ધોનીઝ્મ – ‘A Legacy’, જર્સી નં. ૭…! ‘ધ અલ્ટીમેટ.’

૭ જુલાઈ, ૧૯૮૧ના રોજ જન્મેલા આ ટાવરીંગ ટેલેન્ટને કોઈ પણ એન્ગલથી પડકારી ના શકાય એવો ક્રિકેટમસ્ત મૌલા, મહેન્દ્રસિંહ પાનસિંહ ધોની. ક્રિકેટજગતના ઇશ્ક્મસ્ત ફેન્સ ધોનીના દીવાના છે. ભારતને આજ સુધી ‘ઓન ફિલ્ડ’ પર હજારો લોકોની ચીચીયારીઓની વચ્ચે પોતાને પ્રગાઢ મૌનની અવસ્થામાં પણ ટુર્નામેન્ટ જીતવાના ‘માસ્ટર પ્લાન’ બનાવતો કોઈ કેપ્ટન નથી મળ્યો. આજે ‘માહી’ પોતે એક ગ્લોબલ બ્રાંડ બની ચુક્યો છે. અજોડ, અદ્વિતીય, અદ્ભુત, અવિસ્મરણીય એવો અલગારી ‘ધોની’ ભારતીય યુવાનોના દિલના કોઈ ખૂણે જરૂર પોતાની ધાક જમાવીને બેસી ચુક્યો છે.

એ લાખો યુવા દિલોની ધડકનની ચિનગારી છે. આજે તેણે પોતાનું જ આવડું મોટું ‘બ્રાન્ડી’ફીકેશન કર્યું છે કે પોતાનામાં જ એક ધગધગતી – સળગતી – ધ્યેયસભર કંપની ખોલીને બેઠો છે. ‘વર્લ્ડઝ બેસ્ટ ફિનીશર’ ખરેખર ભારતના તિરંગાને આન-બાન-શાનથી ટટ્ટાર લહેરાવવા હમેશા પોતાના મનના શાંત સમુદ્રમાં ડોકિયા કરીને એવો તે વિરોધી ટીમમાં ખળભળાટ કરી મુકે છે જાણે જુગાર રમવા બેઠેલા મામા ‘શકુનિ’ની જેમ ‘ખેલ માસ્ટર’ હોય. હમેશા ‘કેપ્ટન’નો પર્યાયી ‘ધોની’ અને ‘ધોની’ નો પર્યાયી ‘કેપ્ટન’ બની રહેશે. મૌનની પરાકાષ્ટાને હાંસલ કરીને દહાડતો, ગરજતો, ધ્રુજાવતો બબ્બર શેર.

દુ:ખેશ્વનુંદ્વિગ્નમના: સુખેષૂવિગત્સ્પૃહ |

વીતરાગ ભયક્રોધ: સ્થિતધિર્મુનીરુચ્યતે ||(અધ્યાય ૨, શ્લોક ૫૬)

CRICKET-RSA-IND

સ્થિતપ્રજ્ઞ…! આ વિલક્ષણ પ્રતિભા ગમે તેવી ‘ક્રીટીકલ’ પરિસ્થિતિમાં પણ ‘ટીપીકલ’ ડિસીઝન લઈને સામેની ટીમને ‘જજ-મેન્ટલ’ કરીને હારનો સ્વાદ ચખાડવા ઇન્દ્રનું સ્પેશીયલ હથિયાર છે. એક ઈન્ટરવ્યુંમાં તેને કહેલું કે, “નાનપણમાં મારે બહુ મિત્રો નહોતા, એટલે હું પોતાની જાત સાથે વાતો કરતા શીખ્યો છું. એ અનુભવોમાંથી જાતે શીખ્યો છું.” અને દોસ્ત..સફળતા તેના જ કદમ ચૂમે જેના ખમીરના પાયાનું સિંચન પોતાના પરસેવાથી થયું હોય. નસીબ માત્ર એનું જ ચમકે જયારે કેટલાયે વર્ષો સુધી પસીનાથી પોતાનું કપાળ ચમક્યું હોય. હા, ‘માહી’ની દિશા તો એ જ હતી. બોડી-લેન્ગવેજ તેની ‘ઇન્ડિયન સ્કીપર’ તરફની જ હતી. તેનો પુરાવો તેનું ફૂટબોલમાં ડીસ્ટ્રીકટ અને ક્લબ લેવલે થયેલું સિલેકશન હતું. એન્ટ્રી પણ ધમાકેદાર જ થઇ ઇન્ડિયન ટીમમાં. લાંબા હવામાં લહેરાતા વાળ જેના વખાણ પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફ પણ કર્યા હોય. સ્નાયુબદ્ધ કસાયેલું શરીર, સાથળની મજબૂતાઈ, સુવ્યવસ્થિત બાંધો…જસ્ટ લાઈક એન ઇન્ડિયન આર્મી સોલ્જર. કદાચ ‘મોસ્ટ સિનીયર પ્લેયર ઓફ ધ ટીમ’ હોવા છતાં ‘રનીંગ બિટવીન ધ વિકેટ’માં કોઈ માઈ નો લાલ હરાવી ના શકે.

ઇન્ડિયન બ્રિગેડમાં ૨૦૦૪માં એન્ટ્રી કર્યાના અગાઉના ૩ વર્ષ ધોની ઇન્ડિયન રેલ્વેમાં ‘ટીકીટ ચેકર(ટીસી)’ તરીકે પણ કામ કર્યું હતું. અન્ય એમ્પ્લોયી તેને બહુ પ્રમાણિક વ્યક્તિ તરીકે જોતા હતા. પરંતુ, તેનો એક બીજો તોફાની પહેલું પણ હતો. એક વખત રેલ્વે કવાર્ટરમાં ધોની અને તેના મિત્રોએ પોતાને સફેદ બેડશીટથી કવર કરીને કોમ્પ્લેક્ષની ફરતે આખી રાત ચક્કર લગાવ્યા. નાઈટ ગાર્ડસને એવું લાગ્યું કે ક્વાર્ટરમાં ભૂત ફરી રહ્યા છે. આ કિસ્સો બીજે દિવસે ખુબ મોટા ન્યુઝ બની ચુક્યો હતો.

જયારે કોઈ કારણોસર અથવા તો દંભના આધારે સિનીયર ક્રિકેટરો ટી-૨૦ વર્લ્ડ કપ રમવા તૈયાર ના થયા ત્યારે નવાણીયા પોપડા-પુત્ર ક્રિકેટરોના સાથથી આ બંદો મીની વર્લ્ડ કપ લઇ આવ્યો. હા, દુનિયાએ ઘણું કહ્યું…જયારે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ભારત ગ્રુપ મેચમાંથી જ બહાર ફેંકાઈ ગયું. ઘરની બહાર પોસ્ટરો બળ્યા અને પથ્થરો પણ ફેંકાયા. આ જ ગાંડી પબ્લિકને પોતાના હુનરથી પોતાના તરફ આકર્ષવા મજબુર કરી દીધી. ઘૂંટણીયે પડેલી પબ્લિકને પોતાની તાકાતનો પરચો આપી પંગુ અને મુક-બધીર બનાવી અને ભારતનો પરચમ સમગ્ર વિશ્વમાં લહેરાવી દીધો. ધીરે-ધીરે ગાંગુલી-દ્રવિડ-લક્ષ્મણ જેવા સિનીયર ખેલાડીઓ નીવુત થતા ગયા અને ‘બ્લીડ બ્લુ બ્રિગેડ’ને એવી તે ‘ટ્રાન્સફોર્મ’ કરી કે દરેક ટીમને ‘કન્ફર્મ’ થઇ ગયું કે આ ‘કેપ્ટન’ એ કેપ્ટન કરતા વિશેષ છે. ટીમને એવી સાંકળથી જોડી અને સિનીયર-જુનિયર દરેકને ક્રિકેટના એકતાંતણે પરોવી દીધા. નાના-મોટા દરેક મોતીને એવા તે સીફતાઈથી ગૂંથ્યા કે તે જ સચિનને ફેરવેલમાં ‘વર્લ્ડ કપ’ની ગીફ્ટ આપી. પોતાનું અંગત જીવન પણ એકદમ અંગત જ રાખતો આ ‘થલા’(માહી નું એક અન્ય નામ આ પણ છે.) પોતાને ‘ખુલ્લી કિતાબ’ કરીને દુનિયા સમક્ષ એક્સપોઝ નથી થતો. શબ્દોમાં પણ સચોટ વાત અને પર્યાપ્ત જવાબ. એઝ યુ નો..!

http://www.funonline.in/wp-content/uploads/2012/05/MS-Dhoni-HD-Face-Wallpaper.jpg

આજે હજુ પણ જુનું મહાભારત જોયા પછી અત્યારની નવી સીરીઝના મહાભારતને લોકો એક્સેપ્ટ નથી કરતા તેમ હજુ જુના ‘સચિન’ પુજારીઓ બહારખાને બુઠ્ઠી તલવાર લઈને આગઝરતા તણખાઓ જેવા શબ્દોના વાર કરવા તૈયાર થઇ જાય છે. પણ ટોપાઓને કોણ સમજાવશે કે ભાઈ, ક્યારેક માઈન્ડની ‘રેમ’ ડીલીટ કરીને સોફ્ટવેર અપડેટ કરીને પછી વાપરી જો, ‘હેંગ’ થતું બંધ થઇ જશે અને ‘હેંગઓવર’ બધો ઉતરી જશે. પેરાગોનની સેન્ડલ પહેર્યા પછી કોઈના બાટાના શુઝ ગમી જાય તો પણ વખાણ કરવાને બદલે ઉડાવતા હોય છે એવા લોકો ક્યારેક પોતાની અંદર ઝંખીને જુઓ કે દુનિયામાં વાંધો નથી, વાંધો તો આપણી અંદર છે. નો ડાઉટ…! ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પરંતુ, ‘પરિવર્તન એ કુદરતનો નિયમ છે.’ એ ગમે તે રીતે એક્સેપ્ટ કરવું જ રહ્યું…! ‘ગમે છે પણ કરવું નથી, કરવું છે પણ ફાવતું નથી.’ આ બ્લેક હોલમાંથી જયારે બહાર નીકળશું ત્યારે જ તો પરિવર્તનને પામશું દોસ્ત.

આસમાનની બુલંદીને ચુમતું એક આતિશી નામ, સાગરની ગહેરાઈઓ સુધી ઊછળતું એક ધોધમાર કામ. એક જીવતી જાગતી હ્યુમન બ્રાંડ, જે વર્ષો સુધી ‘કેપ્ટન કૂલ’ શબ્દનો બેન્ચમાર્ક રહેશે. એક નશો છે ‘માહી’નો, એક નકશો છે ‘એમ.એસ’ નો. ‘બ્લીડ બ્લુ’નો નાવિક છે અને ‘વ્હીસલપોડુ’નો સુકાની છે. બેઈલ્સની પાછળ ‘શિકાર’નો શોખીન છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ તેનું ‘જંગલ’ છે. લોકપ્રિયતા અને પ્રમાણિકતાનો ટટ્ટાર લહેરાતો ધ્વજ છે. એ આદમી નહિ, પાંખો વિનાનો પંખો છે. શું કસબ…શું કમાલ…! કશુંક પેલે પાર જોઈ ગયેલો ક્રિકેટમસ્ત ઓલિયો…! ‘ધ અલ્ટીમેટ.’

ટહુકો:- “જે ક્યારેય પાસો નથી ફેંકતો તે ક્યારેય ‘સિક્સ’ની અપેક્ષા રાખી શકે નહિ, જે પાસો ફેંકે છે તે જ ‘ધોની’ જેવા ‘સાહસી’ હોય છે.”

related posts

પ્રેમનો અર્થ….!

પ્રેમનો અર્થ….!

ભવસાગરને કાંઠે ‘રાધા-કૃષ્ણ’ની રમતમાં પ્રમાણિત થતાં વિ’મેન્સ’ ડે

ભવસાગરને કાંઠે ‘રાધા-કૃષ્ણ’ની રમતમાં પ્રમાણિત થતાં વિ’મેન્સ’ ડે