છતાં, ઘર આખુંયે ખુશ હોય. સૌ વર્ષે દહાડે ભેગાં થતાં હોય. ઘરને તોરણો લાગે. ડેલે આસોપાલવ અને ગલગોટાનું તોરણ લાગે. શહેરમાંથી રંગો લઈને આવેલ વહુઓ ઘરમાં સુંદર રંગોળીઓ પૂરે. ગોખલામાં દીવા થાય. દાયકાઓથી અડીખમ ઉભેલા ઘરના ગોખલા કેટલા સુંદર લાગે. અતુલનીય શ્વાસ ભરી મૂકે. એ રંગો કુદરતી રીતે જ પ્રકાશિત થઇ ઉઠે. ઘરમાં ફળિયામાં આખું કુટુંબ જ્યારે ખાટલો નાખીને બેસે ત્યારે દરેક ખટપટનો હિસાબ થાય. દૂરી હોય એ દૂર થાય અને અંતરની નજદીકી વધે. છોકરાઓને રમવા માટે મોકળું મેદાન હોય.
સાંજ પડે અને અંધારિયા પક્ષમાં તારામંડળ પ્રકાશિત હોય. ગામના ચોરે એકાદ મંદિર હોય અને આરતીની વાટ જોવાતી હોય. કોઈના હાથમાં કાંસાની ચાંદા જેવી ચમકતી ઝાલરો ઝૂલતી હોય. ’ને કોઈ મોટાં નગારા પર દાંડી ફટકારવાની ફિરાકમાં હોય. મોટેરાંઓ ધાવણાં છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોરે બેઠાં છે. છોકરાઓ ટીલડીઓ ફોડે. રોલને પ્લાસ્ટિકની બંદૂકમાં ચડાવીને આનંદ લૂંટે. હાથની પહેલી આંગળીમાં રોલ વીંટીને, ડેલાની થડોથડ ઉભેલા પથ્થરના બારસાંખ સાથે આંગળી ઘસીને, તિખારાઓ કરવાનો આનંદ ક્યાંય નથી.
ગામલોકો, કે જેઓ આજ સુધી ફાળિયું, પહેરણ અને ધોતડી પહેરીને જ જીવ્યાં છે. તેઓ ‘કળજુગ…કળજુગ…’ની વાતો કરતા હોય. આજકાલના બાળકોને જિન્સ, વહુઓને નાઈટી અને પાંત્રીસ વર્ષીય છોકરાંને કેપ્રી-બરમુડામાં જોઇને તેઓ જીવ બાળે. વાંક કોઈનો નથી. આપણા માટે એ સહજ છે, એમના માટે એ અલગ છે. જાણે આપણે સંકરણ પ્રજાતિના વંશજો હોઈએ તેવી ફીલિંગ તેમને આવે તો તે જરાયે આશ્ચર્યજનક નથી. તેઓ, કપડાં જોઇને કળજુગ નક્કી કરે, કળજુગ પરથી આપણું ભેંકાર ભવિષ્ય અને ભગવાનનો ભવ્ય ભૂતકાળ યાદ કરે. ‘ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ કેવા ઝગારા મારતું’ તેવું શહેરીજનોને જોઇને વાતો કરે. ગામડામાં જ રહેતી ગરાસણી તેની પેનીઓ ઢાંકતી ચાલી નીકળે ત્યારે તેઓ સરખામણી કરે, ‘આવી હોય છોડિયું. હંધાયે ઘરનું કામ કરી હકે. તમારા સેન્ડવિસુંમાં હું કોહ હોય?’ પછી ધીરે-ધીરે શક્તિ પ્રદર્શનની વાતો થાય.