નવરાત્રી : ચોલી, સેર, લટકણ, ઘૂઘરી, કટિબંધ અને આછી લિપસ્ટિક

એક દીવડો માટલીની અનેક બારીઓમાંથી ડોકાઈ રહ્યો હતો. પ્રકાશના સથવારે તેની બાજુમાં પડેલા પીળા ગલગોટાના ફૂલને વધુ પ્રકાશિત કરી રહ્યો હતો. મા અંબાની આરતી વખતે દીવડો દરેક લોકો સામે એક નાના બાળકની જેમ જોઈ રહ્યો હતો. એક નાનકડું પવનનું જોકું આવ્યું, તેને ગલીપચી થઇ અને હસી પડ્યો. ત્યાં જ અનેક નેક હાથ તેના ફરતે આવીને શેષનાગની જેમ રક્ષણ આપવા લાગ્યા. છતાં, એ આંગળીની વચ્ચેથી વાયુરૂપે બહાર નીકળી રહ્યો હતો. કેસરી રંગની જ્યોત સમગ્ર વાતાવરણને દીપાવી રહી હતી. એક સમાન તાલથી ટકરાતી બે હથેળીઓ કર્ણપ્રિય મધ રેડતી હતી. દરેક હોઠમાંથી નીકળતો શબ્દે-શબ્દ જાણે યાજ્ઞવલ્ક્ય ઋષિના આશ્રમમાં ચાલતા વેદોના મંત્રોચ્ચાર! શંખનાદ સાથે માં અંબેનો જયકાર કરતાની સાથે જ ડી.જે સિસ્ટમ એ ખોંખારો ખાધો.ખેલૈયાઓ તૈયાર થઈને મેદાનમાં આવ્યા. કોઈક શર્ટને બરાબર પેન્ટની અંદર ખોસવાનો પ્રયત્ન કરતુ હતું. શૂઝની વાધરી બાંધતું હતું. કફ-કોલર સરખું કરતુ હતું. કોઈ સ્ટિરિયોની બાજુમાં ઈમ્પ્રેસ કરવા માટે સોંગ વગાડતું હતું. એટલામાં જ એક ઘરના પાર્કિંગમાં કોઈ દેખાયું.
એક બહેનપણી તેની દોસ્તને તૈયાર કરી રહી હતી. એક હાથમાં દાંડિયા અને બીજા હાથમાં ચુંદડી સાચવવા માટેની પીનો પકડેલી હતી. વળી, એક પીન દાંતમાં દબાવીને રાખેલ હોઠ આછી લાલ લિપસ્ટિકના બે ખંડોમાં વહેંચાઈને આકર્ષતા હતા. લાલ રંગના કાપડામાં ચમકતા કાચ જડેલ પરિધાનમાં તેના ઉરોજની માદકતા વિશ્વામિત્રને ડોલાવવા પૂરતી હતી. તેટલામાં જ તેની સખીએ પાછળથી સ્તનના ઉભારને છુપાવવા રાખેલ વસ્ત્રની પતલી ઝીણી ગાંઠ ખોલીને વધુ મજબૂત બાંધતી વખતે તેના શરીરના વળાંકો મન પર અવ્યક્ત અસર નીપજાવતા હતા. તેના એક ગાલને ઢાંકતી વાળની એક લટ પર લટ્ટુ બનતા કોઈ પણ ટટ્ટુને સમય લાગે તેમ નહોતો. તીખી-છૂરી જેવા આઈ-બ્રો હૃદયના કર્ણક પર સીધા જ વાગ્યા. એકદમ ગોળ-મટોળ ચહેરો આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યો હતો. માથામાં ખોસેલી ચુંદડી તેના નિતંબને સંપુટ આપીને પાછી કમર સુધી આવતી હતી. હાથમાં પહેરેલી મમ્મીની કડલીઓમાં આજે તે રમણી જાજરમાન લાગતી હતી. સરખે-સરખી સહેલીઓ આજે શણગાર સજીને તાલના તાર ઝંઝણાવવા આવી ચુકી હતી. ગરબાની ફરતે વર્તુળમાં ફરતી વખતે ઉછળતા તેના શરીરના સૌંદર્યનું ઔદાર્ય કંઇક અલગ જ હતું.

બેકલેસ ચોલી, માથા પર કોડીની સેર, મણકાઓ, ગળામાં હાર, શરીરને ચપોચપ પહેરેલ ઘેરું મરૂન પોલકું કે બ્લાઉઝ, કમર પાસે ખોસેલ ચોલીનો એક છેડો, કાંડા પર લટકણ ધરાવતું ટ્રેડીશનલ બ્રેસલેટ, જમીનથી એક વેંત ઉંચો ચણિયો, હાથમાં રેશમની સેરજડિત દાંડિયા, ચાંદીના ઝાંઝર અને સ્તનમંડળને આધાર આપતા કાપડાને બાંધતી પીઠ પરની ઘૂઘરી. ગાલ પર સહેજ ગુલાબી રંગની ઝાંય ધરાવતો ગાલ, પાતળા હોઠ પર આછી-આછી લિપસ્ટિક, દાઢી પર ત્રિકોણાકારે રચાયેલ ત્રણ ટપકાંની જોડ, સહેજ-સહેજ હથેળી પર લગાવેલ મહેંદી, કમર પરનો કટિબંધ, કટિબંધ પર બાંધેલ ઘૂઘરીયાળી સેર, આંખની પાંપણ પર સજાયેલ કૃષ્ણ-કાજળ અને એ પાંપણ પર સોસાયટીના મોટા ઓડિયન્સને જોઇને ધસમસતી આવેલ શરમ.

કેટલાક પુરુષમિત્રો સોસાયટીના ગેટ પર દરવાનની ભૂમિકા ભજવી રહ્યા હતા. કોઈ ખાણી-પીણી માટે નાસ્તાની વ્યવસ્થા કરી રહ્યું છે. સાદા ગરબાના બે-એક રાઉન્ડ પછી મોટી ઉંમરની સ્ત્રીઓ પોતાના ઘરના દરવાજા પાસે ટોળું વળીને બેઠી. યૌવનથી છલકાતા હાર્ટ-બીટ્સ હવે અનેક તાળીઓના ગરબા, દોઢિયા અને દાંડિયારાસનો રસ પીવાની તૈયારીમાં હતા. અનેક નજરો નવ દિવસમાં એકબીજા સાથે મળી જતી, પ્રેમની કંચુકીને કટિબંધની સેર નમાવી જતી. ત્યારે કોઈક અગાસીની પાળ પરથી પોતાની પ્રેમિકાને મળવા માટે ઈશારો કરતું. છુપાઈને તે રાસ-વર્તુળમાં પોતાની બહેનપણીઓની નજર ચૂકવીને પગ અગાસી તરફ વળે. આકાશ સમા ચંદરવા હેઠળ ઈશ્કના દીવડા હેઠળ આશકોની આશિકી આકાર લેતી. સ્ટિરિયોની પાછળ ગોઠવાયેલી અનેક ખુરશીઓનું ધ્યાન ‘પગ કઈ બાજુ પડે છે ?’ તેના જસ્ટિફિકેશનમાં જ ગૂંથાયેલ રહેતું. નવરાત્રીના અંતે સોસાયટીમાં જ કમસેકમ બે વ્યક્તિઓના સાસરિયું અને પિયરીયું નક્કી થઇ જતા.

મોડી રાત્રે છૂટા પડતી વખતે માતાજીના દીવડા પર પડતી નજર, ફરી વર્તુળ પૂર્ણ કરે.

માઈન્ડ સ્લો મોશનમાં કેટલીયે ફ્રેમ પર સેકંડને ડીવાઈડ કરીને થમ્બનેઈલમાં તેના પિક્ચર જોઈ રહે. એ ખુમાર છે, નશો છે. રાતમાં તેના શરીરમાંથી છલકાતા યુવાનીના જામને નજરકેદ કરીને તેના ઘૂંટનો જામ પીવાની મજા અલગ છે. હોર્મોન્સની લડાઈમાં બુદ્ધિનો પરાજય અને મનનો વિજય થાય, અજીબ આકર્ષણ થાય. હૃદયસંગીત સાહજિક છે, એ તો ગરબાનો તાલ છે અને કોઈકની નજર છે જેના માટે પગ થિરકતા રહે છે.

 

related posts

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

#સફરનામા: અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે કેટલા લોકપ્રિય હોઈ શકે?

ધીખતે તડકે રોંઢડિયું (2)

ધીખતે તડકે રોંઢડિયું (2)