ-નાક અને હોઠ વચ્ચે ફસાઈ ગયેલી ફૂલપાંદડીઓને થૂં-થૂં કે આંખ મારીને દૂર કરતો આંખમારું, જમણવારમાં હિરો-હિરોઈનની બાજુમાં જે મિત્ર બેસે તે બાય-ડિફોલ્ટ સૌથી નજીકનો મિત્ર છે તેવું સમજતા અન્ય મિત્રો, માહ્યરાની બાજુમાં વારેઘડીએ ઠોંસા મારી-મારીને ફોટોગ્રાફર પાસે ફોટો પડાવવાની જીદ કરતા જીદ્દી ચડ્ડીબડીઝ, ગિફ્ટચૂલિયા મિત્રોનું અડધેથી લગ્ન છોડીને ગિફ્ટપેકિંગ કરવા જવાનું પ્રયોજન, ગાડી શણગારવા જનાર મિત્રને મળતી સલાહો, શોર-બકોરયુક્ત વાતાવરણમાં મહારાજના શબ્દોને અપાતો બાયપાસ રૂટ, ગોરબાપુની દરેક વાતો ખબર પડે છે તેવું બહુ પ્રમાણિકતાથી દર્શાવવા જૂઠ-મૂઠની હલતી મૂંડી, લઘુત્તમ ચારેક વખત દરેક ક્રિયાઓ કરવી જ અને તેને અનુસર્યા કરવું તેવી મનઘડંત કહાનીઓ, સિંદૂરની સુંદરતમ ડબ્બી ખોલીને મધ્યમાન મગજ પર પૂરવામાં આવતો સિંદૂરીસેંથો, મંગળસૂત્રની ગાંઠ બાંધવામાં મુશ્કેલી અનુભવી રહેલો માંગલિક, ગૃહસ્થજીવનના બારણે ઉભેલી દીકરીની વિદાયનો કરુણ પ્રસંગ, મોટરમાં લાડીને એક વાર બેસાડ્યા પછી પોતાની મોટરમાં સાચુકલું ક્યારે બેસાડી શકીશ તેવો આવતો વિચાર, ઘરે પહોંચ્યા પહેલા ‘ભાભી’ પ્રજાતિ દ્વારા વધામણી, વીંટી શોધવાની રમતમાં મોટે હાથે બધું ભેગું કર્યા પછી હરેક વખતે જીતવું જ પડે તેવી ભ્રમણા, છેલ્લે-છેલ્લે રહી ગયું હોય તેમ ફરી કુટુંબીજનોને ખિસ્સામાં પરાણે હાથ નંખાવીને કઢાવવામાં આવતી આશીર્વાદી ચલણી નોટો, દિવસના અંતે કે મોડી રાત્રે ભરપૂર થાકેલો હોવા છતાં હિંમત કરીને ‘સ્માઈલ પ્લિઝ’ બોલ્યે રાખતો ફોટોગ્રાફર, હિરોના બેકગ્રાઉન્ડમાં વાગતું ‘સુહાગરાત હૈ…ઘૂંઘટ ઉઠા રહા હૂં મેં..’ પ્રકારનું ગીત, જલ્દીથી રૂમમાં પહોંચીને ફ્રેગરન્સ કેન્ડલ્સની મજા લેવા માણતું સુંદર યુગલ, જીવનની અપ્રતિમ રાત્રિ, સુકૂનભરી સવાર, સાસરે પ્રથમ દિવસે સાસુએ પહેરાવેલી સાડીમાં એકદમ જાજરમાન જણાતી પત્ની.

વાગ્દત્તાથી કલત્ર-તલ્પ-દારા એટલે કે લુગાઈ બનવા સુધીની એક દિવસીય સફર એટલે લગ્ન. ‘લાલિયા’થી માંડીને ‘લાલુ’ બનવા સુધીની એક દિવસીય સફર એટલે લગ્ન જ !

સો, ચંદનચકોરી વેડ્સ ગુલાબશટરની સંપૂર્ણ કહાની આવી કંઈક બની રહી હતી.

related posts

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

લાઈફ = ‘ટ્રાયલ & એરર’ મેથડ + સેલિબ્રેશન

લાઈફ = ‘ટ્રાયલ & એરર’ મેથડ + સેલિબ્રેશન