દેવા શ્રી ગણેશા…!

http://images.fineartamerica.com/images-medium-large-5/lord-ganesh-ji-abstract-ii-riya-rathore.jpg

કન્ફેશન…!

આજ સુધી ગણપતિ ‘દોસ્ત’ની આરતીમાં ૨૨ વર્ષની લાઈફમાં માત્ર બે વખત જ ગયો છું. એ પણ, સોસાયટીમાં મમ્મી આરતી રાખતી ત્યારે મારે આરતીની થાળી લઈને જવાનું રહેતું. લગભગ ૫-૬ વર્ષ પહેલા હું આરતી ઉતરતા શીખ્યો હતો. એનું કારણ નાસ્તિકતા નહિ, બીજું કંઇક હતું. ગણપતિ દાદા એમ તો મારા ‘દોસ્ત’ કમ ‘ફિલોસોફર’ રહ્યા છે. હું હંમેશા તેમને હૃદયના બંને કર્ણકમાં વહેચીને રાખું છું. નીચેના બંને ખંડોમાં તેમની ફિલોસોફી રાખું છું. ગમે ત્યારે તકલીફ આવે ત્યારે ગનુ ‘મેન’ મારી સાથે જ ઉભા રહેતા. તેથી દિલમાં આરતી પણ રોજ થતી અને મમ્મી જે બનાવે તેણે પ્રસાદ સમજીને જમવાનું એવું અપ્પાએ નાનપણથી શીખવ્યું છે, તેથી પ્રસાદ પણ ખવાતો. જે આજે પણ ચાલુ જ છે. એ ‘ગણ’ (સમાજ) માટે ‘રાજા’ હશે, પરંતુ મારા માટે એ સૌથી નજીકનો ‘દોસ્ત’ છે.

મારી જેવું મોટું નાક અને ગોગલ્સમાં એકદમ ડેશિંગ એ મારો ‘ગનુ’ છે. ગળામાં જીસસનું ‘ક્રોસ’ અને માથા પર અલગારી ફકીર ઓલિયાનો ફેંટો. યો-યો ‘ગનુ’નું ક્લાસિક ‘બ્લેક જેકેટ’ વિથ ફંકી આર્મ-રિસ્ટ. મોટા કાનમાં જે.બી.એલના ઓરિજીનલ ઇઅરફોન્સ વિથ સેટેલાઈટ ફોન. વિન્ટેજ કારમાં બેસીને આવતો મારો ફ્રેન્ડ રોજ મને નવા-નવા અનુભવોની સફરે લઇ જાય અને ક્યારેક ઈમોશનલ તો ક્યારેક રોમેન્ટિક બનાવે. આ છે મારો દોસ્ત….!

આજે હું તેને મળવા ગયો. સાંજે સાડા સાત વાગ્યે. ઘણાબધા લોકોમાં એ મને ઓળખી ગયો. તેણે મને કહ્યું, “જો દોસ્ત…! આ બધા મને મળવા આવ્યા છે.”

મે કહ્યું, “શું યાર, આજે ફરવા નથી જવું?”

એ કહે, “૧૫ મિનીટ પછી જો તારું હૃદય અને મનમાં કોઈ ‘કિક’ ના લાગે તો હું ફરીથી તારી પાસે આવીશ. આપણે બંને ફરવા જઈશું.”

“ઓકે… ડ્યુડ.”

આરતી શરુ થઇ. ઘણા બધા લોકો હતા. દરેક લોકો પોતપોતાની રીતે આરતીનો થાળ લેવા માટે આવતા હતા. મારા દોસ્ત પાસે બે ઘડી ઉભા રહીને કંઇક માંગતા હતા. હું દરેકને નિહાળતો હતો. દરેક લોકો આરતીનો થાળ હાથમાં લેતાની સાથે જ બે ઘડી કોઈ અલગ દુનિયામાં ખોવાઈ જતા હતા. ખબર નહિ કેમ..? હું સમજી નહોતો શકતો. મારે સમજવું હતું. એવા જ ફ્લેટમાં અમારી સામે રહેતા એક બંગાળી બહેન આવ્યા. તેમને કઈ સમજાતું નહોતું. શબ્દો સાથે કોઈ નિસ્બત નહોતી. તેઓ મૂર્તિની સામે ઉભા રહીને આરતી ઉતારવા લાગ્યા. આંખો બંધ કરી. લગભગ થોડી જ વારમાં એ મંડપમાંથી આવતા પ્રકાશમાં તેમના ગાલ પર એ અશ્રુનું બૂંદ દેખાયું. બસ, એ નીચે પડવાની તૈયારીમાં જ હતું. તેમનું મારા દોસ્ત ‘ગનુ’ સાથે કોઈક અટેચમેન્ટ હોય એવું લાગ્યું. મને તેમની ઈર્ષ્યા થઇ.

પછી હું ગયો. જે કે માત્ર ફોર્માલીટી જ પૂરી કરવી હતી. આંખો બંધ કરતાની સાથે જ મમ્મી-પપ્પાનો ચહેરો મને દેખાયો. મારી જવાબદારીઓ દેખાઈ. નાના ભાઈની યાદ આવી. મારા લંગોટિયા દોસ્તો યાદ આવ્યા. ત્યારબાદ એ ચિત્ર ધૂંધળું થતું ગયું. ધીરે-ધીરે કોઈ સફેદ પ્રકાશ દેખાયો. તે પ્રકાશનું કિરણ જાણે અંધકારને ફાડીને નીકળ્યું હોય તેવું જણાયું. કંઇક અલગ જીવવા માટે ‘ગનુ’ એ આપેલો સંકેત હતો. થોડો રસ્તો વધુ દેખાયો. આત્મવિશ્વાસ વધ્યો. હાથ પરના રૂંવાડા ઉભા થયા. આશીર્વાદ આપવા માટે ‘ગનુ’નો હાથ મારા માથા પર ફર્યો. મે આંખો ખોલી અને જોયું તો કોઈ ચમત્કારી અનુભવની સંવેદનામાંથી સીધો જ બહાર નીકળ્યો હોઉં તેવો ભાસ થયો. દિલથી કરેલી પ્રાર્થના હતી…! મે પણ કંઇક માંગણી કરી. પણ બે હાથ જોડીને નથી, હાથની મુઠ્ઠી બંધ કરીને..! જીવનની બાકીની વણખેડાયેલી સફરમાં ખુબ બધી શક્તિની પ્રાર્થના કરી.

છેવટે મારો ‘ગનુ’ દોસ્ત બોલ્યો, “તને અહી બોલાવવા માટે હું તારી પાસે આવ્યો છું, તારી જેવો અને તારા જેવડો બનીને…! હવે તું પણ બીજા પાસે તેમની જેવો અને તેમની જેવડો બનીને જજે. અભિમાનનો મુખોટો ત્યજીને સહજ બનતા શીખજે. દુનિયા ગમે તેવી હોય, તું નિશ્ચલતાથી ચાલજે અને પ્રલોભનોથી ચેતજે. સ્વતંત્ર નિર્ણયો લેજે અને એ નિર્ણયો પર અડગતાથી ચાલજે. મારું કાર્ય પૂરું થયું, તારું કાર્ય શરુ.”

આ મેસેજનો અનુભવ મને એ ટોળામાંથી બહાર નીકળી વખતે થયો. ખરેખર, રોજની ચીલાચાલુ આરતી કરતા ક્યારેક દિલથી કરેલી ભગવાન સાથેની દોસ્તી વધુ મજાની હોય છે.

related posts

ધીખતે તડકે રોંઢડિયું (1)

ધીખતે તડકે રોંઢડિયું (1)

દિલવાલી દિવાળી (4/5)

દિલવાલી દિવાળી (4/5)