માતૃદેવો ભવ: ||

મા એક અવ્યક્ત સંબંધ, એક નિર્મમ અહેસાસ, અદ્વિતીય વિશ્વાસ. ગર્ભમાં એક મુક આહટથી માંડીને તેના જન્મ સુધી, તેની કિલકારીઓથી માંડીને કડવી થપાટ સુધી, આંગણાના તુલસીના છોડથી પૂજ્ય વડલાની પવિત્ર દોર સુધી, મા માતૃત્વની કેટ-કેટલી સંરચનાઓ રચે છે. પૃથ્વી પર પોતાના સંતાન માટે અમૃતનું ઝરણું, પતિ માટે પ્રેમનો અસ્ખલિત પ્રવાહ, પિતા માટે લાડકડી લાડો. દુનિયામાં માત્ર મા ને જ સૃજનશક્તિ અર્પીને ઈશ્વરે વિલક્ષણ વ્યવસ્થાની પ્રતિભા ધરી છે.

349008__silhouettes-of-a-mother-and-her-child_p

મા એટલે…

સોનેરી પ્રભાત, દિવસે ચમકતું ગગન, કેસરી સંધ્યા, નીલ રાત્રી, હોઠોં પર અથડાતો પવન, હોઠ પર આપમેળે પરોવાતું હાલરડું, વાળમાં ફરતો સુવાળો હાથ, ચહેરા પરનું સંગીત બનેલું અહ્લાદક સ્મિત, પ્રેમની મીઠાશથી સજાવેલ ખોળો, ઇદનો ચાંદ, ક્રિસમસની સાન્તાક્લોઝ, દિવાળીની રંગોળી, ધૂળેટીનો ગુલાલ, જન્માષ્ટમીની યશોદા, સંક્રાંતની મજબુત દોર, શિયાળામાં હુંફ આપતું સ્વેટર, ઉનાળાની ગરમીમાં બચાવતું કોલ્ડ કૂલર, મુશળધાર વરસાદથી બચાવતી છત્રી, પીડાને દુર કરતી શાંતિની ચાદર, વસંતનો વાસંતી વાયરો, પોતીકા માટે સમ્યક માંગણી કરતા બે હસ્ત અનેસમર્પણની શૂન્યમસ્તક ધારા.

મા એટલે…

સંવેદના, ભાવના અને અહેસાસ છે, જીવનના પુષ્પોમાં ખુશ્બુનો વાસ છે. રડતા દીકરાનું ખુશનુમા પાનું છે, મરુસ્થલમાં વહેતું મીઠું ઝરણું છે. લોરી, ગીત અને પ્રેમભરી થાપ છે, પૂજાની થાળી અને મંત્રોનો જાપ છે. આંખોનો ભીનો કિનારો છે, ગાલ પર પપ્પી અને મમતાની ધારા છે. કુમકુમ, મહેંદી અને સિંદુરની સ્યાહી છે, પરમાત્માની સ્વયં ગવાહી છે. ત્યાગ, તપસ્યા, સેવા, અનુષ્ઠાન, સાધના અને જીવનનો હવન છે, જીવતરના ખોળિયામાં આત્માનો ભવન છે. ચુડીવાળા હાથ પર મજબુત ખભાનું નામ છે, કાશી, કાબા, અને ચારધામ છે. ચિંતા, યાદ અને હિંચકી છે, દીકરાની ચોટ પર સિસકી છે. ચૂલો, રોટલી ના લીધે હાથના છાલા છે, જિંદગીની કડવાહટમાં અમૃતનો પ્યાલો છે. સૃષ્ટિની કલ્પના અધૂરી છે, કથા એ આદિ-અનાદિ છે. એ કોઈ અધ્યાય નથી, જીવનમાં મા નો કોઈ પર્યાય નથી. મહત્વ એનું ઓછું થઇ ના શકે અને માજેવું બીજું દુનિયામાં કોઈ હોઈ ન શકે.

મા એટલે…

બાળપણમાં નાના-નાના પગ વડે સ્તન પર મારવા છતાં દૂધ આપે, જમવા બેસતી વખતે જયારે આજુ-બાજુ નઝર કરીએ અને કહ્યા વિના મીઠાનો ડબ્બો આપણી તરફ સરકાવે, પરીક્ષા દેવા જતી વખતે દહીના વાડકા સાથે પોતે શગુન બનીને ઉભી રહી જાય,માથું ઓળતી વખતે આપણા ગાલમાં પોતાના અંગુઠાનો ખાડો પાડીને પેંથીએ-પેંથીએ તેલની સાથે સંસ્કારોનું સિંચન કરતી જાય, ગળામાં વોટરબેગ પહેરાવી સ્કુલ સુધી મુકવા આવે અને છેક ક્લાસના દરવાજા સુધી એકીટશે જોઇને ટાટા-બાય બાયનો હાથ આપમેળે હલાવ્યા કરે, રીઝલ્ટના દિવસેવગર કહ્યે ભાવતું મિષ્ટાન્ન બનાવે,પોતાના દુઃખને પોતાના દીકરાને હસતો જોઇને ભૂલવામાં સમય ન લગાવે અને જેના જીવતરમાંથી ચંદનની ખુશ્બુ અવિરત વહ્યા કરે.

મા એટલે…

ચાર દાણા ખવડાવવા દીકરાની પાછળ દોડે, દીવાબત્તીના સમયે પ્રાર્થના-શ્લોક-મંત્રો વડે સંસ્કારોનું સિંચન કરીને સભ્યતાના બીજ રોપે, સંતાનોની ફરમાઇશના પડ્યા બોલ ઝીલી લે, હર ક્ષણે એકસમાન પ્રેમથી નાનકડી લંગોટને બદલે, ખરાબ નજરથી બચાવવા કાજળની ટીક્કીઓ કરે, હમેશા ભગવાન પાસે દરેકના યોગક્ષેમની પ્રાર્થના કરે, ત્યાગની મૂર્તિ સમ પોતાના સપનાઓને બાળકના હૃદયમાં જીવી જાણે, દુનિયાની અવ્યક્ત વેદનાથી અળગી રહીને હમેશા હાસ્યનું વાતાવરણ નિર્માણ કરે, પિતાના ગુસ્સા સમક્ષ પોતે ઉભી રહી સંતાનને છાવરે અને પ્રેમભર્યો હાથ મૂકી જેમ કુંભાર માટલું ઘડે તેમ સંતાનોનું ઘડતર કરે.

 

મા એટલે…

પાણિયારે વીંછળાતું માટલુ, શ્રીખંડ બનાવવા પોટલીમાં બાંધીને મુકાતું દહીં, પ્રસંગોપાત પેંડા બનાવવા ૪-૫ દિવસથી બચાવાતું દૂધ, થપ્પી કરીને મુકેલી રોટલી, ગેસ પર ચડતી ફૂલકા રોટલી, પાપડ શેકતા તેની બ્લુ ફ્લેમનો તિખારો, અગાસીમાં જુના સાડલા પર સુકાતી વેફરની કાતરી, ચૂલે શેકાતા રીંગણના ઓળાનું ભડથું, મુરબ્બાની ચાસણીમાં રહેલા છુંદાની ધારે ચોંટેલો એક કેસરનો તાંતણો, ગોળવાળી સુખડીના તપેલામાં ફરતો તવેથો, ચોકડી કે ફળિયામાં અથડાતા વાસણો, સાવરણીના ઘસવાનો અવાજ, સુધડ રીતે ખાનામાં ગોઠવેલા નેપકીન, સવારમાં ધોકા અને બ્રશની જુગલબંધીથી ધોવાતા કપડા, ફિનાઈલ કે પાવડરના ડોલમાં રહેલા પાણી પરના મેઘધનુષી પરપોટાઓ, એરંડિયાથી ચળકતા ઘઉં, ‘શું બનાવ્યું છે આજે, મમ્મી?’ નો રોજ એકનો એક સવાલ છતાં એટલા જ પ્રેમથી અપાતો જવાબ, જમતી વખતે પોતાના પતિ કે પુત્ર સામે ભાવથી જોતી આંખો, માખણ જેવું કોમલ હૃદય અને એ હ્રદયના કિનારાને હંમેશા હર્યો-ભર્યો રાખતી પ્રેમની મધુરપ.

ટહુકો:-

ઉત્પત્તિનો ભાર નારીના ખભે મૂકી ઈશ્વર ખુદ નિશ્ચિંત થઈ ક્ષીરસાગરમાં પોઢી ગયા અને હૈયામાં સ્નેહનો ખજાનો ભરી નારીએ ‘મા’ તરીકે એ જવાબદારીને પોતાનો સ્વધર્મ સમજીને ઉઠાવી લીધી. દુનિયાની કોઈ ડિક્શનરી ‘મા’ નો અર્થ કે તેનું મમત્વ શીખવી શકે નહિ, કારણ કે તે નિ:સ્વાર્થ સંબંધની ધરોહર છે.

related posts

‘કોમ્પિટિટીવ એકઝામ્સ’નો વિરોધ કરતું બટેટું

‘કોમ્પિટિટીવ એકઝામ્સ’નો વિરોધ કરતું બટેટું

અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં

અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં