ધીખતે તડકે રોંઢડિયું (1)

Nalai #Gola in making at Juhu, #Mumbai #Street #Food #India #ekPlate #ekplategola

‘ટંડા.. ટંડા…’

લગભગ ચાર-સાડા ચાર આસપાસ ‘રામજાને’ શેરીઓના છોકરાની મીઠી ટંકોરી બનીને આવે. શેરીને ખૂણે હેર સલૂનના ગરમ પાટિયા આગળ લારી ઉભી રાખે. આવીને તરત શેરીમાં એક બૂમ પાડીને લારીએ ફરી પાછો જતો રહે. વસ્તુઓ ટીંગાડવા એક આધારિયું લારીને બંને છેડે ખીલીઓ ઠોકીને બેસાડયું હોય. તેના પર કેટલાયે રંગબેરંગી દોરાઓ બાંધીને લટકાવેલ ટીંકોરી વગાડે. બપોરે કેરમ કે નવો વ્યાપાર રમીને સૂતેલા અમે સૌ એ અવાજથી જાગીએ. રસોડાના ઘોડે લૂછીને મૂકેલ વાટકો, કે જેમાં બપોરે કેરીનો રસ ખાધો હતો એ લઈને ચપ્પલ પહેર્યા વિના જ દોડીએ. સૌથી પહેલો ગોળો ખાવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થાય તે પૂરાં એક દિવસ સુધી રાજાની જેમ રૂઆબ બતાવી શકતો. કારણ કે, ‘રામજાને’ પહેલો હોય તેને નિરાંતે ગોળો ખવડાવતો. તેની માર્કેટિંગ સ્ટ્રેટેજી એવી હતી કે, શરૂઆતમાં નિરાંતે છોકરાઓને ખવડાવીએ તો ત્યાં સુધીમાં – મમ્મીથી ડરતાં અને લોચ પાડતાં દરેક ટાબરિયાંઓ ટોળે વળી શકે. મા ના ખોળે બાખોડિયાં ભરીને પણ ‘છાલિયું’ મળવું જોઈએ.

કાથીના કંતાનિયે વીંટળાઈને પડેલી બરફની પાટને લારીની નીચેના ઝબોળીયાંમાં બાંધીને રાખેલી હોય. લારીમાં એક ખપાટિયું હોય. લાકડાનો હાથો ચડાવેલ અણીદાર સળિયેથી કાપા પાડીને મૂકેલી બરફની પાટ એ ખપાટિયાં નીચે હોય, જે સતત નીતરતી રહે અને લારીના કોઈ એક ઢાળેથી જમીન પર ઠંડા પાણીની ધારોડી કરતી રહે. ‘રામજાને આઈસ ડીશ’વાળો વર્ષોથી દર ઉનાળે આવતો અને પછી ક્યાં જતો રહે એ અંદાજો પણ ન આવે. લારીની ધારે ચાર-પાંચ સેકરિનયુક્ત કલરની શીશીઓ ભરી પડી હોય. બે-ત્રણ ડબ્બામાં રંગીન ‘ડૂંટી ફૂટી’ હોય. સાચું નામ શું હશે એ ત્યારે પણ ખ્યાલ નહોતો અને હજુ આજે પણ ખ્યાલ નથી.

“બચ્ચા લોગ ! દૂર રેહને કા ! જ્યાદા નજદીક આયેગા ઉસકો હમ ગોલા બના કે નહીં દેને વાલા !”

“કાકા, થોડા ટોપરા કા છોલ જ્યાદા ડાલના ! ઔર વો ખટમીઠાં લાલ કલર ભી !”

“કૌન સા? કચ્ચી કૈરી ઔર કાલખટ્ટા?”

બાજુમાં કોઈક છોકરી ઉભી હોય તો તે વળી ‘ગુલાબ’ કહે.

છાલિયું પકડીને અમે લારીથી થોડે દૂર-દૂર ઉભા રહીએ. તે ખસ્સ..ખ્સ્સ્સ..કરતો બરફની પાટમાંથી છોલ વેતરે અને તેમાં લાકડાની સાંઠી ખોસે. બંને હાથમાં લઈ તેણે હવામાં ઉછાળીને દબાવે. ‘કાલાખટ્ટા’ ફેવરિટ ! છતાં, સુસ્સ…સુસ્સ..કરીને એટલો કલર ચૂસી નાખીએ કે વારે ઘડીએ ગોળો ધોળો દૂધિયો થઈ જાય. ફરીથી ‘રામજાને’ પાસે જવાનું અને કલર માંગવાનો.

“નહીં મિલેગા ! પૂરા કટોરી ભર કે દિયા ફિર ભી તુમ લોગ પૂરા ચટ્ટ કર જાતે હો !”

“દો ના ભાઈ ! છેલ્લી વાર ! અબ નહીં માંગીએ.” તૂટી-ફૂટી હિંદીમાં જાણે અંગ્રેજો પાસેથી ભારત માંગવાનું હોય તેવું મોઢું થઇ જાય. છતાં, લારીને ખૂણે ઉભા રહીને પોતાની મેળે છાલિયામાં કલર ભરતા વીર બાળકો સવા લાખનો ડેબો ધરીને ડેરિંગ કર્યા કરે.

“એ ય બચ્ચા ! તુમ કો સમજ નહીં આતા? છોડો !” રામજાને જ્યાં સુધી પાછળ દોડે નહીં ત્યાં સુધી એ ગોળામાં કલર નાખ્યા કરે. છેવટે, દોડીને છાલિયું લઈ ઓટલે લસણ ફોલતી મમ્મીના ખોળામાં જઈને બેસી જાય. મમ્મી પણ વળી થોડુંક ખટમીઠું મોઢું કરી લે. પડતા શિયાળે લાવેલા નવા ઘઉંના બાચકાઓના કોથળાનું કંતાન બનાવીને બેઠેલી મમ્મીઓની મંડળી જામે.

 

related posts

ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ

ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ

‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)